વેબ સિરિઝ આશ્રમ વિવાદોમાં: કરણી સેનાએ પ્રકાશ ઝાને નોટિસ મોકલી

બોબી દેઓલના લીડ પરફોર્મન્સવાળી વેબ સિરીઝ ’આશ્રમ’ને લઈને કરણી સેનાએ લીગલ બેટલ શરૂ કરી દીધી છે. કરણી સેનાએ સિરીઝના ડિરેક્ટર અને પ્રોડ્યુસર પ્રકાશ ઝાના નામે નોટિસ મોકલી છે જેમાં હિન્દુ ધર્મની આશ્રમ વ્યવસ્થાને ખોટી રીતે પ્રદર્શિત કરવા માટે વેબ સિરીઝનું ટ્રેલર અને આખી સિરીઝ રોકવાની માગ કરવામાં આવી છે. ’આશ્રમ ચેપ્ટર ૨: ધ ડાર્ક સાઈડ’ દિવાળી પહેલાં ૧૧ નવેમ્બરે રિલીઝ થશે. સિરીઝ રિલીઝ થવામાં ૭ દિવસ બાકી છે અને કરણી સેના તેને અટકાવવા માટે આખા દેશમાં પ્રદર્શન કરવાની તૈયારીમાં છે.
આ નોટિસ કરણી સેનાના મહારાષ્ટ્રના પ્રદેશ સંગઠન મંત્રી સુરજીત સિંહ તરફથી મોકલવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ’આશ્રમ ચેપ્ટર ૨: ધ ડાર્ક સાઈડ’ના ટ્રેલરે મોટા પ્રમાણમાં હિન્દુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. સાથે જ હિન્દુ ધર્મની નેગેટિવ ઇમેજ આવનારી પેઢી સામે રાખવામાં આવી રહી છે. ટ્રેલરમાં જે રોલ છે તે કોઈ વ્યક્તિ વિશેષને ટાર્ગેટ નથી કરી રહૃાા પણ જૂની પરંપરાઓ, રિવાજ, હિન્દુ સંસ્કૃતિ, આશ્રમ ધર્મને અયોગ્ય રીતે દેખાડવામાં આવ્યું છે જેથી લોકો ભ્રમિત થઇ રહૃાા છે.