હિન્દી ફિલ્મ અભિનેતા શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરના ડ્રગ્સ કાંડમાં એન્ટિ-ક્લાઈમેક્સ આવી ગયો છે. બોલીવૂડના જાણીતા ખલનાયક અને સાથે સાથે કોમેડિયન તરીકે પણ પોતાનો સિક્કો જમાવનારા શક્તિ કપૂરનો કપૂત સિદ્ધાંત રવિવારે રાત્રે બેંગલૂરૂના પોશ વિસ્તાર એમ.જી. રોડ પરની રેવ પાર્ટીમાં ઝડપાયો તેના કારણે ખળભળાટ મચેલો. પોલીસે રેડ પાડીને પાર્ટીમાં હાજર ૩૫ લોકોની અટકાયત કરીને તમામના બ્લડ ટેસ્ટ કર્યા હતા.
આ પૈકી છ લોકોએ ડ્રગ્સ લીધું હોવાની જાહેરાત પણ કરી હતી. પોલીસે જ કહેલું કે, સિદ્ધાંત આ છમાં એક હોવાથી તેની ધરપકડ કરાઈ છે અને હવે કોર્ટમાં રજૂ કરાશે. સિદ્ધાંત સામે એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધાયો હોવાનું એલાન પણ કરાયેલું. પોલીસની આ જાહેરાતના પગલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના દૂષણની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ હતી.
સિદ્ધાંતને કોર્ટમાં રજૂ કરાય ત્યારે શું થાય છે તે જાણવામાં લોકોને રસ હતો ત્યાં બેંગલૂરૂ પોલીસે મંગળવારે રાત્રે એલાન કર્યું કે, સિદ્ધાંતને તો જામીન પર છોડી દેવાયો છે. પોલીસનું કહેવું છે કે, સિદ્ધાંતે ડ્રગ્સ લીધું હતું એ વાત સાચી છે પણ તેની પાસેથી કોઈ ડ્રગ્સ નથી મળ્યું તેથી આ કેસ ડ્રગ્સ લેવાનો છે. આ પ્રકારના ક્ધઝમ્પશનના કેસોમાં કાયદા પ્રમાણે અમે જેની ધરપકડ કરાઈ હોય તેની તપાસ નથી કરતા પણ તેમને નોટિસ આપીને તપાસમાં સહકાર આપવા કહીએ છીએ કે જેથી પેડલર્સ સુધી પહોંચી શકાય. આ સામાન્ય નિયમ છે ને સિદ્ધાંત સેલિબ્રિટી હોવાથી તેના કેસમાં અમે અલગ રીતે વર્તી ન શકીએ.
આ કેસમાં પણ કાયદા પ્રમાણે વર્તીને સિદ્ધાંતને પોલીસ સ્ટેશનમા જ જામીન આપી દીધા છે. બેંગલૂરૂ પોલીસે જે કંઈ કહ્યું એ આંચકાજનક છે કેમ કે આ પહેલાં બેંગલૂરૂ પોલીસના ડેપ્યુટી કમિશનર ડો. ભીમશંકર એસ. ગુલેદે જ સિદ્ધાંતના બ્લડમાં ડ્રગ્સ મળ્યું હોવાનું સત્તાવાર રીતે જાહેર કરીને તેને કોર્ટમાં રજૂ કરાશે એવું એલાન કરેલું. કલાકોમાં આ વલણ બદલાઈ ગયું ને પોલીસે સિદ્ધાંતને જામીન પર છોડી પણ દીધો. સવાલ એ છે કે, બેંગલૂરૂ પોલીસને પહેલાં કાયદાની ખબર નહોતી? રેવ પાર્ટી પર દરોડો રવિવારે રાત્રે પડેલો. એ વખતે પણ સિદ્ધાંત પાસેથી ડ્રગ્સ તો નહોતું જ મળ્યું. છતાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કરવાનું કહેલું ને પછી અચાનક ક્ધઝમ્પશનનો કેસ કઈ રીતે બની ગયો ?
આ સવાલનો જવાબ સરળ છે. આપણે ત્યાં સરકારી એજન્સીઓ કાયદા પ્રમાણે નથી વર્તતી પણ સામેની વ્યક્તિ કોણ છે તેના આધારે મળે છે. સામેની વ્યક્તિ તગડી ને માલદાર હોય તો એજન્સી ભીનું સંકેલીને વાતનો વીંટો વાળી દે, સામેની વ્યક્તિ સામાન્ય હોય ત્યારે કેસ ડ્રગ્સનો બની જાય ને પકડાયેલો લાંબો થઈ જાય. સિદ્ધાંતના કેસમાં બન્યું એવું પહેલાં પણ બની ચૂક્યું છે ને દરેક વાર આ જ નિયમ લાગુ પડે છે. આપણે બીજાં મોટાં માથાંની વાત ના કરીએ ને ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીના કિસ્સા પણ જોઈશું તો આ વાત સમજાશે.
સિદ્ધાંત ડ્રગ્સના કેસમાં પકડાયેલો પહેલો માણસ નથી ને છેલ્લો પણ નહીં હોય પણ અત્યાર સુધી કોઈને ડ્રગ્સના કેસમાં સજા થઈ નથી. બોલીવૂડમાં ડ્રગ્સ મુદ્દે સૌથી વગોવાયેલો અભિનેતા સંજય દત્ત છે. સંજુ બાબા તરીકે ઓળખાતો સંજય દત્ત આતંકવાદી પ્રવૃત્તિ જેવા ખતરનાક ને દેશદ્રોહના અપકૃત્યમાં દોષિત ઠરેલો છે પણ ડ્રગ્સ મામલે પણ વગોવાયેલો છે.
સંજુને ડ્રગ્સની આદત હતી ને એ હેરોઈન લેતો. સંજયની આ ટેવથી પરેશાન સુનીલ દત્તે તેને અમેરિકા લઈ જઈને સારવાર કરાવી હતી. તેના કારણે સંજય ડ્રગ્સની લતમાંથી છૂટ્યો એવું કહેવાય છે. આ વાત સાચી છે કે નહીં એ ખબર નથી પણ પછી એ દારૂ ખૂબ જ પીતો. તેની પત્ની માન્યતાએ સંજયના મિત્રોથી તેને દૂર કર્યો પછી અત્યારે તેની આ ટેવ કાબૂમાં હોવાનું કહેવાય છે. આ બધી આદતો છતાં સંજય કદી પકડાયો નહીં કે કોઈ સજા ના થઈ.
અત્યારે સાવ ભુલાઈ ગયેલો અભિનેતા ફરદીન ખાન ૨૦૦૧માં ફરદીન કોકેઈનની ખરીદી કરતા પકડાયો હતો. તેની સામે એનડીપીએસ કલમ ૨૭ હેઠળ કેસ દાખલ કરાયેલો પણ કોર્ટમાંથી એવું કહીને રાહત અપાયેલી કે, ફરદીન કોકેઈનનો વેપાર નથી કરતો. ફરદીન કોકેઈનનો નશો કરતાં પહેલી વાર પકડાયો છે તેથી તેના પર દયા બતાવીને જવા દેવાયો હતો. ફરદીન ખાન જાણીતા અભિનેતા ફિરોઝ ખાનનો પુત્ર છે ને પોતે પણ ઘણી સફળ ફિલ્મો કરી ચૂક્યો છે.
વિજય રાઝ મોટો સ્ટાર નથી પણ તે પણ ડ્રગ્સ કેસમાં સંડોવાઈ ચૂક્યો છે. ૨૦૦૫માં દુબઈમાં તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની પાસેથી હેરોઈન ઝડપાયું હોવાનું કહેવાય છે. વિજય રાઝ દીવાને હુએ પાગલ ફિલ્મના શૂટિંગ માટે ગયો હોવાનું કહેવાય છે. પ્રતીક બબ્બર પણ ડ્રગ્સ એડિક્ટ બન્યો હતો. પ્રતીકે કબૂલ્યું છે કે, ૧૩ વર્ષની વયે તેને ડ્રગ્સની લત લાગી ગઈ હતી. પહેલાં પ્રતીક મારીજુઆના અને હશિશ લેતો ને પછી તેને હેરોઈન અને એસિડ લેવાની આદત થઈ ગઈ હતી. પ્રતીકે તો જાણીતા અખબારને લખેલા ઓપન લેટરમાં આ બધી કબૂલાત કરી છે.
મોનિકા બેદી ૧૯૯૩માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી હતી. ગેંગસ્ટર અબુ સાલેમની પ્રેમિકા મોનિકા પોર્ટુગલમાંથી પકડાઈ પછી ભારતમાં તેની સામે કેસ ચાલ્યો અને તેને અઢી વર્ષની સજા પણ થઈ. આ સજા ભોગવીને મોનિકા ફરી પોતાની કરીયર બનાવવા મથી રહી છે પણ એ પહેલાં સાલેમની સાથે તે ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલી હતી એવું કહેવાય છે. અભિનેત્રી મમતા કુલકર્ણી તો મૂળ ગુજરાતી ડ્રગ ડીલર વિકીના પ્રેમમાં પડી અને તેની સાથે લગ્ન કરીને જ રહે છે. કંગના રાણાવતે ડ્રગ્સ લીધું હોવાની કબૂલાત કરી ચૂકી છે. સુશાંતસિંહ રાજપૂત કેસમાં તેની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીની ધરપકડ ડ્રગ્સ કેસમા થયેલી ને શાહરૂખ ખાનનો દીકરો આર્યન પણ ડ્રગ્સ કેસમાં ઝડપાયેલો છતાં કોઈને કશું ના થયું. સિદ્ધાંતનું નામ પણ આ લિસ્ટમાં આવી ગયું છે.