વિશ્વ પર્યાવરણ દિન જેવી વ્યર્થ લાગતી  ઉજવણીથી આ પૃથ્વી લીલીછમ થશે? 

થોડા દિવસ પહેલા હવામાન ખાતાએ કહેલું. હવામાન ખાતાની વાત ઉપર વિશ્ર્વાસ રાખીને આપણે આ જ કોલમમાં પણ લખેલું કે હવે વરસાદ આવશે. વરસાદ ભારતની ભૂમિ ઉપર પહોંચી ગયો છે તો મુંબઈમાં હવે વરસાદ વરસવાને બહું વાર નથી. પરંતુ વરસાદ ખેંચાઈ ગયો. અમુક રાજ્યોમાં હીટવેવ ચાલુ થઈ. વાતાવરણમાં આવો અચાનક પલટો કેમ? માનવજાતનો પ્રકૃતિ સાથેનો સંબંધ જ એટલો સ્વાર્થી અને લોભી છે કે હવે આબોહવા આપણને નાટ્યાત્મક સરપ્રાઈઝ જ આપશે. હવેનો યુગ હવામાન વિશેની આપણી આગાહીઓ ખોટી પડવાનો સમય છે. એક જ આગાહી સાચી પડશે- આ પૃથ્વીનું નિકંદન નીકળી જશે.

કુદરતનું બાળક એટલે માણસ. પ્રકૃતિ માઈ-બાપ છે. માનવજાત બાળક છે. તે બંને વચ્ચે સંબંધો કેવા હોવાના? બોલતા-ચાલતા-સમજતા આવડી ગયું હોય એવું બાળક ક્યારેક ઉત્પાત મચાવે અને શાંત પડે નહિ. કોઈનું કહ્યું માને નહિ. ત્યારે અમુક કેસમાં મા-બાપ શું કરે? બાળકને ધરાઈને તોફાન કરી લેવા દે. બાળક એના તોફાનનો રંગારંગ કાર્યક્રમ જેવો આટોપે પછી એને ઘરે કે એના રૂમમાં લઇ જાય અને દિવસો સુધી ચાલનારી સજા મળે. પ્રકૃતિ અને માણસનો ખેલ કંઇક આવો લાગે છે. અત્યારે માનવજાતનો તોફાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ધરતી, સમુદ્ર, પહાડ, અવકાશ, પેટાળ બધે જ મનુષ્ય ધાંધલધમાલ કરી રહ્યો છે. કુદરત સતત ચેતવ્યા રાખે છે.
ઘણા સિગ્નલો આપે છે પણ આ તો માણસ છે. પોતાના સિવાય કોઈના બાપનું માને, ઘણી વખત પોતાના બાપનું ય ન માને. સ્વાર્થખોરીના ડીએનએ લઈને પેદા થયેલી આ મનુષ્યજાત પર્યાવરણનું નખ્ખોદ વાળીને જંપશે. પણ પેલા પેરેન્ટ્સની જેમ કુદરત મનુષ્યને તોફાન કરવા દે છે. એક દિવસ કુદરત પોતે સોથ વાળી દેશે, ખાત્મો બોલાવી દેશે અને પોતે ફરીથી ખીલી ઉઠશે. કુદરત એક વાઈરસની ફૂંક મારે છે અને આખી માનવજાત હેરાનપરેશાન થઇ જાય છે. પણ સુધરતી નથી.

દર પાંચમી જૂને વિશ્ર્વ પર્યાવરણ દિવસ આખી દુનિયા ઉજવે. ગયા વર્ષે સાઈકલ ડે ગયો તો લોકોએ પોતાના સાઈકલ સાથેના ફોટો મુક્યા. સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ વર્ષે સદગુરુએ ‘સેવ સોઇલ’ના કેમ્પેઈનને બહુ પ્રચલિત બનાવ્યું. વડા પ્રધાન અને સદગુરુ બંને એક મંચ ઉપર હતા. ગઈ સાલ અમેરિકન પ્રમુખ સહિત બીજા દેશોના ઘણા નાના મોટા અધિકારીઓએ એક દિવસ માટે સાઈકલ ચલાવી. પર્યાવરણ દિવસ નિમિત્તે જાતજાતના કરાર કરીને ખોટા વાયદાઓ આપવાનું સામાન્ય બની ગયું છે. લોકલ લેવલે ઝાડ ઉછેરવાની વાત થાય. આંતરરાષ્ટ્રીયસ્તરે પેરીસ ટ્રીટી જેવી સંધી થાય જેમ જે તે દેશ કાર્બન ઉત્સર્જન ઘટાડવાના સાચા ખોટા વાયદા કરે.
કેટલીયે પર્યાવરણવાદી સંસ્થા જુદા જુદા કૅમ્પેઈન ચલાવે. સ્ટાર સેલિબ્રિટીઓ વખતોવખત જે તે સંસ્થાના વૃક્ષારોપણ કાર્યક્રમોમાં પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય ફાળવતા હોય છે અને લોકોને વૃક્ષો વાવવાની અપીલ પણ કરીને લકઝરીયસ કારમાં ફૂલ એસી સાથે પાછા ફરતા હોય છે. પેટા સંસ્થાઓ અને એનિમલ રાઈટ્સના ઑર્ગેનાઈઝેશન સદીઓથી પર્યાવરણને બચાવી લેવાના સપના સાથે કામ કરે છે પણ કંઈ ઉપજતું નથી.
એક નઠારું સત્ય જાણી લો. પર્યાવરણ બચવાનું નથી. વસુંધરા વેરણછેરણ થઇ જશે એ નક્કી છે. કોઈ કીમિયો કે કોઈ યોજના કારગત નીવડવાની નથી. કોઈ મસીહા આવવાનો નથી જે માણસને માણસથી બચાવે.
પર્યાવરણનો કચરો કરી નાખનારા આપણે સૌ છીએ. બધા જ જવાબદાર છે. ભવિષ્યની પેઢીઓને આપણે બહું ખરાબ વાતાવરણ ભેટમાં આપવાના છીએ. આપણે એટલા સ્વાર્થી છીએ કે આપણને ભાવિ પેઢીઓની પડી જ નથી. વંશજોનું જે થવું હોય તે થાય, આપણે મજા લઇ લેવી છે, પ્રકૃતિના ભોગે. ઈલેક્ટ્રિસિટિનો બેફામ વપરાશ. ઈંધણનો આંધળો ગેરઉપયોગ. વાહનોનું જથ્થાબંધ પ્રોડક્શન. દરેક મોટું શહેર ઉદ્યોગનગર બનતું જાય. જેટલી માનવપ્રવૃત્તિ વધે એટલો પાણીનો વપરાશ. જેટલું પાણી વપરાય એટલું જમીન અને પાણીનું પ્રદૂષણ વધે. એટલા દરિયા અને નદીઓ દૂષિત થાય. જમીન બગડતી થાય. વિષચક્ર ખતમ જ ન થાય. પૃથ્વી ઉપર અત્યારે આઠ અબજ કાળા માથાના માનવીઓ છે. અહીં સુધી વાંચ્યું એટલામાં બીજા દસેક હજાર વધી ગયા હશે. સતત વધતા જ રહેશે. ૨૦૫૦ સુધીમાં દસ અબજ માણસો તો હશે જ.
ભારતની વસ્તી ચાઈના કરતા વધી જ ગઈ છે, કાયદેસરની વસ્તી ગણતરી બાકી છે એટલું જ. ચાઈના પણ એની વન ચાઈલ્ડ પોલિસી ત્યજી રહ્યું છે. એટલે ત્યાં પણ વસ્તી કુદકે ને ભૂસકે વધશે. બીજા દેશોમાં તો વસ્તી વધારાને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. જેટલા માણસો વધે એટલો નૈસર્ગિક સંપત્તિનો વપરાશ વધે. એટલી વધુ ટ્રેનો જોઈએ, એટલા વધુ વાહનો જોઈએ. એટલા વધુ ઓવરબ્રિજ અને અન્ડરપાસ બનાવવા પડે. એ બધું બનાવવા માટે સિમેન્ટ, પોલાદ, લોખંડ, પ્લાસ્ટિક, પાણી અને અન્ય ધાતુઓ જોઈએ. ઈલેક્ટ્રિસિટી તો પ્રાથમિક જરૂરિયાત છે જ.આ બધું પૃથ્વીનું શોષણ કરીને મેળવવામાં આવે. ગ્રહની બરબાદી થતી જાય. માણસને એમ છે કે એ સમૃદ્ધ થતો જાય છે. હકીકતમાં એ ઉકળતા જ્વાળામુખીના મુખ ઉપર ઊભો છે. ક્યારે એ ફાટશે એ એને ખબર નથી.

માણસો વધે છે એટલે ખોરાકની જરૂરિયાત પણ વધે છે. ખોરાક તો બધાને મળી રહે પણ નોન-વેજ ખોરાકે પૃથ્વીની પાડ પીટી છે. નોન-વેજીટેરીયન ખોરાકને કારણે માંસની ખપત વધુ રહે. માંસ મરઘી, ઘેટા, બકરા, ભૂંડ જેવા પ્રાણીઓમાંથી મળે. એ બધા પ્રાણીઓ કે પંખીઓ પુખ્તવયના થાય ત્યાં સુધી તેને મકાઈ જેવું ચણ નાખવું પડે. એ ચણ તો જમીનમાંથી ઉગે. માટે એગ્રિકલ્ચરલ લેન્ડ વધુ જોઈએ. માટે જંગલોનો સફાયો કરીને ખેતીલાયક જમીન બનાવવામાં આવે. એમેઝોનના જંગલો દર મિનિટે સાફ થઇ રહ્યા છે. ઑસ્ટ્રેલિયાના જંગલોમાં દર વર્ષે આગ લાગતી હોય છે. અમેરિકામાં પણ દાવાનળનો પ્રોબ્લેમ છે. બ્રાઝિલમાં તો ત્યાંના ખેડૂતો દર વર્ષે જાણીજોઈને અમેઝોનના જંગલોને આગ લગાડતા હોય છે.
અમેઝોનના જંગલો પૃથ્વીના ફેફસાં ગણાય છે અને આપણે એ ફેફસાંને સતત કાપતા રહીએ છીએ.
વ્યક્તિગતસ્તરે પણ આપણે કેટલો પ્રયત્ન કરીએ છીએ? વીજળીનું બીલ ઓછું આવે એટલે લાઈટ-પંખા-એસીનો વપરાશ કંટ્રોલમાં છે. પણ શહેરમાં મોલ, મલ્ટીપ્લેક્ષ, સુપરસ્ટોર બધું વધતું જાય. ત્યાં માણસોનો ઘસારો વધે એટલે એસી પણ ફાસ્ટ રાખવું પડે. પાણીનો બગાડ થાય છે. લોન સસ્તી મળવા માંડી એટલે ગાડીઓની ખરીદી થાય. ઓનલાઈન શોપિંગ એટલું થાય છે કે કપડાથી લઈને એસેસરીઝ જેવી બધી ચીજવસ્તુઓનું ઉત્પાદન વધતું જાય છે. આપણે જમવાનું એઠું મુકવાનું બંધ કર્યું? આપણે સાઈકલનો ઉપયોગ રૂટીન લાઈફમાં શરૂ કર્યો? વેજિટેરીયન ખોરાક અપનાવવાની શરૂઆત કરી? નહિ. આ બધું હવાનું, પાણીનું, જમીનનું અને સરવાળે અવકાશનું પ્રદૂષણ વધારતું જ જાય છે.

આ વિષચક્રનો કોઈ અંત નથી. કોઈ પેરીસ ટ્રીટી કે વૃક્ષારોપણના કાર્યક્રમ પૃથ્વીને તહેશનહેશ થતા બચાવી નહિ શકે. પૃથ્વીનો અંત નક્કી છે. કુદરતની તાકાત અસીમ છે. આપણો દંભ સર્વોપરી છે. આપણે જ આપણા યમદૂત છીએ. એકવીસમી સદી છેલ્લી નોર્મલ સદી છે