શહેરને રૂડુ બનાવવા માટે પોતાના રોજગાર ખસેડનાર જેશીંગપરામાં કેબીનધારકો દયાજનક હાલતમાં મુકાયા

  • અમરેલીમાં આજે પણ ઘણા સ્થળોએ જાહેર જગ્યા ઉપર બાંધકામ લંબાવી દેવાયા છે
  • રાજ્ય સરકારમાંથી દરખાસ્ત ના મંજુર થતા નગરપાલિકા કે કેબીનધારકો દ્વારા કોઇ અપીલ ન કરાઇ : સરકારી જમીન ઉપર દબાણ એ દબાણ જ સાબિત થયું

અમરેલી, મિલ્કતોની મોટી કિંમતો અને નાણાના અભાવને કારણે જીવન નિર્વાહ ચલાવવા માટે ન છુટકે અને ન ગમતુ હોવા છતા અમરેલી શહેરમાં સડકો અને ખાચા ગલીઓમાં એક અંદાજ પ્રમાણે નાની મોટી એકાદ હજાર જેટલી કેબીનો દ્વારા પાનબીડીથી લઇ ભોજન અને કટલેરીથી લઇ કાપડ સુધીના ધંધા રોજગાર નાના માણસો રળી રહયા છે આવા જ જેશીંગપરાના કેબીનધારકો દયાજનક હાલતમાં મુકાયા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અમરેલી આવ્યા તે સમયે આ માર્ગ ઉપર તે ચાલ્યા હતા અહીં વર્ષોથી રોડના બંને બાજુએ કેબીનો હતી અને એક ખુણા ઉપર તો હનુમાનજીનું મંદિર પણ હતુ અમરેલી શહેરને રૂડુ બનાવવા માટેનું અભિયાન શરૂ હતુ ત્યારે કેબીનધારકોએ પોતાની કેબીનો માર્ગ અને મકાન વિભાગની હદમાં હતી ત્યાંથીને ખસેડી અને પાછળ પડેલી અવાવરૂ જગ્યામાં ફેરવવા માટે સહયોગ આપ્યો હતો પણ તેમની કઠણાઇ એ હતી કે પાછળની એ જમીન નગરપાલિકાની માલીકીની ન હતી પણ સરકારના ખાતામાં દાખલ થયેલી જમીન હતી નગરપાલિકા દ્વારા આ કેબીનધારકો માટે સરકારમાં કલેકટરશ્રી મારફતે એ સરકારી જમીન મેળવવા માટે વિધીવત દરખાસ્ત પણ કરવામાં આવી હતી પરંતુ કમનસીબે સરકારમાંથી આ દરખાસ્ત ના મંજુર થઇ અને કેબીનધારકોએ પોતાની કેબીનોની જગ્યાએ રકમ ઉઘરાવી પાકી દુકાન લોકોને નડે નહી તે રીતે ઉભી કરી દીધી પણ આખરે એ પણ સરકારી જમીન જ હતી અને તેની ઉપર થયેલુ દબાણ એ દબાણ જ બની રહયુ હતુ જેના કારણે માથાભારે ન હોવા છતા અને બુટલેગર ન હોવા છતા સાર્વજનીક જમીન ઉપર નિયમોનુસારની કાર્યવાહી કરી કબ્જો મેળવવાને બદલે જાતે દુકાનો બનાવનાર આ નાના કેબીનધારકો લેન્ડગ્રેબીંગ જેવા ગંભીર ગુનામાં આરોપી બની ગયા છે અને સાંજે વેપાર કરવા ગયેલા ઘરના મોભી પરત આવશે તેવી રાહ જોનાર તેનો પરિવાર પણ દયાજનક હાલતમાં મુકાયો છે.