વેપારીઓ આડેધડ ભાવ વધારો લેતા દેશભરના ગ્રાહકોમાં ઊહાપોહ ચાલુ

ગ્રાહકોને ધોળા દિવસે લૂંટવામાં આવે છે. પડતર કિંમત કરતાં અનેક ગણા ભાવે ચીજ વસ્તુઓ વહેંચવામાં આવે છે. સરકારે ગ્રાહક સુરક્ષા માટે અનેક કાયદાઓ બનાવ્યા છે, પરંતુ તો પણ ભાવની બાબતમાં તો લૂંટ જ ચાલે છે. નાના હોય કે મોટા, દરેક વ્યાપારી તગડો નફો કરે છે. બ્રાંડેડ વસ્તુમાં નફાનો ગાળો નાના વેપારીના ભાગે નથી આવતો. વર્તમાન સમયની વાત કરીએ તો કોરોનાના ભય પછી તાવ માપવાની ગન લેવા કતારો લાગે છે. આ ગનની મૂળ કિમત 250 થી 500 સુધીની છે, જે ગ્રાહકને 1000 થી લઈ 2500 સુધીમાં વેચવામાં આવે છે. હેન્ડ સેનીટાઈઝરની પડતર ૫૦ની હોય તેના સીધા 160 થી 200 જેવા ઊંચા ભાવ લેવામાં આવે છે. આ ઉંચી કિંમત પણ છાપેલી હોય છે,  ગ્રાહક તો  છાપેલા ભાવ ચૂકવી ખુશ થાય છે! પરંતુ મોટા ભાગની ચીજો ઉપર 100 થી 200 ટકા નફો ચડાવવામાં આવે છે.

દેશમાં હવે છાપેલા ભાવ પણ સાવ અવાસ્તવિક રહ્યા છે. 4 કે 5 હજારની પડતર કિંમતનો મોબાઇલ ફોન ગ્રાહકને 14 કે 15 હજારમાં મળે છે. મોબાઇલ બજારમાં વાસ્તવિક ભાવ કે નફા જેવું રહ્યું નથી. પૈસાદાર વર્ગ તો બ્રાન્ડ અને સ્ટેટસ સિમ્બોલના નામે અતિ ઊંચા ભાવ ચૂકવી રહ્યા છે. બીજી તરફ વેપારીને ગરજ હોય અથવા ગ્રાહક પરિચિત હોય તો છાપેલી કિંમત કરતાં નીચા ભાવે પણ ચીજ આપવામાં આવે છે. આમ કેમ? કેટલાક વેપારીઓ પોતાના ભાવના છાપેલા સ્ટીકર માલ ઉપર લગાવી દે છે. રેડિમેડ કપડામાં પણ નફાનો ગાળો અવાસ્તવિક હોય છે. આપણી માનસિકતા જ હવે મોટા નફાની થઈ ગઈ છે. ખાદ્ય ચીજો પણ મૂળ ભાવ કરતાં અનેક ગણા ભાવે ગ્રાહક ખરીદે છે. શાકભાજીના બજારમાં  પણ પાંચના ૨૫ કરવામાં આવે છે! સરેરાશ હિસાબ કરવામાં આવે તો ગ્રાહક મૂળ સોના ભાવની ચીજો દોઢસો થી બસોમાં ખરીદ કરે છે,આમ મોંઘવારી ન હોવા છતાં બજારમાં 50 થી 100 રૂપિયા વધુ ચૂકવવા પડે છે. જો વ્યાજબી નફાની માનસિકતા કેળવવામાં આવે તો દેશમાં સામાન્ય વર્ગનું જીવન આસાન થઈ જાય!

જે લોકોને તબીબી સારવારની જરૂર પડી હશે, તે હોસ્પિટલ અને દવાના બિલો જોઈ ચોંકી ગયા હશે! તબીબી સારવાર હવે લાખોમાં પહોંચી છે. એલોપથી દવા કરતાં જેનરિક દવા 50 થી 60 ટકા સસ્તી મળે! જાણકારોના મત અનુસાર દવાના ધંધામાં 100 ટકા કરતાં વધુ નફો છે! માણસને હવે તબીબી સારવાર અને દવાના બિલો ઉપર વિશ્વાસ રહ્યો નથી. એકજ પ્રકારનું ઓપરેશન રાજકોટમાં કરાવો તો 10 હજાર, અમદાવાદમા કરાવો તો 20 હજાર અને મુંબઈમાં 50 હજાર! શું આ વ્યાજબી છે?

ગ્રાહક સુરક્ષા માટે સરકારે સરસ નિયમો બનાવ્યા છે, નિયમોના ભંગ થાય તો ગ્રાહક સુરક્ષા અદાલત પણ છે. પરંતુ તમામ ગ્રાહકો છાપેલા ભાવ પ્રેમથી ચૂકવે છે. આ છાપેલા ભાવ વ્યાજબી છે ખરા? બજારમાં છાપેલા ભાવથી પણ નીચા ભાવે શા માટે ચીજો મળે છે! ૧૩૦ કરોડની વસ્તીમાં બધું નિયંત્રિત કરવું સરકાર માટે શક્ય નથી. પ્રામાણિકતાનું પ્રમાણ વધે તો મોંઘવારી આપોઆપ દૂર થાય તેમ છે. ગ્રાહક ભગવાન છે નું બોર્ડ લગાવનારા પણ ભાવ તો નિર્દયતાથી જ લેતા હોય છે. બજાર એ આટાપાટા વાળો ખેલ છે. મોનોપોલી વળી ચીજોમાં નાના વેપારી બહુ કમાતા નથી હોતા. દરેક ઉત્પાદક કંપની યેનકેન પ્રકારે મોનોપોલી ઉભી કરવાનો પ્રયાસ કરે છે. આ ચિંતાંને અંતે  એટલું જરૂર કહી શકાય કે ગ્રાહક રાજા નથી!

ભાવ વધારાના ઊહાપોહ વચ્ચે હમણાં જીએસટી કાઉન્સિલની બેઠક મળી. જીએસટી કાઉન્સિલની ગયા ડિસેમ્બર માસમાં મળેલી માટિંગમાં લોટરી ઉપર ટેક્સના મુદ્દે બહુમતીએ નિર્ણય લેવાયો અને અત્યાર સુધી સર્વસંમતિએ નિર્ણયો લેવાની જે પરંપરા તૂટી તે પછી ગુરુવારની 41મી માટિંગમાં રાજ્યોને બાકી વળતરના મુદ્દે તણખા ઝર્યા. કાઉન્સિલના અધ્યક્ષ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બાકી વળતર ચુકવવાની કેન્દ્ર સરકારની કોઈ બંધારણીય જવાબદારી નહીં હોવાનું વલણ લીધું. વિરોધ પક્ષની સરકારો ધરાવતા રાજ્યોએ આ વાસ્તવિકતાને સ્વિકારતા દલીલ કરી કે કેન્દ્રની આ કાનૂની નહીં પણ નૈતિક ફરજ તો અવશ્ય ગણાય. નાણાં પ્રધાને બંધારણીય જવાબદારી નહીં હોવાનું શરણ લીધું.

નાણાં પ્રધાને રાજ્યોને બે વિકલ્પ આપ્યા અને તેનો એક જ સપ્તાહમાં જવાબ પણ માંગ્યો છે. પહેલો વિકલ્પ છે, કે કેન્દ્ર સરકાર રાજ્યોને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) પાસેથી રૂ. 97,000 કરોડ જેટલી લોન ”વાજબી” વ્યાજદરે અપાવે અથવા રાજ્યો બજારમાંથી બે લાખ 35 હજાર કરોડ રૂપિયા જેવી લોન મેળવે જેમાં આરબીઆઇ મધ્યસ્થી રહે.  કેન્દ્ર સરકારની ગણતરી એવી છે કે તેણે  રાજ્યોને આ વર્ષના અંદાજે જે ત્રણ લાખ કરોડ રૂપિયા ચૂકવવાના થશે તેમાંથી રૂ. 65,000 કરોડ રાજ્યોને વળતર પેટે મળે. તે પછી બાકી નાણાં તે બજારમાંથી મેળવે. બીજા શબ્દોમાં, રાજ્યોએ તેમના હક્કના નાણાંનો હમણાં ક્યાંકથી વ્યાજે લેવાનો મેળ કરવો પડશે અને કેન્દ્ર સરકાર જયારે કમાશે ત્યારે તે ચુકવશે. ગુજરાત, મહારાષ્ટ્ર જેવા આઠ સિવાયના તમામ રાજ્યોની આર્થિક સ્થિતિ પહેલાંય કંગાળ હતી અને હવે કોવીડના કારણે વધુ બગડી છે. તેમને આરબીઆઇને કારણે લોન તો મળી રહે પણ બજાર વ્યાજ દર બાબત આરબીઆઇના જેવી શરમ રાખે નહી અને તે વધુ વ્યાજ માંગે.

સરકારે આ વિશેનો નિણર્ય લેવા માટે સાત જ દિવસનો સમય આપ્યો છે, જે ખરેખર ઓછો કહેવાય. સરકારે આપેલા આ બન્ને વિકલ્પોની સ્થિતિ રાજ્યો માટે આકરી હશે. તેમની બજેટ ખાધ વધશે એટલે તેમણે વેરા વધારવા પડશે અથવા ખાધ પુરવા માટે કેન્દ્ર પાસે હાથ લાંબો કરવો પડશે. વધુ આકરું તો તેમને એ લાગશે કે કેન્દ્ર પાસેથી હવે પછીના લેણાં બાબત પણ અનિશ્ચિતતા છે. કોવીડના પગલે આવેલા લોકડાઉન અને તૂટેલા વેપાર-ધંધાને કારણે કેન્દ્રની અને રાજ્યોની બન્નેની આવકમાં આ વર્ષના અંતે જે ફટકો પડશે તેની અસર આવતા વર્ષે અથવા ક્યાં સુધી રહેશે તે કોઈ કહી શકે એમ નથી.

બીજો મહત્વનો મુદ્દો એ છે કે, રાજ્યો બજારમાં તેમને જોઈતી રૂ.2 લાખ 35 હજાર કરોડની જંગી લોન લેવા માટે જયારે બજારમાં ધસારો કરશે ત્યારે તેની બોન્ડના વળતર ઉપર મોટી અસર પડશે, જે અર્થતંત્ર માટે ઘાતક પુરવાર થશે. અત્યારે પણ દસ વર્ષના બોન્ડનું વળતર 6 ટકાની ઉપર ગયું છે. આ રાજ્યો બજારમાં લોન લેવા આવે તો તેની કુલ અસર રૂપે વળતરના દર 75થી 100 બેસીસ પોઇન્ટ વધશે. આના કારણે ફુગાવાનું વિષચક્ર ફરી શરૂ થશે. સરકારે આડકતરી રીતે રાજ્યોને કહ્યું છે કે આરબીઆઇ પાસેથી વધુમાં વધુ રૂ. 97,000 કરોડ જ મળી શકશે. એટલે, રાજ્યોએ બીજો વિકલ્પ મજબૂરીથી સ્વીકારવો પડશે. બે વિકલ્પનું સંયોજન કરવા કહ્યું હોત તો પણ રાજ્યોને કંઈક રાહત થઇ હોત.

નાણાં પ્રધાને કોવીડની મહામારીને કારણે સરકારની જે આવક ઘટી તેને ”એક્ટ ઓફ ગોડ” (ભગવાનનો પ્રકોપ) કહ્યો છે. તેમની આ વાત સાચી પણ દલીલ નબળી છે. સરકારે જે જીએસટી ખરડો બનાવ્યો અને તે કાઉન્સિલની તથા સંસદની સંમતિથી કાનૂન બન્યો તેમાં ”એક્ટ ઓફ ગોડ” અને યુદ્ધ, આંતરિક અશાંતિ જેવી અસામાન્ય પરિસ્થતિમાં કરની આવક અને રાજ્યોને વળતર બાબત સ્પષ્ટતા કરતી જોગવાઈ ઉમેરવી જોઈતી હતી. જીએસટી એક્ટમાં આ જોગવાઈના અભાવે અત્યારે રાજ્યોમાં હતાશા અને કડવાશ વ્યાપ્યા છે.

કેન્દ્ર સરકાર પાસે અન્ય વિકલ્પ હતા પણ તે તેણે વાપર્યા નહીં. તે ધારત તો કોમ્પેનસેશન સેસ હેઠળ વધુ આઇટમોને લાવી શકી હોત અથવા જીએસટીના દર વધારી શકી હોત અથવા જીએસટીમાંથી મુક્તિની યાદીમાંથી કેટલીક આઇટમોને બહાર કાઢીને તેને ટેક્સના દાયરામાં લાવી શકી હોત. અલબત્ત, આ પગલાં વર્તમાન કપરી સ્થિતિમાં વેપાર-ઉદ્યોગના હિતમાં નથી, પણ રાજ્યોમાં વિશ્વાસ પ્રેરવા માટે કોઈક પગલું જરૂરી હતું.  છત્તીસગઢના નાણાં પ્રધાને કેન્દ્ર સરકાર ઉપર કાંડુ આમળવાનો આક્ષેપ મુક્યો છે. વિરોધ પક્ષની સરકાર ધરાવતા રાજ્યો તેમનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને ભાજપની સરકારવાળાં રાજ્યો તે કરી શકતા નથી એટલો જ ફરક છે.

આવી પરિસ્થતિ ઇચ્છનીય નથી. તેમાં ભાવિ સંઘર્ષના બીજ રોપાયેલા છે. રાજ્યોમાં શાસક પક્ષની બહુમતી છે એટલે વિરોધ પક્ષો વધુ કઈ કરી નહીં શકે પણ કાઉન્સિલની મીટીંગોમાં જોવાયેલી કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની સવાદિતાનો અંત આવશે.  ગઈ ડિસેમ્બરની કાઉન્સિલની માટિંગમાં લોટરી ઉપર ટેક્સ બાબતે બહુમતીએ નિર્ણય લેવાયો હતો. તેથી અત્યાર સુધી જળવાયેલી  કેન્દ્ર સરકાર અને રાજ્યો દ્વારા સર્વસંમતિથી તમામ નિર્ણયો લેવાની પરંપરા તૂટી હતી. તે પહેલા સહકારી સમવાયવાદની ઉચ્ચ ભાવના જળવાઈ રહી હતી. તે વધુ તૂટે પહેલા સરકારે  સંવાદ અને વિશ્વાસનું વાતાવરણ સર્જવું જોઈએ.