શહેરમાં રાતના ૯ પછી ૩૧ ડિસે.ની ઉજવણી નહીં કરી શકાય

  • કોરોના મહામારી વચ્ચે ૩૧ ડિસેમ્બરને લઇને અમદાવાદ પોલીસે લીધો મોટો નિર્ણય
  • દારૂડિયાઓને પકડવા સ્પેશિયલ ડ્રાઇવ કરાશે

    કોરોના મહામારી વચ્ચે ૩૧ ડિસેમ્બરને લઇને અમદાવાદ પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદ પોલીસે મહત્વની જાહેરાત કરી છે કે, ૩૧ ડિસેમ્બરના દિવસે પણ અમદાવાદમાં રાત્રિ કફર્યુ અમલી રહેશે. ૯ વાગ્યા પછી ૩૧ ડિસેમ્બરની ઉજવણી નહીં કરી શકાય. સાથે જ રાત્રિ કર્યુ દરમિયાન પોલીસ દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવશે.
    અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર, ૩૧ ડિસેમ્બરની રાતે કર્યુના કડક અમલની સાથે દારૂડિયાઓને પકડવા સ્પેશિયલ ડ્રાઇવ કરાશે અને એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટ પર ચાંપતો બંદોબસ્ત રહેશે. જ્યારે જાહેરનામાનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોરોના વધારે પ્રસરે નહીં તે માટે અમદાવાદ સહિત રાજ્યના ૪ મુખ્ય શહેરોમાં રાત્રિ કર્યૂ લંબાવાયું હતું. પોલીસ વડા આશિષ ભાટિયાએ ચાર શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્યૂ લંબાવવાની જાહેરાત કરી હતી. આ ચારેય શહેરોમાં નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાતના ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કર્યૂ યથાવત રહેશે.
    રાજ્યમાં દિવાળી તહેવારો પૂર્ણ થતાં જ કોરોના વિસ્ફોટ થયો હતો. જેને પગલે અમદાવાદ શહેરમાં ૫૭ કલાકનો કર્યૂ લાદવામાં આવ્યો હતો. જો કે આમ છતાં મહામારીએ અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરતા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર મુખ્ય શહેરોમાં રાતના ૯થી સવારના ૬ વાગ્યા સુધી કર્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. ૭ ડિસેમ્બરે આ રાત્રિ કર્યુ પૂરો થાય તે પહેલાં જાહેરાત કરવામાં આવી હતી કે, આ ચારેય શહેરોમાં નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાત્રિ કર્યુ યથાવત રહેશે.