- રાત દિવસ લોકોને બચાવવા માટે પ્રયાસો કરી રહેલા તબીબોનો આભાર માની બિરદાવતા શ્રી વસંતભાઇ ગજેરા
અમરેલી,
અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાનાં હજારો દર્દીઓને સાજા કરી રજા આપવામાં આવી છે અને આ હોસ્પિટલ હાલની બેકાબુ સ્થિતીમાં પણ વધુમાં વધુ લોકોને બચાવવા માટે મહેનત કરી રહી છે ત્યારે આ હોસ્પિટલના હાથ પગ અને હદય જેવા દર્દીઓ માટે દેવદુત સમાન તબીબોને બિરદાવવા, તેમનો આભાર માનવા અને લોકોને બચાવવા માટે શું કરવુ જોઇએ તે જાણવા શાંતાબા ગજેરા હોસ્પિટલ અને મેડીકલ કોલેજના ચેરમેન શ્રી વસંતભાઇ ગજેરાએ બેઠક યોજી હતી અને તબીબોને લોકોને વધુમાં વધુ સારવાર અને સુવિધા મળી રહે તથા અહીં આવતા દરેક લોકોને બચાવવા માટે આકાશ પાતાળ એક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
રાત દિવસ લોકોને બચાવવા માટે પ્રયાસો કરી રહેલા તબીબોનો આભાર માની બિરદાવતા શ્રી વસંતભાઇ ગજેરાએ શાંતાબા ગજેરા હોસ્પિટલનાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુપરવાઇઝર, પેડા મેડિકલ સ્ટાફ સાથે બેઠક યોજી લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને તેને બચાવવા માટે હજુ પણ જે સુવિધા જોઇતી હોય તે સુવિધા ઉભી કરવા શ્રી ગજેરાએ સુચનો માંગ્યા હતા અને કુદરતી આપત્તિમાં શાંતાબા ગજેરા હોસ્પિટલ દ્વારા અપાતી લડતને વધુ અસરકારક બનાવી પોતાને વધારાનો ખર્ચ કરવો પડે તો તે ખર્ચ કરવાની પણ તૈયારી બતાવી માનવજાતની સેવા માટે દરેકે વધુમાં વધુ યોગદાન આપવા અપીલ કરી હતી.
આ ઉપરાંત શાંતાબા ગજેરા હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને ઓક્સિજન સમયસર મળે તે માટે ઓક્સિજનના નવા 100 સિલીન્ડરને યુધ્ધના ધોરણે મંગાવવા મેનેજમેન્ટને ચેરમેન શ્રી વસંતભાઇ ગજેરાએ સુચના આપી હતી અને જરૂર પડ્યે કોઇપણ સુવિધા ઉભી કરવા તૈયારી દર્શાવી અને અમરેલીનાં સપુત તરીકેની પોતાની ફરજ અદા કરી હતી.