વ્યાજદર ઘટાડાની ઉતાવળી ભૂલ માટે નિર્મલા રાજીનામું આપશે કે ?

સરકાર લોકોનાં ગજવાં ખાલી થઈ જાય ને આર્થિક તકલીફો વધે એવા એક પછી એક આંચકા આપ્યા જ કરે છે. બુધવારે રાત્રે આવો જ એક આંચકો આપીને સરકારે તમામ પ્રકારની નાની બચતો પરના વ્યાજ દરોમાં 1.10 ટકા સુધી ઘટાડો કરી નાખેલો. સામાન્ય માણસ કરકસર કરીને પેટ કાપી કાપીને જે રકમ બચાવે તેનું સરકારની યોજનાઓમાં રોકાણ કરતો હોય છે. પબ્લિક પ્રોવિડંટ ફંડ (પીપીએફ), પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, સિનિયર સિટિઝન્સ સેવિંગ સ્કીમ, સુક્ન્યા સમૃધ્ધિ યોજના વગેરે નાની બચત યોજનાઓ ગણાય છે કેમ કે તેમાં માણસ વરસે 250 રૂપિયા જેવી નાની રકમ પણ નાખીને ખાતું ચાલુ રાખી શકે છે.
સરકારે મોટો ઘસરકો મારીને આ બધી બચત પર મળતાં વ્યાજમાં તોતિંગ ઘટાડો કરી નાખેલો. આ યોજનાઓ પર બહુ બહુ તો સાત-આઠ ટકા વ્યાજ મળતું હતું તેમાં સીધો 1.10 ટકાનો ઘટાડો કરો એ તોતિંગ જ કહેવાય. ટકાની રીતે ગણોતો આ ઘટાડો 10થી 15 ટકાની વચ્ચે થાય. અત્યારે રોકાણ પર વરસે દસ ટકા વળતર મળે તો પણ બહુ સારું કહેવાય છે ત્યારે સાગમટે સીધો પંદરેક ટકાનો ઘટાડો કરો એ મોટી વાત જ કહેવાય. મોદી સરકારનો આ નિર્ણય કરોડો લોકોને અસર કરનારો હતો કેમ કે આપણે ત્યાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે નાની બચતમા રોકાણ કરે જ છે. કંઈ નહીં તો સેવિંગ્સ બેંક એકાઉન્ટ તો હોય જ ને એ પણ નાની બચતમાં આવે એ જોતાં મોદી સરકારે દેશના બહુમતી લોકોને ફટકો મારીને સ્તબ્ધ કરી નાખેલા.
સરકારના નિર્ણયની જાણ મોટા ભાગનાં લોકોને ગુરૂવારે સવારનું છાપું વાંચ્યા પછી થયેલી કેમ કે સરકારે બુધવારે મોડી રાતે તેની જાહેરાત કરેલી. ખુદ નરેન્દ્ર મોદીની પોલિસી વિરુદ્ધનો આ નિર્ણય હતો. કારણ કે વડાપ્રધાન કદી આ પ્રકારના નિર્ણય ન લે કે જેમાં સામાન્ય નાગરિકને તકલીફ પડે. આ જાહેરાતને લોકો પચાવે એ પહેલાં તો ગુરૂવારે સમાચાર આવ્યા કે સરકારે આ વ્યાજ ઘટાડાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. માત્ર 12 કલાકના ગાળામાં મોદી સરકારે પીછેહઠ કરી દીધી. અત્યારે બંગાળ સહિતનાં રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે તેથી રાજકીય કારણોસર સરકારે આ ફેરફારી લગાવી છે એ કહેવાની જરૂર નથી.
મોદી સરકારે 12 કલાક કરતાં ઓછા સમયમાં નિર્ણય બદલીને ફેરફારી કરવી પડી એ શરમજનક કહેવાય પણ વધારે શરમજનક વાત આપણાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય પાછો લેતી વખતે કરેલી ચોખવટ છે. ગુરૂવારે નાની બચતના વ્યાજ દરમાં કરાયેલા ઘટાડાના કારણે લોકો આઘાતમાં હતાં ત્યાં નિર્મલા મેડમે સવારના પહોરમાં જ ટ્વિટ કરીને આ નિર્ણય પાછો લેવાયો હોવાનું એલાન કર્યું. નિર્મલા મેડમે લખ્યું કે, ભારત સરકારની નાની બચત યોજનાઓના વ્યાજદર 2020-21ના નાણાંકીય વર્ષના છેલ્લા ક્વાર્ટર એટલે કે ત્રિમાસિક ગાળામાં જે હતા એ જ ચાલુ રહેશે. મતલબ કે, માર્ચ મહિનામાં જે વ્યાજ દર હતા એ જ દરે વ્યાજ મળશે. ભૂલના કારણે બહાર પડાયેલો આદેશ આ સાથે પાછો ખેંચી લેવામાં આવે છે.
નિર્મલાની આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ફરતી થઈ ત્યારે પહેલાં તો સૌને એવું જ લાગેલું કે, આ એપ્રિલફૂલ છે. મોદી સરકારે નાની બચતના વ્યાજ દર ઘટાડવાનું એલાન કરીને મારેલા કારમા ફટકાને કારણે થયેલા ઘા પર મીઠું ભભરાવીને કેટલાક લોકો આનંદ લઈ રહ્યા છે એવું પણ ઘણાંને લાગેલું. પછી ખબર પડી કે, નિર્મલા મેડમે સાચે જ વ્યાજ દરમાં ઘટાડાનો નિર્ણય પાછો ખેંચ્યો છે ને કોઈ એપ્રિલફૂલ નથી બનાવતું. તેના કારણે લોકોને હાશકારો પણ થયો પણ તેના કારણે આ ઘટના શરમજનક છે એ વાસ્તવિકતા નથી બદલાતી.આ દેશનાં કરોડો લોકોને અસર કરે એવો નિર્ણય ભૂલથી કઈ રીતે લઈ શકાય એ જ નથી સમજાતું. દેશના નાણાં મંત્રી ભૂલથી આ થઈ ગયું એવું કહી દે તેનાથી વધારે આઘાતજનક બીજું શું કહેવાય? આ માત્ર બેદરકારીની ચરમસીમા જ નથી પણ સંવેદનહીનતાની પરાકાષ્ઠા પણ છે. આ નિર્ણયથી બચત પર જીવતાં કરોડો લોકોની શું હાલત થશે તેની જેને પરવા નથી ને પછી કંઈ ના બન્યું હોય એ રીતે ભૂલ થઈ ગઈ એમ કહીને હાથ ખંખેરી નાખે એવી વ્યક્તિને આ દેશના નાણાં મંત્રીપદે રહેવાનો અધિકાર જ નથી.
નિર્મલા સીતારામણમાં શરમનો છાંટો પણ હોય તો તેમણે આ બફાટ પછી નાણાં મંત્રીપદેથી રાજીનામું આપી દેવું જોઈએ. ને નિર્મલા એવી નૈતિકતા ના બતાવે તો મોદીએ તેમને તગેડી મૂકવાં જોઈએ. એટલું જ નહીં પણ નિર્મલાને આ દેશનાં લોકો સામે હાજર થઈને માફી માંગવાની ફરજ પણ પાડવી જોઈએ ને આ બફાટ કઈ રીતે થયો તેનો ખુલાસો પણ કરવાની ફરજ પાડવી જોઈએ. નિર્મલાની આ દેશનાં લોકો તરફ એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહિતા છે. આટલી મોટી ગફલત કઈ રીતે થઈ ગઈ એ જાણવાનો આ દેશનાં લોકોને સંપૂર્ણ અધિકાર છે. મોદી પોતાને લોકોના સેવક માનતા હોય તો તેમણે નિર્મલાને ખુલાસો કરવાની ફરજ પાડવી જ જોઈએ, બે લાઈનની ટ્વિટ કરીને છટકવા ન દેવાં જોઈએ. આ મુદ્દો એવો છે કે જે દેશની બહુમતી પ્રજાને સ્પર્શે છે કેમ કે મોટા ભાગનાં લોકો કોઈ ને કોઈ રીતે નાની બચત કરતા જ હોય છે. આટલી જંગી વસતીને સ્પર્શતા પ્રશ્ને ભૂલ થાય તેની સજા તેમને મળવી જ જોઈએ.
જો કે એવું થાય એવી શક્યતા ઓછી છે કેમ કે નિર્મલા માટે આ દેશનાં સામાન્ય લોકો ગણતરીમાં જ નથી. પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો હોય કે રાંધણ ગેસની સબસિડી બંધ કરી દેવાની વાત હોય, સામાન્ય પ્રજાજનોને જાણ કરવામાં કે જવાબ આપવામાં નિર્મલા આણિ માનતી જ નથી ને આ મુદ્દે કશું નવું થાય એવી આશા રાખવાની જરૂર નથી. આ વાત લોકો જેટલી સારી રીતે સમજી લે એટલા ઓછા દુ:ખી થશે.
લોકોએ બીજી એક વાત પણ સમજવાની જરૂર છે. નિર્મલાએ ટ્વિટ કરીને વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય પાછો ખેંચ્યો તેના કારણે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે હવે પછી વ્યાજ નહીં ઘટે. સામાન્ય રીતે ત્રણ મહિના માટે વ્યાજ દર જાહેર કરાતા હોય છે તેથી બહુ બહુ તો જૂન મહિનાના અંત લગી જૂના વ્યાજ દર રહેશે ને એ પછી વ્યાજ દરમાં ઘટાડો થઈ જ શકે છે. મોદી સરકાર છેક જૂન લગી રાહ ના જુએ એવું પણ બને. આ મહિનાના અંત સુધીમાં પશ્ર્ચિમ બંગાળ સહિત પાંચેય રાજ્યોમાં મતદાન પતી જશે તેથી વ્યાજ દર ઘટાડાની અસર ચૂંટણી પર ના પડે તેથી મહિના પછી પણ આ નિર્ણય લેવાઈ શકે.અત્યારે જે માહોલ છે ને કેન્દ્ર સરકારની આર્થિક સ્થિતિ છે એ જોતાં મોદી સરકાર જૂના વ્યાજ દર ચાલુ રાખી શકે તેમ જ નથી. આજે નહીં તો કાલે તેણે વ્યાજદર ઘટાડવા પડશે એ જોતાં નિર્મલાની ગુલાંટથી બહુ હરખાવા જેવું નથી. આ જાહેરાત આજનું મોત કાલ પર ઠેલવા જેવું છે ને લોકોએ વ્યાજ દરમાં ઘટાડા માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. આર્થિક રીતે ફટકો પડવાનો છે એ નક્કી છે, મહિનો કે ત્રણ મહિના મોડો ફટકો પડશે પણ પડશે એ નક્કી છે.સરકાર તેના છ વર્ષના શાસનમાં પહેલાં પણ કટકે કટકે નાની બચતના વ્યાજ દર ઘટાડતી રહી છે. છેલ્લે મોદી સરકારે બરાબર એક વર્ષ પહેલાં એટલે કે 1 એપ્રિલ 2020ના રોજ નાની બચત યોજના પર મળતાં વ્યાજમાં તોતિંગ ઘટાડો કર્યો હતો. મોદી સરકાર દ્વારા એ વખતે નાની બચતના વ્યાજદરમાં 1.40 ટકા સુધીનો રાડ નિકળી જાય એવો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વખતે પણ તેની આસપાસનો જ ઘટાડો કરાયો છે એ જોતાં મહિને કે ત્રણ મહિને જ્યારે પણ વ્યાજદર ઘટશે ત્યારે એક ટકા કરતાં તો વધારે હશે જ.