વૈદિક હોળી માટે સુરતમાં તડામાર તૈયારીઓ શરૂ

હિન્દૃુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા હોળી પર્વને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી છે. હોળિકા દહનની અનેક તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પ્રદૂષણમુક્ત ગણાતી વૈદિક હોળી માટે સુરત પાંજરાપોળ દ્વારા પહેલ શરૂ કરાઈ છે. સુરતમાં તરછોડાયેલી ૬૦૦૦ થી વધુ ગાયોના છાણમાંથી ગૌ-કાષ્ટ બનાવાઈ રહૃાું છે. વૃક્ષોનું નિકંદન ન થાય અને ગૌ માતા પ્રત્યે લોકોની લાગણી જળવાઈ રહે તે માટે આ પહેલ કરવામાં આવી છે. સાથે જ આ પ્રકારની હોળી સ્વાસ્થ્યવર્ધી પણ છે.

વૈદિક હોળીનો કોન્સેપ્ટ છેલ્લા ઘણા વર્ષમાં વધ્યો છે. લોકો આ અંગે જાગૃત થયા છે. લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવી લાકડાને બદલે ગૌ-કાષ્ટનો ઉપયોગ કરતા થયા છે. ત્યારે સુરત પાંજરાપોળ દ્વારા પણ ગાયના છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીન થી છાણ અને વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી ગૌ-કાષ્ટ(સ્ટીક) બનાવાઈ રહી છે. મહત્વની વાત એ છે કે ૬૦૦૦ જેટલી તરછોડાયેલી ગાયોના છાણમાંથી આ ગૌ-કાષ્ટ બનાવાઈ રહી છે.

વૈદિક હોળીનું એક મહત્વ છે કે, તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે. વાતાવરણમાં આરોગ્યને માટે નુકશાનકારક વાયુ હોય છે, જેનો નાશ છાણાની હોળીની જ્વાળાથી થાય છે. તો બીજી તરફ ગૌ માતા પ્રત્યે ભાવના જાગે છે અને ગૌ-કાષ્ટના ઉપયોગથી ગૌમાતાની સેવા પણ થાય છે. જેથી લોકો લાકડાને બદલે ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરી શકે અને હજારો વૃક્ષોને કપાતા બચાવી શકાય એ હેતુથી તેનો ઉપયોગ કરાય છે.