શત્રુ ચીન સાથેના સંઘર્ષ વિશે બધી વાત તો સરકાર સંસદને ન કહી શકે

ચીન અને ભારત વચ્ચે તંગદિલી છે અને એ વાત આખું જગણ જાણે છે. અંતે ચીન સરહદે થયેલા લશ્કરી જમાવડા અને તણાવ મુદ્દે નરેન્દ્ર મોદી સરકારે લોકસભામાં નિવેદન આપી દીધું. સંસદના ચાલુુ સત્રના પહેલા દિવસે મોદી સરકારે ચીન મુદ્દે પોતે કશું છૂપાવતી નથી ને ચર્ચા માટે તૈયાર હોવાની તૈયારી બતાવી ત્યારે એવું લાગતું હતું કે, સરકાર અત્યાર સુધી ભલે કંઈ ના બોલી પણ આ વખતે કમ સે કમ માંડીને વાત કરશે ને દેશનાં લોકો સામે ચીન સરહદે શું સ્થિતિ છે તેનું ચિત્ર રજૂ કરશે, પણ મંગળવારે મોદી સરકારે આચાર સંહિતા મુજબ જરૂર પૂરતી જ વાત કરી. ખરેખર તો એ જ અપેક્ષિત હોય. આપણા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે માત્ર બે લીટીમાં સરહદે શું સ્થિતિ છે તેની વાત આટોપી લીધી એનાથી વિપક્ષોને કષ્ટ લાગ્યું. પરંતુ આજની પરિસ્થિતિમાં સરકાર એ વિશે કશું વિશેષ કહેવા જાય તો દુશ્મન દેશ ચીન સામે ભારતની વ્યૂહર ખુલ્લી પડી જાય. એટલે વિરોધપક્ષોએ આ અંગે સરકારના લાંબા નિવેદનની આશા રાખવી ન જોઇએ.

રાજનાથે જાહેર કર્યું કે, લદાખ સરહદે ચીને જોરદાર ખડકલો કરી દીધો છે ને સાવચેતીનાં પગલાંરૂપે આપણે પણ સૈનિકો અને શસ્ત્રસરંજામ ખડકી દીધો છે. ચીન સાથેની સરહદે શું સ્થિતિ છે એ વિશે આ બે વાક્યો બોલીને રાજનાથે કહી દીધું કે, આનાથી વધારે માહિતી પોતે આપી શકે તેમ નથી. એ પછી રાજનાથે લાંબી વાત કરી. તેનો સાર એ છે કે, ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ હજુ ઉકેલાયો નથી ને એપ્રિલ મહિનાથી ચીન સતત લદાખ સરહદે સૈનિકો અને શસ્ત્રસરંજામ ખડકી રહ્યું છે. રાજનાથે 1962ના યુદ્ધ વખતે ચીને કઈ રીતે ભારતની 38 હજાર ચોરસ કિલોમીટર જમીન પચાવી પાડી તેની કથા પણ માંડી ને પાકિસ્તાને 1963માં કઈ રીતે ગેરકાયદે સીમા કરાર કરીને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ની 5180 ચોરસ કિલોમીટર જમીન ચીનને ખૈરાતમાં આપી દીધેલી તેની વાત પણ કરી પણ અત્યારે શું હાલત છે તે વિશે તેમણે નાછૂટકે મૌન ધારણ કરવું પડ્યું.

રાજનાથે ભારતીય સૈનિકો સજ્જ છે ને દેશની સરહદોને આંચ નહીં આવવા દે એ વાત પણ કરી. આખો દેશ જવાનો સાથે છે એ વાત પણ કરી. આપણા જવાનોમાં અદમ્ય સાહસ, શૌર્ય ને પરાક્રમ છે તેની વાત પણ તેમણે કરી. દેશનાં લોકોને આપણા જવાનોની ક્ષમતા કે શૌર્ય સામે કોઈ શંકા નથી પણ રાજનાથ તેમને પાનો ચડાવવા આ બધું કહે તેમાં કશું ખોટું પણ નથી પણ સાથે સાથે આ જવાનો સામે કેવો પડકાર છે તેની વાત તેમણે ન કહેવી જોઈએ એટલે ન કરી. ચીનાઓ અત્યારે સરહદે શું કરી રહ્યા છે ને કેવી હરકતો કરી રહ્યા છે એ વિશે સંસદમાં વધુ બોલવાનો પણ અર્થ નથી.

ચીનને જવાબ આપવા માટે આપણા લશ્કરની શું વ્યૂહરચના છે ને આપણા જવાનો શું કરી રહ્યા છે તેના વિશે એ બોલે એવી કોઈને અપેક્ષા નથી. આ વાતો ખાનગી રાખવાની હોય તેથી સરકાર લોકોને ન કહે એ સમજી શકાય એવી વાત છે પણ ચીનાઓની હરકતો વિશે જણાવવામાં કશું અયોગ્ય નથી ને છૂપાવવા જેવું પણ નથી એમ વિરોધપક્ષો માને છે તે વિપક્ષોની એક રીતે તો ભૂલ જ છે, એટલે જ રાજનાથે તેનો ઉલ્લેખ સુધ્ધાં ન કર્યો. ચીન ભારતના સરહદ અંગેના વલણને સ્વીકારતું નથી.

રાજનાથે જે નિવેદન આપ્યું તેમાં કશું એવું નથી કે જે નવું હોય ને દેશ ન જાણતો હોય. રાજનાથે જે વાત કહી એ વાત તો આ પહેલાં મોદી સરકારના વિદેશ મંત્રી એસ. જયશંકર પણ કહી ચૂક્યા છે. બલકે જયશંકર વધારે પ્રમાણિક કે તેમણે ઝાઝી લપ્પનછપ્પનમાં પડ્યા વિના લોકો કોઈ ભ્રમમાં ન રહે એ રીતે સીધા ને સટ શબ્દોમાં કહી દીધેલું કે, ચીન સાથેની સરહદ પર સ્થિતિ ગંભીર છે. જયશંકર તો એ વાત પણ સ્વીકારી ચૂક્યા છે કે, ચીન સાથે સંધર્ષની સ્થિતિ નિવારવી હોય તો રાજકીય રીતે વધારે ઉંડાણપૂર્વકની ચર્ચા કરવી જરૂરી છે. જયશંકર પહેલાં સરકારી અધિકારી હતા તેથી કોઈ પણ મુદ્દે ગોળ ગોળ વાતો કરવાની તેમની આદત હોય. રાજકીય રીતે ઉંડાણપૂર્વકની ચર્ચા ને એ બધી વાતો તેમનો અધિકારી આત્મા બોલે છે પણ સ્થિતિ ગંભીર છે એવી કબૂલાત કરીને તેમણે ઈમાનદારી બતાવી દીધી છે. આ મુદ્દો દેશની સુરક્ષાને લગતો છે.

રાજનાથે જે કંઈ કહ્યું તેના કરતાં મીડિયામાં વધારે બધું આવે છે. બલકે મીડિયામાં જે વાતો આવ્યા કરે છે તેના કારણે રાજનાથે કહેલી વાતો કરતાં લોકોને વધારે ખબર હોય એવું લાગે છે. મીડિયામાં જે વાતો આવતી હોય એ સાચી જ હોય એ જરૂરી નથી પણ એટલા માટે જ ચીન શું ધંધા કરી રહ્યું છે તેની સાચી વાત લોકો સામે મૂકવી જરૂરી છે. માનો કે મીડિયા સાચું કહેતું હોય તો પણ એ સત્તાવાર વાતો ન ગણાય. કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે એ વાતો લોકો સામે મૂકવી જ જોઈએ એવો વિપક્ષનો આગ્રહ ગઈકાલે પણ ચાલુ જ રહ્યો છે.

આ પહેલાં જૂનમાં ગલવાન ખીણમાં સંઘર્ષ થયો ત્યારે પણ મોદી સરકારે બધી ચોખવટ કરી હતી. મીડિયાએ જેને હીરો બનાવી દીધા છે ને જેમ્સ બોન્ડ તરીકે જેનાં ઓવારણાં લે છે એ અજીતકુમાર ડોભાલે કઈ રીતે આખો ખેલ પાડેલો એની વાતો વહેતી કરાયેલી. ડોભાલે ચીનના વિદેશ પ્રધાન સાથે બે કલાક વાત કરી તેમાં તો ચીન પાણી પાણી થઈ ગયું ને લશ્કર પાછું ખેંચવા માટે તૈયાર થઈ ગયું એવી ગાથાઓ આપણે સાંભળી હતી. જે હકીકત જ હતી. પરંતુ ચીન એક એવી માયા છે કે વારંવાર એનું નાક કાપો તો પણ એ પાછું ઉગે છે. ચીનને એકલા ભારત સાથે દુશ્મની નથી. એને તો દુનિયાના મોટા ભાગના દેશો સાથે વેર બંધાયેલું છે.

ભારતમાં એક વર્ગ એવો છે કે જે મીડિયાએ ચટાડેલા ચૂરણના કેફમાં છે. આપણું લશ્કર ચીનને ધૂળ ચટાડી રહ્યું છે ને ચીન હાંફળુંફાંફળું થઈ ગયું છે એવી વાતો ચેનલો પિરસે છે. તેના નશામાં આ લોકો જીવે છે ને ખુશ થયા કરે છે. પાકિસ્તાનમાં ઘૂસીને આપણે સર્જિકલ સ્ટ્રાઈક કરેલી એ રીતે ચીનને પણ પછાડવા ભારતીય લશ્કર થનગની રહ્યું છે એવી વાતો પણ પિરસાઈ રહી છે. આ બધી વાતો દ્વારા એવો માહોલ ઊભો કરવા પ્રયત્ન થઈ રહ્યો છે કે ચીન ગમે તેટલા ધમપછાડા કરે પણ આપણે ડરવાની જરૂર નથી. આપણે ચીનને ગમે ત્યારે પછાડી શકીએ એમ છીએ. ચીની લશ્કર માટે ચોકલેટ સોલ્જર્સ એવો નવો શબ્દ રમતો મૂકીને એવી હવા ઊભી કરાઈ રહી છે કે, ચીનના સૈનિકો તો ભાડાના ટટ્ટુ છે ને પૈસા માટે નોકરી કરે છે. તેમનામાં દેશપ્રેમ જેવું કશું નથી તેથી ખરો સમય આવશે ત્યારે એ બધા ભાગી જશે. આપણા સૈનિકોમાં ભરપૂર દેશદાઝ છે તેથી ચીનના લશ્કરની આપણી સામે કોઈ હૈસિયત નથી.

આ બહુ મોટો ભ્રમ છે ને જે લોકો આવી વાતો કરે છે તેમના પોતાનો સ્વાર્થ છે. પણ જે લોકો આવી વાતો માની લે છે એ લોકોને ચીનની તાકાત શું છે તેની જ ખબર નથી. રાતના અંધારામાં પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરવી અને ચીન સામે લડવું એ બંનેમાં આભ-જમીનનું અંતર છે. ચીનની લશ્કરી તાકાત રાક્ષસી છે ને તેના કરતાં પણ આર્થિક તાકાત જોરદાર છે. યુદ્ધ સીધાં હોય કે પરોક્ષ હોય, એ લડવા માટે જબરદસ્ત આર્થિક તાકાત જોઈએ. આપણામાં એ તાકાત છે ખરી એ લોકોએ વિચારવું જોઈએ. બે મહિના લોકડાઉન રહ્યું તેમાં તો આપણા સાંધા ઢીલા થઈ ગયા છે ત્યાં ચીન સામે લાંબો જંગ છેડવાનું આપણું ગજું છે કે નહીં એ આપણે વિચારવાની જરૂર છે. વાસ્તવિકતા ભલે કડવી લાગે પણ સ્વીકારીશુ તો જ ઊંચા આવીશુ.

મોદી સરકાર કદાચ આ વાત સમજતી જ હશે ને એટલે જ ચીન સાથે સંઘર્ષ નથી ઈચ્છતી. મોદી સરકારનું એ વલણ ખોટું નથી કેમ કે ચીન સામે લડીને આપણે કંઈ સોનાની પાટ્યું લઈ લેવાની નથી. પણ તેનો અર્થ એ પણ નથી કે, લોકોને ચીન સરહદે શું બને છે એ કહેવું જ નહીં. સરકાર કહેશે પણ યોગ્ય સમયે કહેશે. આ દેશની પ્રજા ગમે તેવા સંજોગોમાં દેશના લશ્કર અને દેશની સરકારની સાથે જ છે ત્યારે તેને સાચી વાત કરવી જરૂરી છે. પણ એ માટે સાચો સમય જોઈએ. એ સમય હજુ આવ્યો નથી.