વેરા વધારો ભાજપના શાસનમાં કરાયો છે : શ્રી સંદિપ ધાનાણી

  • અમરેલી નગરપાલિકામાં ચુંટણી પહેલા જ ગરમાવો : જનતા ઉપર ઝીંકાયેલા વેરા વધારામાં વિરોધપક્ષના નેતાની સ્પષ્ટતા
  • અમે 2015 થી 2018 સુધીના શાસનમાં શહેરને અનેક સુવિધાઓ આપી છે 2018 થી ભાજપે કોંગ્રેસની નગરપાલિકા તોડી અનેક કૌભાંડો આચર્યા છે
  • 2015માં ચુંટાયેલા અમારા સભ્યોને ભાજપે ખરીદી લીધા હતા પણ આ વખતે એ ભુલ નહી કરીએ અમે સીધા લોકોમાંથી ઉમેદવારો શોધશું : શ્રી સંદિપ ધાનાણી

અમરેલી,
અમરેલી નગરપાલિકાનો જંગ નજીક આવી રહયો છે અને તેવા સમયે જ અમરેલી પાલિકા દ્વારા શહેરના નાગરીકો ઉપર ઝીંકાયેલા ધગધગતા વેરાઓની વિગતો અવધ ટાઇમ્સ દ્વારા પ્રસિધ્ધ થયા બાદ વેરા વધારાની અનેક વિગતો સામે આવી રહી છે નગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રી સંદિપ ધાનાણીએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ કે બમણો પાણી વેરો, ચાર ગણો સફાઇ વેરો, બમણો લાઇટ વેરો, 2018 પછી ભાજપના શાસન કાળમાં થયો છે અને તેનો વિરોધ કરતા અમારે પોલીસ ફરિયાદનો સામનો પણ કરવો પડયો છે.
શ્રી સંદિપ ધાનાણીએ જણાવેલ કે 2015 થી 2018 સુધી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતુ અને અમારા આ શાસન દરમિયાન સીનીયર સીટીઝન પાર્ક, નાગનાથ પીકઅપ બસ સ્ટેન્ડ, લાઠી રોડ અને ચિતલ રોડનું બ્યુટીફીકેશન અમરેલી શહેરમાં એલઇડી, કડીયાનાકા એ વિશ્ર્વકર્મા ભવન, પોસ્ટ ઓફીસ પાછળનો રસ્તો, 11 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજલાઇન, શિવાજી ચોકથી કુંકાવાવ રોડથી બાયપાસ, ગોળીબારના ટેકરાથી તારવાડી બાયાપાસ રોડ અને ખાસ તો અમે સતા સંભાળી તે પહેલા 15 દિવસે પાણી મળતુ હતુ તે 3 દિવસે કર્યુ તેવા અનેક વિકાસ કાર્યો કર્યા છે.
શ્રી ધાનાણીએ હમણા જે બોર્ડ પુરૂ થયુ તેમની ઉપર આક્ષેપો કરતા જણાવેલ કે 24-6-2018 થી નગરપાલિકામાં ભાજપે કબ્જો સંભાળ્યો હતો અને ત્યાર પછી કચરાનું કૌભાંડ, ગ્રીટ કૌભાંડ, ટ્રેકટર ટ્રોલી કૌભાંડ, ખાનગી જગ્યામાં રસ્તાઓ બનાવવાના કૌભાંડ, સવા બે કરોડના ખર્ચે બનેલ મુખ્ય માર્ગના ડામર રોડ તુટી ગયા તેનું નબળુ કામ અને દર મહિને લીકેજીંગ પાછળ રીપેરીંગના બે લાખ જેવા ખુટે નહી તેટલા કૌભાંડો ભાજપના શાસનમાં થયા છે એનો એક જ દાખલો જોઇએ તો 2017 માં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની લાઇન સોમનાથ મંદિરથી કામનાથ, 2017 માં નખાઇ અને 2019 માં તેમાં પાછો ખર્ચો કરવામાં આવ્યો નગરપાલિકામાં 176 જેટલા કામદારોને બેરોજગાર કરવામાં આવ્યા સફાઇ,સ્ટ્રીટલાઇટ પાણીના કરમાં 100 થી 400 ગણો વધારો કર્યો માત્ર સંગઠન મોટુ કરવાથી પ્રજાનું હિત ન થતુ નથી શ્રી ધાનાણીએ વધ્ાુ એક આક્ષેપ કરતા જણાવેલ કે શહેરના ગાંધીબાગનો કબ્જો જો ખાનગી સેવાકીય સંસ્થાને આપવાનો હતો તો તેમાં 7 કરોડ રૂપીયા શા માટે ખર્ચવામાં આવ્યા ચિતલ રોડનો ફુવારો 12 લાખના ખર્ચે બનેલ તે બંધ શા માટે છે ? લાઇબ્રેરી અને બસ સ્ટેન્ડના શૌચાલયમાં ખર્ચ પાલિકા અને નવજીવન આપતુ હતુ છતા લોકો પાસેથી પૈસા ઉઘરાવાતા હતા નિર્મળ ગુજરાત યોજનામાં 2013 થી 2016 સુધીમાં સાડા ત્રણ હજાર શૌૈચાલયો અમરેલી શહેરમાં બન્યા હતા તેમાં પણ જબરદસ્ત કૌભાંડ થયુ હતુ અને અમે સતા ઉપર આવ્યા ત્યારથી આ લાલીયાવાડી બંધ કરાવી હતી.
હાલની તકે પણ નગરપાલિકામાં કોઇને આવકનો દાખલો કઢાવવો હોય તો 12 રૂપીયા ચુકવવા પડે છે અને ત્રણ દિવસે દાખલા મળે છે અને તેમાં પણ પહેલા વેરા ભરાવવાનું ફરજીયાત કરેલ છે 2015ની ચુંટણીમાં અમરેલીની જનતાએ 2010 થી 15 ના ભાજપના વહીવટને જોઇએ તેમને માત્ર 6 બેઠક જ આપી હતી અને અમને 6 ને બદલે 35 બેઠકો આપી હતી પણ અમારા 15 સભ્યને ભાજપે યેનકેન પ્રકારે ખરીદી લીધા હતા ખરીદાય જાય તેવા ઉમેદવારોને અમે આ વખતે ટીકીટ નહી આપીએ લોકોની વચ્ચે જશુ લોકો કહે તે પ્રતિનિધીને ટીકીટ આપશુ અને અમરેલીની જનતા 44 એ 44 બેઠકો કોંગ્રેસને આપશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના વાઇસ ચેરમેન શ્રી સંદિપ પંડયાએ જણાવેલ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં ગુજરાતમાં સૌ પ્રથમ અબ્દુલ કલામ લેબ બનાવી છે જેનું હમણા જ લોકાર્પણ કરાયુ છે અને પાલિકા હસ્તકની શાળાઓમાં સારા શિક્ષણને કારણે 1900 ને બદલે 2500 બાળકો અભ્યાસ કરી રહયા છે.
અવધ ટાઇમ્સની મુલાકાત દરમિયાન શ્રી સંદિપ ધાનાણી સાથે શ્રી ચંદુભાઇ બારૈયા, પાલિકા સદસ્ય શ્રી પતાંજલ કાબરીયા, શ્રી હિરેન ટીમાણીયા અને શ્રી સંદિપ પંડયા જોડાયા હતા.