વીડિયો કૉલમાં કહેવાતી રિયા શર્મા સામે કપડાં ઉતારવાનું વૃદ્ધને અઢી કરોડમાં પડ્યું

આજકાલ આધેડવયના લોકો એના પોતાના અપલખણે લૂંટાઈ રહ્યા છે. અમદાવાદના વૃદ્ધ સાથે વર્ચ્યુઅલ સેક્સ બાદ યુવતી અને તેની ગૅંગે રૂપિયા પડાવાનું શરૂ કર્યું હતું, વૃદ્ધ સાથે નકલી પોલીસ અધિકારી બનીને પણ કરાઈ હતી ઠગાઈ. વૃદ્ધે કેફિયતમાં કહ્યું કે એ સમયે મારી પત્ની બીજા રૂમમાં ઊંઘતી હતી. તેણે મારી સાથે વર્ચ્યુઅલ સેક્સ કરવાની વાત કરી, પરંતુ મેં આનાકાની કરી, પણ વર્ચ્યુઅલ સેક્સમાં કોઈને ખબર નહીં પડે એમ કહીને એ નિર્વસ્ત્ર થઈ ગઈ. એણે મનેપણ નગ્ન થવા માટે કહ્યું. મેં અહીં ભૂલ કરી.” આ ગફલતને કારણે તેમણે ચાર મહિના દરમિયાન તેમણે ટુકડે-ટુકડે રૂ. બે કરોડ 70 લાખ જેટલી રકમ ચૂકવી હતી. સાયબર બ્લૅકમેલિંગનો ભોગ બનેલા જી. બી. શાહે અંગતમિત્રની દરમિયાનગીરીથી બીબીસીની સાથે વાત કરતા આ પ્રમાણેની કેફિયત આપી. છેવટે તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસને આ બ્લૅકમેલિંગ પાછળ ઝારખંડના જામતાડા સુધી પહોંચતા હશે, પરંતુ આ કેસના તાર સાયબરફ્રૉડના નવા ત્રિકોણ તરીકે ઊભરી રહેલા વિસ્તાર સાથે સાથે જોડાયા હતા.

અહીં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે ફરાર છે. આરોપીઓ ક્યારેક પોલીસ, ક્યારેક વકીલ અને ક્યારેક સીબીઆઈ અધિકારીઓનો સ્વાંગ રચીને 68 વર્ષીય વૃદ્ધ સાથે ઠગાઈ કરી રહ્યા હતા. વૃદ્ધો આ પ્રકારના સેક્સ્ટોર્શન માટે સૉફ્ટ ટાર્ગેટ હોય છે, પરંતુ કેટલીક બાબતોની કાળજી રાખવાથી બ્લૅકમેલરોની ચુંગાલથી બચી શકાય છે અને સાયબરવર્લ્ડમાં સુરક્ષિત રહી શકાય છે.

એ ઘટના પછી ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરવાની, પીડિતા દ્વારા આપઘાતનો પ્રયાસ અને બીજા અનેક બહાના હેઠળ અમદાવાદના વૃદ્ધ પાસેથી પૈસા પડાવવાની શરૂઆત થઈ હતી. શાહના કહેવા પ્રમાણે: “બીજા દિવસે મારા ફોન પર મારો અને એ છોકરીનો ન્યૂડ વીડિયો આવ્યો. તરત ફોન આવ્યો કે જો હું રૂ. 50 હજાર નહીં આપું તો એ મારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દેશે. હું ગભરાઈ ગયો અને મેં પૈસા મોકલાવી દીધા. પછી પોલીસના નામે ફોન આવ્યો અને પૈસા માંગ્યા. મેં એને પૈસા આપ્યા.”

“થોડા દિવસ પછી ઉચ્ચ અધિકારીના નામે બીજો ફોન આવ્યો અને વીડિયો ડિલીટ કરવા માટે વધુ રૂપિયાની માગણી કરી. સામાજિક બદનામીના ભયથી મેં પૈસા મોકલાવી દીધા. હવે આ લોકો મને અલગ-અલગ ફોન નંબર પરથી ક્યારેક સીબીઆઈ ઓફિસર તો ક્યારેક દિલ્હી પોલીસના અધિકારી તરીકે ફોન કરીને ટુકડે-ટુકડે મારી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા.” સામાજિક બદનામીના ભય અને આરોપીઓની ધાક-ધમકીને કારણે શાહની મુશ્કેલીઓ વધતી રહી અને ઠગોની માગણીઓ પણ વધી ગઈ.

પોતાની વાતને આગળ વધારતા તેઓ કહે છે, “પહેલાં તો મેં સામાજિક બદનામીના ડરથી પૈસા આપ્યા, કંટાળીને મે પૈસા આપવાની ના પાડી, ત્યારે એક દિવસ અચાનક જ મારી ઉપર ફોન આવ્યો કે રિયા શર્માએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. તેના પરિવારના લોકો પોલીસમાં ફરિયાદ કરવા માટે આવ્યા છે. તેમની પાસે સેક્સનો વીડિયો પણ છે. કેસને સગેવગે કરવા માટે મારી પાસે રૂ. 18 લાખ 50 હજારની રકમની માગ કરી. હું ગભરાઈ ગયો અને તેમણે કહ્યું તે બૅન્કના ખાતામાં મેં પૈસા ટ્રાન્સફર કરી દીધા. એ ઘટનાના થોડા દિવસ પછી ફરી એક વખત મારી ઉપર સીબીઆઈના (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) ઓફિસર તરીકે ફોન આવ્યો અને કહ્યું કે હવે તે કેસ સીબીઆઈ પાસે છે.”

“કેસને બંધ કરવા માટે તેમણે રૂ. 29 લાખ 35 હજારની માગણી કરી. મને એમ કે કેસ પૂરો થયો, પરંતુ એ પછી કેસ કોર્ટમાં ગયો છે એમ કહીને તેમણે દિલ્હી હાઈકોર્ટના નામે પૈસા માંગ્યા. એ પછી હાઈકોર્ટમાં કેસને સગેવગે કરવા માટે પૈસા મંગાવ્યા.” આ પછી દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો ટાઇપિંગના બદલે હાથેથી લખેલો મળ્યો ત્યાર તેમને શંકા ગઈ હતી કે તેમને ડરાવીને છેતરવામાં આવી રહ્યા છે. આ પછી એક મિત્રના સૂચનથી સામાજિક બદનક્ષીનો ભય છોડીને તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યાં સુધીમાં તેમણે રૂ. બે કરોડ 69  લાખ 32 હજારનું નુકસાન સહન થઈ ગયું હતું.

જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે તેમને આશંકા હતી કે આ કેસના તાર ઝારખંડના જામતારા સુધી પહોંચતા હશે, જે આ પ્રકારના બ્લૅકમેલિંગ માટેનો કુખ્યાત વિસ્તાર છે. નેટફ્લિકસ પર ‘જામતારા: સબકા નંબર આયેગા’ નામની વેબ સિરીઝ પણ આવી હતી, જે આ પ્રકારના ઠગ અને તેમની કાર્યપદ્ધતિ પર આધારિત હતી. શાહની ફરિયાદ મળતા સાયબર ક્રાઇમ-બ્રાન્ચના એસીપી (આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ) જે. એમ. યાદવના કહેવા પ્રમાણે, “અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા અને રિન્યુએબલ પાવર ઍનર્જી કંપનીમાં ડાયરેક્ટર અને ઍડ્વાઇઝર તરીકે કામ કરનારની ફરિયાદ પરથી અમે તપાસ હાથ ધરી તો અમારા આશ્ચર્યની વચ્ચે સાયબરક્રાઇમના મૂળ જામતારા નહીં, પરંતુ રાજસ્થાનના ભરતપુરના એક નાનકડા ગામ સુધી પહોંચ્યા હતા.

તેમણે કહ્યું કે અમારી ટીમ ત્રણ દિવસ સુધી ડેરાતંબુ તાણીને બેઠી એ પછી ક્યારેક વકીલ તો ક્યારેક પોલીસ ઓફિસર બનીને લૂંટનાર યુવકને પકડી શક્યા. અમારી ટીમના ઓફિસર પરમાર અને તેમની ટીમે અલગ-અલગ નંબર પરથી આવેલા ફોન અને જે બૅન્કમાં પૈસા ટ્રાન્સફર થયા હતા, તેનું વિશ્લેષણ કર્યું તો આ તમામ ટ્રાન્ઝેક્શન રાજસ્થાનના ભરતપુરમાં થયા હતા.

ભરતપુરના છૂટાછવાયા ગામડાં સેક્સના વીડિયોકૉલ રેકોર્ડિંગ કરવા માટે કુખ્યાત છે. ત્યાં જામતારા જેવું જ નેટવર્ક ચાલે છે. તેઓ છોકરીના ન્યૂડ વીડિયોની સાથે સામે વાળી વ્યક્તિના વીડિયોને મર્જ કરીને બ્લૅકમૅલ કરે છે.  અમારી ટીમે ભરતપુરમાં ડેરાતંબુ તાણ્યા હતા અને ચાંદપુરામાંથી તાહિર ખાનની ધરપકડ કરી છે. પોલીસને તાહિર ખાનપાસેથી અનેક વીડિયો મળ્યા છે. તાહિરે જે વીડિયો અને વૉટ્સૅપ ચેટ ડિલીટ કર્યા છે, તેને રિકવર કરીશું.

પોલીસે તાહિર ખાનના બે ફરાર સાગરિતોને પણ ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે અને જે લોકો તેમની ઠગાઈનો ભોગ બન્યા છે તેમનો પણ સંપર્ક કરવામાં આવશે. આ સિવાય તેના ફોનમાંથી મળેલા નંબરોની પણ તપાસ હાથ ધરવામાં આવશે. રાજસ્થાનનો ભરતપુર જિલ્લાઓએ હરિયાણાના મેવાત અને ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લા સાથે જોડાયેલો છે. આ ત્રિકોણીય વિસ્તાર સાયબર ઠગાઈ અને સેક્સ્ટોર્શનના નવા કેન્દ્ર તરીકે ઊભરી રહ્યો છે. પોલીસ વર્તુળોના કહેવા પ્રમાણે, આ જિલ્લાઓના સીમાવર્તી વિસ્તારોમાં એકબીજા રાજ્યોના અલગ-અલગ કંપનીના નેટવર્ક પકડાય છે. જેના કારણે બદમાશોના કૉલના ટાવરને ટ્રેસ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે.

આ સિવાય ટ્રાઇ-જંકશન પર મોબાઇલ નેટવર્કનું ‘બ્લૅક-સ્પૉટ’ ઊભું થાય છે, જે ગુનાખોરોને બચાવવામાં મદદ કરે છે. તેઓ બનાવટી દસ્તાવેજોના આધારે પૂર્વોત્તરના રાજ્યોમાંથી પણ સીમકાર્ડ મંગાવે છે, જે સમસ્યાને વધુ જટિલ બનાવે છે. અહીંના ઠગ લખનઉ, નોઇડા, મથુરા, દિલ્હી, મુંબઈના વૃદ્ધ ધનિકોને નિશાન બનાવે છે. આ માટે તેઓ ફાંકડું અંગ્રેજી પણ બોલે છે.

ભરતપુરના એસીપી બી. એલ. મીણાએ જણાવ્યું કે, “ભરતપુરના રામગઢ, ગોવિંદગઢ, નૌગાંવ અને ચાંદપુરાના કેટલાક યુવાનો સાયબર ફ્રૉડમાં સંડોવાયેલા હોવાનું અલગ-અલગ કેસોમાં બહાર આવ્યું છે. આ ગામડાં ખૂબ જ નાના હોવાથી આઈપી (ઇન્ટરનેટ પ્રોટોકૉલ) ઍડ્રેસ પરથી આ ગામડાંમાં છૂપાયેલા સંદિગ્ધોને પકડવામાં અન્ય રાજ્યોને મુશ્કેલી પડે, પણ અમે તેમને સહકાર આપીએ છીએ. આવા ગામડાંમાં શરૂ થયેલા સાયબર ફ્રૉડને પકડવા માટે રાજસ્થાન પોલીસે કડક હાથે કામગીરી હાથ ધરી છે. સેકસ્ટોર્શન ઉપરાંત ઈ-કૉમર્સ વેબસાઇટ પર સામાન વેચવા મૂકનારને ક્યૂઆર કોડ મોકલીને પણ તેઓ ઠગાઈ કરે છે. મોટાભાગે તેઓ સરહદ પર તહેનાત સૈનિક તરીકેની પોતાની ઓળખ આપે છે અને તેમના ડિસ્પ્લે પિક્ચરમાં સૈનિકની તસવીર પણ હોય છે.