શત્રુ દેશની વેબ સિરિઝ જોતા પોતાના  નાગરિકોને ઉ. કોરિયાએ ફાંસી આપી 

ઘર હોય કે ઓફીસ, સત્તા હોય કે સૈન્ય રાજકારણ કરવા માટે મુદ્દો જોઈએ, ભાજપે હિન્દુત્વના મુદ્દે રામ મંદિર બનાવી લીધું ત્યારે કૉંગ્રેસ હજુ સિયારામ અને જયશ્રીરામમાં ગોથાં ખાય છે. એટલે જ ભારતમાં કૉંગ્રેસને કોઈ હવે ગોઠતું નથી અને ભાજપ પ્રત્યેક પરિમાણમાં ફિટ બેસે છે. રશિયાએ યુક્રેન પર મિસાઈલ ફેંકી તેની પાછળ પુતિને નાટોનું કારણ ધરી દીધું હતું. જેથી તેની પ્રજાને તો એ વાત ગળે ઉતરે કે યુક્રેનનો વિકાસ રશિયાનો વિનાશ કરી શકે છે. મુદ્દા વગર હુમલો અને જુમલો બન્ને નુકસાન જ નોતરે. ઉત્તર કોરિયાના માથાફરેલ શાસક કિમ જોંગે દક્ષિણ કોરિયા પર હુમલો કરવા માંગે છે પરંતુ ૧૯૫૩માં કરેલી સંધિ નડે છે પરંતુ લોભી હોય ત્યાં ધુતારાની કમી ન હોય, યુદ્ધ કરવા માટેનો મુદ્દો હવે કિમ જોંગે શોધી કાઢ્યો છે.

ઉત્તર કોરિયાની એક શાળામાં સૈનિકો ત્રાટક્યા અને વર્ગખંડમાં અભ્યાસ કરતા બે તરુણ વિદ્યાર્થીઓને ઉઠાવી ગયા. બન્નેને ચોક વચ્ચે લટકાવામાં આવ્યા. થોડીવારમાં બન્નેના માતા-પિતા સહિત મોટી સંખ્યામાં ટોળું ઉપસ્થિત થયું. સૈનિકોએ બે પૈકી એક વિદ્યાર્થીના ગજવામાંથી તેનો ફોન કાઢ્યો અને દક્ષિણ કોરિયામાં નિર્માણ પામેલી વેબસિરીઝનું દૃશ્ય ટોળાને દર્શાવ્યું. પ્રથમ મોબાઈલને જમીન પર ફેંકીને તેના પર ગોળીબાર કર્યો અને પછી બન્ને વિદ્યાર્થીઓને વીંધી નાંખ્યા. લોકો સ્તબ્ધ થઈ ગયા. હજુ કંઈ સમજે ત્યાં તો કિમનો વીડિયો મેસેજ બધાના ફોનમાં બ્લિન્ક થયો. જેમાં દક્ષિણ કોરિયામાં નિર્માણ પામતી વેબસિરીઝ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો.

કિમે ઉપરાછાપરી ૧૭ મિસાઈલો દક્ષિણ કોરિયા પર છોડી દીધી. સામાન્યરીતે દક્ષિણ કોરીયા આ પ્રકારના હુમલાઓનો જવાબ નથી આપતું. આ વખતે દક્ષિણ કોરિયાએ પણ વળતો હુમલો કરીને પોતાનાં વિમાનોને રવાના કરીને ઉત્તર કોરિયા પર ત્રણ મિસાઈલ છોડતાં આ વિસ્તારમાં તણાવનો માહોલ થઈ ગયો હતો. દક્ષિણ કોરીયાએ તો પોતાના સૌથી મોટા શહેર સીઓલમાંથી લોકોનું સ્થળાંતર કરાવવા માંડયું, સંખ્યાબંધ વિસ્તારોને ખાલી કરાવી દેવાયા. તેનો સીધો અર્થ થાય છે કે દક્ષિણ કોરીયા હવે ઉત્તર કોરિયાને જડબાતોડ જવાબ આપવા સજ્જ થઈ ગયું છે. પણ વેબ સિરીઝ માટે કિમ હુમલો કરે? વાત ગળે કે મગજ બન્નેમાં નથી ઉતરતી!

આ હુમલાનું મૂળ કારણ છે દક્ષિણ કોરિયા અને અમેરિકાની પાંચ દિવસની સંયુક્ત એર એક્સર્સાઇઝ. એટલું તો સ્પષ્ટ છે કે દક્ષિણ કોરિયાને અમેરિકા ખુલ્લેઆમ સમર્થન કરે છે અને દક્ષિણ કોરિયાના ખભે અમેરિકાને કિમનું ઢીમ ઢાળી દેવું છે. પરંતુ દક્ષિણ કોરિયા પણ ચાલક છે. આ રીતે યુદ્ધ કરીને પોતાના લોકોને ખુવાર કરવાની ચેષ્ઠા કોરિયન સત્તાધીશો કરે નહીં. દક્ષિણ કોરિયામાં ૯ મહિના પૂર્વે યૂન સુક-યીઓલ પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને શિયાળને પણ શરમાવે તેવી બુદ્ધિ તેઓ ધરાવે છે અને દક્ષિણ કોરિયાની સેના લડવા બેસે તો કિમ તેને પળવારમાં જ ધૂળ ચાટતા કરી દે તેમ છે. વળતો હુમલો કરવાનું કારણ એટલું જ હતું કે દુનિયા દક્ષિણ કોરિયાને કાયર ન સમજે.

ઉત્તર કોરિયા પાસે અમેરિકાને પણ ટક્કર મારે એવી મિસાઈલો છે. ઉત્તર કોરિયા અત્યાધુનિક હાયપર સોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરી ચૂક્યું છે. આ ખતરનાક શસ્ત્ર હજુ ભારત પાસે પણ નથી. હાયપરસોનિક મિસાઈલ અવાજ કર્યા વિના ગમે ત્યાં ત્રાટકી શકે છે. આ શસ્ત્ર ડીટેક્ટ કે ઈન્ટરસેપ્ટ થયા વિના ટાર્ગેટને ઉડાવી દે છે. જાપાન, ભારત, ફ્રાન્સ, જર્મની, ઑસ્ટ્રેલિયા સહિતના દેશો હજુ હાયપરસોનિક મિસાઈલ વિકસાવવા મથી રહ્યાં છે ત્યાં કિમે એ મિસાઈલ બનાવીને સોપો પાડી દીધો છે. હાલમાં અમેરિકા, રશિયા અને ચીન એ ત્રણ દેશો પાસે જ હાયપરસોનિક મિસાઈલ છે. કિમ જોંગ ઉને કોરિયાને આ ત્રણ મોટા દેશોની હરોળમાં લાવી દીધું છે.

તેના પરથી તેની લશ્કરી તાકાતનો અંદાજ આવી જાય.
કિમ જોંગે જિંદગીના ઘણા બધા વર્ષો સંરક્ષણ ક્ષેત્રના સંશોધનમાં વિતાવેલા છે. એ સખત પરિશ્રમી છે અને બધી જ બાબતોમાં શ્રેષ્ઠતાનો દુરાગ્રહી છે. અસ્ત્ર-શસ્ત્ર પર એનો ગહન અભ્યાસ છે અને સૈન્ય પર સંપૂર્ણ કમાન્ડ પણ છે. યુદ્ધની વ્યૂહરચનાનો તે એક નિષ્ણાત છે. દુનિયામાં જેને ટોપ ટેન કમાન્ડર કહેવાય, એમાં એક જમાનામાં સદ્દામ હુસૈનનું નામ પણ હતું, એમાં કિમ જોંગ ઉનનો પણ સમાવેશ છે. ઉત્તર કોરિયાની જાસૂસીની પ્રવૃત્તિઓ પણ જાણીતી છે. આજ સુધીમાં અમેરિકામાં દસથી વધારે ક્ધયાઓ એવી ઝડપાઈ છે જે વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલી હતી અને અમેરિકામાં રહીને ઉત્તર કોરિયા વતી જાસૂસી કરતી હતી. ઉત્તર કોરિયાનું જાસૂસી તંત્ર ક્ધયાઓના ઉપયોગ અને ઉપભોગથી છલોછલ છે.

ઉત્તર કોરિયાની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે અમેરિકાએ પોતાના જાસૂસી ઉપગ્રહો ઉત્તર કોરિયા ઉપરના આકાશમાં સ્થિર કરી દીધા છે, પરંતુ એનાથી અમેરિકાના જ્ઞાનમાં કોઈ અભિવૃદ્ધિ થઈ નથી.
માત્ર એટલી ખબર પડી કે પાટનગરમાં એક વિશાળ હૉસ્પિટલનું નિર્માણ ચાલે છે. ઉત્તર કોરિયા પાસે વિનાશક શસ્ત્રો છે અને અમેરિકા સાથે યુદ્ધ થાય તો પ્રારંભિક તબક્કામાં જ અમેરિકાનો વિનાશ કરવા માટેનું સામર્થ્ય છે અને એ વિશે કિમ જોંગ વારંવાર ધમકી ઉચ્ચારી ચૂકયા છે. ઉત્તર કોરિયાની પ્રજા ઘણા લાંબા સમયથી આ ક્રૂર શાસક કિમ જોંગના પંજામાંથી છટકવા ચાહે છે. લગભગ દર વરસે કોઈ ને કોઈ નવા આંદોલનો ત્યાં જન્મ લે છે, પરંતુ કિમ જોંગનું પરિવાર એ આંદોલનને લશ્કરની એડી તળે કચડી નાંખે છે.

ઉત્તર કોરિયામાં કિમ જોંગને સન્માન આપવું ફરજિયાત છે. દરેક ઘરમાં એનો ફોટો ફરજિયાત છે. પ્રજા એની નિત્ય પૂજા કરે છે. દુનિયા આખી જ્યારે કોરોના સામે લડી રહી છે, ત્યારે ઉત્તર કોરિયામાં સત્તાધીશના પલટાનો તખ્તો ગોઠવાયો છે. જેને કોઈ પણ રીતે સત્તાપલટો ન કહી શકાય, કારણ કે શાસન તો કિમ જોંગ ઉનના પરિવાર પાસે જ રહેવાનું કિમ ઉન જોંગ સનકી છે. તેને વિશ્ર્વમાં અમેરિકા જેવી સૌથી મોટી મહાસત્તા બનવાના અભરખા છે. કિમ ઉન જોંગે તો જાહેરમાં કહ્યું છે કે પોતે અમેરિકા પર કબજો કરવા માગે છે. કિમે પોતાના સપનાને સાકાર કરવા મોટું લશ્કર જમાવ્યું છે. વિશ્ર્વમાં ચીન, અમેરિકા અને ભારત પછી ચોથ નંબરનું સૌથી મોટું લશ્કર ઉત્તર કોરીયાનું છે.

ઉત્તર કોરિયાની વસતી અઢી કરોડ જ છે. મતલબ કે, ગુજરાતની વસ્તીથી અડધાથી પણ ઓછી વસ્તી હોવા છતાં ઉત્તર કોરિયાના લશ્કરમાં ૧૨ લાખ સૈનિકો છે. ઉત્તર કોરિયામાં મોટા ઉદ્યોગો નથી, કોઈ વિકાસ નથી પણ જોંગ સનકી છે તેથી લશ્કરી તાકાત ભેગી કરીને આખી દુનિયાને ઉપર-નીચે કરે છે. કિમ અમેરિકાને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે. અમેરિકાને કિમ ગણકારતો નથી તેથી અમેરિકા સાથે સતત સંઘર્ષ થયા જ કરે છે. અમેરિકાને પાઠ ભણાવવાના ઝનૂનમાં નવાં નવાં શસ્ત્રો બનાવ્યા કરે છે. એટલે જ અમેરિકા દક્ષિણ કોરિયાને ટેકો આપે છે. ખરેખર તો આ યુદ્ધ ઉત્તર કે દક્ષિણ કોરિયા વચ્ચે નહીં પરંતુ ચીન અને અમેરિકા વચ્ચે છે. ઉત્તર કોરિયાનું અર્થતંત્ર પૂર્ણત: ચીનની ગુલામીમાં ફસાયેલું છે.

જે કામ આજે ચીન, અન્ય એશિયન દેશોમાં કરી રહ્યું છે એ કામ વર્ષો પહેલા ઉત્તર કોરિયામાં કરીને ચીનાઓએ કોરિયન પ્રજાને પંગુ બનાવી દીધી છે. દુનિયામાં ચીની ઉત્પાદનોનો સૌથી મોટો ઉકરડો એટલે ઉત્તર કોરિયા. દુનિયાના કેટલાક દેશો કે જે નિરંતર અમેરિકાને ધમકી આપતા રહે છે અને અમેરિકા ખુદ પણ આ બધા દેશોના અર્ધપાગલ જેવા વડાઓથી ડરતું રહે છે, એવા દેશોની યાદીમાં પહેલી હરોળમાં ઉત્તર કોરિયા છે. ત્યારે જોવાનું રહેશે કે ચીન અને અમેરિકા જેવા બે બાહુબલી રાષ્ટ્રોની લડાઈમાં સેન્ડવીચ બનેલા ઉત્તર-દક્ષિણ કોરિયા વચ્ચે જો યુદ્ધ થશે તો તેનું શું પરિણામ આવશે!