આપણે ત્યાં કોરોનાના કેસો પાછા ધડાધડ વધવા માંડ્યા છે તેના કારણે લોકોમાં જોરદાર ફફડાટ છે. આ ફફડાટ વચ્ચે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા બેઠક કરી નાંખી. મોદીએ બે તબક્કામાં કરેલી આ બેઠકમાં એન્ટિ ક્લાઈમેક્સ આવી ગયો. મોદી અત્યાર સુધી લોકોને સધિયારો આપતા હતા કે, કોરોનાની રસી બનાવવાનું કામ ધમધોકાર ચાલે છે ને બહુ જલદી આ રસી સામાન્ય લોકોને આપવા માટે આપણા હાથમાં આવી જશે. કોરોનાની રસી કઈ રીતે લોકોને આપવી તેની ગોઠવણ પણ કરી દેવાયેલી ને વાસ્તવમાં મંગળવારે મોદીએ બોલાવેલી બેઠકમાં કોરોનાની રસીના વિતરણની વ્યવસ્થાની ચર્ચાનો મુદ્દો પણ એજન્ડા પર હતો.
મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં મોદીએ કોરોનાની રસીના મુદ્દે ઉઘાડ કાઢીને કહી દીધું કે, કોરોનાની રસીના ભરોસે કોઈ બેસી ન રહેતા કેમ કે આ રસી ક્યારે આપણા હાથમાં આવશે એ નક્કી નથી. વિજ્ઞાનીઓ રસી બનાવવાનું કામ કરી રહ્યા છે પણ રસી ક્યારે બની જશે ને ક્યારે આપણે એ લોકોને આપવા માંડીશું તેનો સમય અત્યારથી નક્કી ન કરી શકાય તેથી રસીના ભરોસે તો જરાય ન બેસતા. લાંબા સમયથી મોદી લોકો સામે કોરોનાની રસીની વાતો કર્યા કરે છે ને લોકોને આશા બંધાવ્યા કરે છે કે, ભારતની સ્વદેશી કોરોના રસી બહુ જલદી હાથમાં આવી જશે ને લોકોને તેનો ડોઝ પણ અપાવાનો શરૂ કરી દેવાશે. મોદીના પગલે તેમના પ્રધાનો પણ મચી પડ્યા છે. કોરોનાની રસી મહિના બે મહિનામાં તો આવી જશે એવી વાતોનો મારો ભાજપના નેતાઓ અને પ્રધાનો પણ ચલાવ્યા કરે છે. ગુજરાતમાં હમણાં બે દિવસ પહેલાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં કહેલું કે, જાન્યુઆરી સુધીમાં તો કોરોનાની રસી આવી જશે તેથી ચિંતા કરશો નહીં. મોદી સરકારના બીજા પ્રધાનો પણ આવી વાતો કર્યા કરે છે. નેતાઓ કે પ્રધાનોને રસી વિશે ખબર પડતી હશે કે નહીં એ રામ જાણે પણ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન તો સર્ટિફાઈડ ડોક્ટર છે ને જાણીતા સર્જન છે. મોદીના રવાડે ચડીને એ ભલે આયુર્વેદના ગુણગાન ગાતા હોય પણ એ ડોક્ટર એલોપથીના છે તેથી રસી વિશે તેમને ખબર પડે જ એ સ્વીકારવું પડે. ડો. હર્ષવર્ધને પોતે સોમવારે કહેલું કે, ભારતમાં બે મહિનામાં રસી આવી જશે ને માર્ચ મહિના સુધીમાં તો ઓછામાં ઓછાં પચીસ કરોડ લોકોને રસી અપાઈ પણ જશે. મોદીએ આ બધી વાતોનો છેદ ઉડાડીને કહી દીધું છે કે, રસીના ભરોસે ન બેસી રહેશો ને કોરોનાને નાબૂદ કરવા માટે પ્રયત્ન કરો. મોદીએ દેશનાં જે આઠ રાજ્યોમાં કોરોનાના કેસો વધારે છે એ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પહેલાં બેઠક કરી તેમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારત સરકાર વેક્સિન ડેવલપમેન્ટ પર નજર માંડીને બેઠી છે. અમે ભારતીય વેક્સિન સંશોધકો અને ઉત્પાદકોના સંપર્કમાં છીએ ને વૈશ્ર્વિક કંપનીઓ, સંગઠનો તથા અન્ય દેશોની સરકારોના સંપર્કમાં પણ છીએ પણ રસી ક્યારે આપણા હાથમાં આવશે એ અમારા હાથમાં નથી તેથી અત્યારથી કશું કહી શકાય નહીં. મોદીએ રસી અંગે બીજી પણ વાતો કરી છે ને આ તેનો ટૂંકસાર છે. મોદીની વાત દેશનાં લોકો માટે આંચકાજનક છે કેમ કે તેમની વાતોના આધારે લોકો બહુ જલદી રસી આવી જશે એવી આશા રાખીને બેઠાં છે. મોદીએ તેમને રસીના ભરોસે નહીં રહેવાનું ચોખ્ખા શબ્દોમાં કહીને આંચકો આપી દીધો છે પણ મોદીની વાત વાસ્તવવાદી છે ને આ વાત કરવી જરૂરી પણ હતી. આપણે ત્યાં લોકો એમ જ માની બેઠાં છે કે, કોરોનાની રસી બનાવવી એ રમત વાત છે ને વિજ્ઞાનીઓ ધંધે લાગેલા છે તેથી બહુ જલદી રસી આવી જશે. આ ભ્રમમાંથી બહાર આવવાની જરૂર છે કેમ કે કોરોનાની નહીં પણ કોઈ પણ રસી બનાવવી એ ખાવાના ખેલ નથી. રસી બનાવવા માટે બહુ મથવું પડે છે ને વરસોનાં વરસો નિકળી જાય છે, લાખોની સંખ્યામાં ટેસ્ટ કરવા પડે છે ને થોકબંધ ડેટા મેળવવો પડે છે. અલગ અલગ તબક્કે પ્રયોગો થાય ને સો ટકા સફળતાની ખાતરી થાય પછી જ એ રસી પર મંજૂરીની મહોર મરાય છે. કોરોના સાવ નવો રોગ છે ને આપણને હજુ તો એ રોગનું મૂળ ક્યાં છે એ જ ખબર નથી. કોરોના વાઈરસ વિશે હજુ વિજ્ઞાનીઓ ગોથાં ખાય છે. કોરોનાએ કાળો કેર વર્તાવ્યો તેના કારણે પેદા થયેલી ઈમર્જન્સીના કારણે વિજ્ઞાનીઓએ બધા નિયમો બાજુ પર મૂકીને કમર કસવી પડી ને કોરોનાની રસીનું કામ હાથ પર લેવું પડ્યું, બાકી સામાન્ય સંજોગોમાં તો કોઈ પણ રોગની રસી તાબડતોબ બનાવવાની વાત જ ના થાય. કોરોનાના કિસ્સામાં એ બધું બાજુ પર મૂકીને બનાવાયેલી રસી ખરેખર સફળ થશે કે નહીં એ મોટો સવાલ છે. માનો કે તેને સફળ માનીએ તો પણ તેનું કોમર્સિયલી પ્રોડક્શન શરૂ થાય ને બજારમાં મુકાય એ બધામાં કેટલો સમય નિકળી જશે એ કહેવું મુશ્કેલ છે. મોદીની વાત એ રીતે જોઈએ તો એકદમ સાચી છે પણ તેમણે બહુ પહેલાં આ વાત કરી લોકોને એવું થઈ ગયેલું છે કે, હવે ચિંતા કરવાની જરૂર નથી. લોકોની ભીડ બધે જામવા માંડી તેમાં આ વાતોના કારણે પેદા થયેલો વધારે પડતો આત્મવિશ્ર્વાસ પણ હતો. લોકોને એવું જ થઈ ગયેલું કે, હવે મહિનો-બે મહિના જ કાઢવાના છે. એ પછી તો રસી આવી જશે તેથી કોરોના કશું તોડી નહીં શકે. કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો તેના માટે આ માન્યતા પણ જવાબદાર છે જ. મોદી પહેલાંથી લોકોને કહેતા રહ્યા હોત કે, કોરોનાની રસીના ભરોસે ના બેસશો તો લોકો વધારે સતર્ક રહ્યા હોત પણ મોદીએ જશ ખાટવાની લ્હાયમાં રસી બહુ જલદી આવી જશે એવી વાતો કર્યા કરી તેમાં સોથ વળી ગયો. કોરોનાની રસીના ભરોસે બેસી રહેલાં લોકોએ બીજી પણ એક વાત સમજવાની જરૂર છે. આપણે ત્યાં કોરોનાની રસીના ટ્રાયલ સફળ થયા તેની વાતો બહુ ચાલે છે પણ તેની આડઅસરો વિશે કોઈ વાત કરતું નથી. ટ્રાયલમાં રસી સફળ થાય એ પછી પણ શરૂઆતના તબક્કામાં થોડાક લોકોને રસી અપાય ને તેની કોઈ આડઅસર તો નથી થતી ને એ ચકાસાતું હોય છે. રસી પર તાપમાનથી માંડીને ડોઝના પ્રમાણ સુધીની બાબતો આડઅસર કરતી હોય છે. આ આડઅસરના કારણે કોઈ પણ રસીના ડોઝ ધડાધડ ના આપી શકાય. નિષ્ણાતોને બધી વાતે પાકી ખાતરી થાય પછી જ મોટા પ્રમાણમાં રસી આપવાને લીલી ઝંડી આપે છે. કોરોનામાં પણ એ તબક્કો હશે જ કેમ કે એકસામટા પચીસ કરોડો લોકોને રસી આપવા માંડો ને કશુંક અવળું થઈ જાય તો પછી કોરોના કરતાં પણ વધારે ખતરનાક પરિણામો ભોગવવાં પડે. આ કારણ લોકોએ પણ કોરોનાની રસી લેવામાં બહુ ઉતાવળ કરવા જેવી નથી. કંપનીઓને રોકડી કરી લેવામાં રસ છે તેથી એ લોકો તો તેના વિશે વાત ના કરે પણ લોકોએ આ વિશે વિચારવાની જરૂર છે. મોદીએ કોરોનાની રસીના મુદ્દે વાસ્તવવાદી ચિત્ર રજૂ કર્યું તો એવી હાસ્યાસ્પદ વાત પણ કરી કે, કોરોનાની રસીના મુદ્દે કેટલાંક લોકો રાજકારણ રમી રહ્યાં છે ને લોકોને રાજકારણ રમતાં રોકવા અમારા હાથમાં નથી પણ અમે કોરોનાને રોકવા માટે પ્રયત્ન કરી શકીએ. મોદીની વાત અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળું જેવી છે. કોરોનાની રસીના મુદ્દે અત્યારે કોઈ શું બોલે છે એ પછીની વાત છે પણ એ મુદ્દે રાજકારણ રમવાની શરૂઆત ભાજપે જ કરેલી. ભાજપ અને જેડીયુએ બિહારની ચૂંટણીમાં કોરોનાની રસીને મુદ્દો બનાવેલો. કોરોનાના ડરનો રાજકીય લાભ લેવા માટે ભાજપે વચન આપેલું કે, દેશમાં કોરોનાની રસીનું થોકબંધ ઉત્પાદન શરૂ કરાશે ત્યારે બિહારમાં ભાજપ-જેડીયુની સરકાર હશે તો બિહારમાં તમામ લોકોને સરકાર સાવ મફતમાં કોરોનાની રસી આપશે. ભાજપ-જેડીયુ કોરોનાની રસીને ચૂંટણી ઢંઢેરાનો મુદ્દો બનાવે એ રાજકારણ રમવું ના કહેવાય? શરૂઆત ભાજપે કરી ને હવે મોદી બીજા પર આળ મૂકે એ શોભાસ્પદ નથી. મોદીએ વરસ પહેલાં લોકોને એક્શન ને રિએક્શનનો નિયમ સમજાવેલો. બીજા પક્ષો કે નેતા જે કંઈ કહે છે એ તો ભાજપે લીધેલા એક્શનનું રિએક્શન છે. ને મોદી પોતે પણ અત્યારે આ વાત માંડીને શું કરી રહ્યા છે ? એ પણ બીજાને નીચા બતાવીને રાજકીય લાભ લેવા મથામણ જ કરી રહ્યા છે ને ? બિહારની ચૂંટણી પતી ગઈ પછી ભાજપે ને મોદીએ પણ એ મુદ્દાને ઊંચો મૂકી દેવો જોઈએ.
|
|
|