શરૂઆતના પાંચ ચૈત્રી દનૈયાઓમાં આકરો તાપ પડતા ચોમાસાનો પ્રારંભ સારો રહેવાની શક્યતા

અમરેલી, ચૈત્રી દનૈયા ના શરૂઆતના પાંચ દિવસો દરમિયાન આ વર્ષે ખૂબ જ આકરો તાપ પડતા ખેડૂતો તથા અભ્યાસો દ્વારા ચોમાસું ની શરૂઆત સમયસર થઈ જવાના એંધાણ મળ્યા છે.
આ અંગેની વિગતો એવી છેો કે, આગામી ચોમાસુ કેવું રહેશે તેના અનુમાન માટે અનેક વર્ષોથી પરંપરા મુજબ અભ્યાસુઓ તથા ખેડૂતો દ્વારા હોળીની જાળ પછી ચેત્રી દનૈયા ના આકરા તાપનો પણ અભ્યાસ કરવામાં આવે છે. ચૈત્રી વદ પાંચમ થી બારસ એટલે કે 12 એપ્રિલ થી 19 એપ્રિલ દરમિયાન ચૈત્રી દનૈયા ના દિવસો ગણાય છે. બગસરા થી પર્યાવરણના અભ્યાસુ એવા શ્રી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર આ આઠ દિવસો દરમ્યાન ખુબ જ આકરા તડકા પડે તો તેની સારી અસર આગામી ચોમાસા પર પડે છે. ચાલુ વર્ષે શરૂઆતના પાંચ દનૈયા દરમ્યાન આકરા તડકા પડ્યા હતા જેથી આ દનૈયા સારા વીત્યા ગણાય.
જેને લીધે આ વર્ષે ચોમાસાની શરૂઆત સમયસર થશે તેવું તારણ અભ્યાસુઓ કાઢી રહ્યા છે. તેમજ આ વર્ષે શરૂઆતના પાંચ દનૈયા પૈકી એક પણ દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ ના થતા ચોમાસુ સમયસર શરૂ થવાનું અનુમાન ખેડૂતો પણ લગાવી રહ્યા છે.
જેથી ખેતી પર આધારિત લોકોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે. થોડા દિવસો બાદ આવી રહેલી અખાત્રીજ ને પવનનો રૂખ ચોમાસા બાબતે અંતિમ અનુમાન આપશે, ત્યારે ચોમાસુ સામાન્ય રહે તેવી સૌ આશા વ્યક્ત કરી રહ્યા છે.