વેક્સિન લીધી એટલે ગંગ ન્હાયા એમ માની લેવાની જરૂર નથી હો

છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેના કારણે પાછું લોકડાઉન આવશે કે શું એવો ફફડાટ લોકોમાં છે. આ ફફડાટ સાચો પડે એવા નિર્ણયો લેવાવાના શ્રીગણેશ મહારાષ્ટ્રના નાગપુરથી થયા છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે નાગપુર જિલ્લામાં પંદર માર્ચથી અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. આ પહેલાં નાસિક, પૂણે, અમરાવતી વગેરે ઠેકાણે કોરોનાને નાથવા માટે નિયંત્રણ લદાયેલાં પણ સંપૂર્ણ લોકડાઉન નહોતું લદાયું. થાણે જિલ્લામાં 15 માર્ચથી સ્કૂલો બંધ કરાઈ છે ને 13 માર્ચથી 31 માર્ચ સુધી કેટલાક હોટ સ્પોટ વિસ્તારોમાં લોકડાઉન લદાયું છે. નાસિકમાં શનિ-રવિવારે લોકડાઉન લાદવાની જાહેરાત મંગળવારે જ કરાયેલી. 15 માર્ચ પછી નાસિકમાં લગ્ન સહિતના તમામ સમારોહ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. સ્કૂલ-કોલેજો તો અત્યારથી બંધ કરી દેવાયાં છે. ઔરંગાબાદ જિલ્લામાં નાઈટ કરફ્યૂ લદાયો છે તો જલગાંવમાં ત્રણ દિવસનો કરફ્યૂ લદાયો છે. ટૂંકમાં મહારાષ્ટ્રમાં નિયંત્રણો છે પણ સંપૂર્ણ લોકડાઉન લદાયું હોય એવું નાગપુર પહેલું શહેર છે. બલકે પહેલો જિલ્લો છે.
નાગપુરમાં સંપૂર્ણ લોકડાઉન લદાયું તેનો અર્થ એ થયો કે, સ્થિતિ વણસી રહી છે ને કેસો સતત વધી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, નાગપુર તો શરૂઆત છે એવો સંકેત ખુદ ઉદ્ધવ ઠાકરેએ આપ્યો છે. ઠાકરેએ પોતે કહ્યું છે કે, જરૂર પડશે તો મહારષ્ટ્રના બીજા વિસ્તારોમાં પણ લોકડાઉન લાદવામાં આવશે. ઉદ્ધવની વાતના કારણે મુંબઈમાં પણ પાછું લોકડાઉન લાદી દેવાશે એવા ભણકારા વાગવા માંડ્યા છે કેમ કે મુંબઈમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે કેમ કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. આમ તો મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુ એ છ રાજ્યોમાં કોરોના નવેસરથી રાડ પડાવી રહ્યો છે. દેશમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે તેમાંથી 86 ટકા કેસ આ છ રાજ્યોમા જ નોંધાય છે પણ આ છ રાજ્યોમાં મહારાષ્ટ્રની હાલત સૌથી વધારે ખરાબ છે. દેશના કુલ નવા કોરોના કેસોમાંથી 60 ટકા કેસો માત્ર ને માત્ર મહારાષ્ટ્રમાં નોંધાય છે.
બીજાં રાજ્યો બેઈમાની કરીને કોરોનાના કેસ છૂપાવે છે કે નહીં એ રામ જાણે પણ બીજે ક્યાંય નથી નોંધાતા એટલા કેસ મહારાષ્ટ્રમાં નોંધાય છે એ હકીકત છે. આ છ રાજ્યો સિવાય દિલ્હી અને હરિયાણામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે પણ ત્યાં વચ્ચે સાવ ઓછા કેસ નોંધાતા હતા તેના કારણે ટકાવારીની રીતે કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે પણ આંકડાની રીતે કોરોનાના એટલા બધા નવા કેસ નથી નોંધાતા. કેરળ અને પંજાબ એ બે રાજ્યો એવાં છે કે જ્યાં દરરોજ એક હજાર કરતાં વધારે નવા કેસ નોંધાય છે. એ સિવાયનાં રાજ્યોમાં તો કોરોનાના નવા કેસોનો આંકડો હજુ એક હજારની અંદર છે તેથી એ રાજ્યો બહુ નજરે નથી ચડતાં. મહારાષ્ટ્રમાં રોજેરોજ પંદરેક હજાર નવા કેસ નોંધાય છે તેથી મહારાષ્ટ્ર સૌથી વધારે ચર્ચામાં છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ કેમ ધડાધડ વધી રહ્યા છે એ સમજવું અઘરું નથી. મહારાષ્ટ્રમાં ગીચ વસતી ધરાવતાં શહેરોની સંખ્યા દેશમાં સૌથી વધારે છે. નાના નાના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં લોકો રહેતાં હોય છે. આ રીતે ગીચ વસતી હોય તેથી સોશિયલ ડિસ્ટન્સિંગ ના જળવાય. લોકો એકબીજાના સંપર્કમાં સરળતાથી આવે ને તેના કારણે ચેપ લાગવાનો ખતરો વધી જ જાય. મુંબઈ તો ગીચતામાં આખી દુનિયામાં સૌનો બાપ છે ને રજાના દિવસોમાં પણ હકડેઠઠ ભીડ હોય છે. મુંબઈમાં ટ્રાન્સપોર્ટેશન માટેનું મુખ્ય માધ્યમ લોકલ ટ્રેન છે ને ટ્રેનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું શક્ય જ નથી તેથી કોઈ એક વ્યક્તિને કોરોનાનો ચેપ લાગેલો હોય તો એ પચાસ-સો માણસોને રમતા રમતાં કોરોનાના ખપ્પરમાં હોમતો જાય.
મુંબઈમાં માત્ર મુંબઈમાં રહેનારાં લોકો નથી આવતાં પણ ઠેકઠેકાણેથી લોકો આવે છે. નોકરી-ધંધા, વેપાર, રોજગાર વગેરે માટે બહારથી રોજ મુંબઈમાં લાખો લોકો આવે છે ને મુંબઈમાં કામ પતાવીને આ લોકો પાછાં પોતપોતાના વતન જતાં રહે છે. મુંબઈમાં અથડાતાં કૂટાતાં આખો દિવસ ફર્યા પછી એ લોકો પાછાં જાય ત્યારે તેમાંથી થોડાંક લોકોને પણ કોરોનાનો ચેપ લાગી ગયો હોય તો એ ચેપ બીજા વિસ્તારોમાં ફેલાય જ. મુંબઈ સિવાય પૂણે, નાગપુર વગેરે શહેરોમાં પણ આ જ હાલત છે તેથી દેશનાં બીજાં રાજ્યો કરતાં મહારાષ્ટ્રમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. આ સ્થિતિને બદલવાનો ખરેખર કોઈ ઉપાય જ નથી. તમે લોકોને કઈ રીતે રોજગારીથી દૂર રાખી શકો? લોકોને કઈ રીતે ઘરોમાં પૂરાયેલાં રાખી શકો? કોઈના ઘરમાં એટલું ભરેલું ન હોય કે વરસ આખું બેઠાં બેઠાં ખાઈ શકે. ઘેર બેઠાં ખાવામાં કુબેરનો ભંડાર ખૂટી જાય ત્યારે આ તો બીચારા સામાન્ય લોકો છે. તેમણે બહાર નિકળવું જ પડે ને અસ્તિત્વ ટકાવવા માટે પણ કામ કરવું જ પડે.
તેના સિવાય આરો જ નથી એ જોતાં મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેમાં આશ્ચર્ય પમાવા જેવું કશું નથી. તેના માટે કમ સે કમ લોકોનો દોષ કાઢી શકાય એમ નથી. જો કે મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેના માટે રાજકારણીઓ જવાબદાર છે. મહારાષ્ટ્રમાં કોરોના કાબૂમાં નહોતો આવ્યો છતાં ગ્રામ પંચાયતો ને સ્થાનિક સ્વરાજની બીજી સંસ્થાઓની ચૂંટણી કરાવાઈ તેમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વકર્યો છે. મહારાષ્ટ્રમાં ઉત્તરાયણના બીજા જ દિવસે લગભગ 13 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ હતી ને એ પહેલાં મહિના લગી તેનો ધામધૂમથી પ્રચાર ચાલેલો. ગામડાંમાં ચૂંટણી હોય એટલે મેળા જેવો જ માહોલ હોય પછી કોરોના ના ફેલાય તો જ નવાઈ લાગે. આ ચૂંટણી મોકૂફ રખાઈ હોત તો તેમાં કશું ખાટું મોળું થવાનું નહોતું પણ રાજકારણીઓએ પોતાના સ્વાર્થ માટે લોકોને કોરોના ભણી ધકેલી દીધાં.
દેશનાં બીજાં રાજ્યોમાં જ્યાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યાં પણ રાજકારણીઓ જ જવાબદાર છે. ગુજરાતમાં પક્ષોના ખેલ-તમાશા ને ચૂંટણીઓના કારણે સ્થિતિ બગડી છે. બાકી હતું તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ શરૂ કરાઈ ને ટોળેટોળાં ભેગાં કરાઈ રહ્યાં છે. આ બધા કાર્યક્રમોમાં ટોળાં ભેગાં થાય તેથી કોરોના વધવાનો જ. કેરળ ને તમિલનાડુમાં તો છેલ્લા ત્રણ મહિનાથી ચૂંટણીની ધમાધમી ચાલે છે ને તેની બધી મોંકાણ છે. હરિયાણા-પંજાબમાં ચૂંટણીની સાથે ખેડૂત આંદોલન પણ જવાબદાર છે. આ આંદોલન રાજકારણીઓની જ દેન છે એ જોતાં રાજકારણીઓ વધારે જવાબદાર છે તેમાં શંકા નથી. આ સ્થિતિ બદલી શકાય તેમ નથી એ જોતાં લોકોએ બદલાવું પડે. રાજકારણીઓ સુધરવાના નથી તેથી લોકોએ સુધરવું પડે. રાજકારણીઓ તો પોતાના સ્વાર્થ માટે લોકોને શૂળીએ ચડાવી દેતાં વિચાર ન કરે તો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને લોકોને કોરોના ભણી ધકેલવામાં તો તેમને છોછ નડવાનો જ નથી.
એ લોકો તમાશા કરવાનું નહીં છોડે ને તેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડવાના જ. તેના કારણે ચેપનો ખતરો વધશે ને સરવાળે લોકો જ કોરોનાનો ભોગ બનશે. આ બહુ સાદી વાત છે ને લોકોએ આ વાત સમજવી જોઈએ. રાજકારણીઓના રવાડે ચડીને સામેથી કોરોનાના ખપ્પરમાં જવાના બદલે લોકોએ પેતાની સલામતી વિશે વિચારવું જોઈએ, પોતાના પરિવારની સુરક્ષાનો વિચાર કરવો જોઈએ. જીવીશું તો ઘણી ચૂંટણીઓ જોઈશું ને આ બધા તમાશા પણ જોઈશું એ સત્ય સમજીને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે એ જરૂરી છે. સરકારે ખરેખર તો આ રસી લેવી જ ન પડે એવી સ્થિતિ સર્જવી જોઈએ પણ એ વિશે સરકાર કશું બોલતી નથી. તમામ રાજકીય પક્ષો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવાય છે ને તેને રોકવા સરકાર કશું કરતી નથી. આ વાત લોકો સમજે. લોકો સમજે કે, આપણે પોતે જ પોતાની રક્ષા કરવી પડશે, રસી કે સરકાર નહીં કરે.