- રાજ્યભરમાં ઓક્સિજનની શોર્ટ સપ્લાય થવાની ભિતી વચ્ચે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલે આગોતરી તૈયારી કરી લીધી
અમરેલી,
કોરોનાના દર્દીઓમાં અચાનક થયેલા ઉછાળા પછી રાજ્યભરમાં ઓક્સિજનની શોર્ટ સપ્લાય થવાની ભિતી વચ્ચે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલે આવનારા સમયને પારખી અને ઓક્સિજન ટેન્ક સહિતની આગોતરી તૈયારી કરી લીધી છે અને ગુરૂવારે શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાના અને કોરોનાના ન હોય પણ જેને ઓક્સિજનની જરૂર પડી હોય તેવા 150 દર્દીઓને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
ઘણા દર્દીઓને કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો પણ તમામ લક્ષણો કોરોનાનાં જણાતા હોય તેવા દર્દીઓને કોરોનાની જ સારવાર શાંતાબા ગજેરા હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે કોરોનાએ પોતાનું સ્વરૂપ બદલ્યુ કે ઘણી જગ્યાએ નેગેટીવ આવે છે પરંતુ તમામ લક્ષણો અને સ્વરૂપ કોરોના જેવુ જ હોય છે આવા દર્દીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં હોય ખાનગી હોસ્પિટલો ઉપરાંત અમરેલીની કોરોના સામે અવિરત લડી રહેલી રાજ્યભરમાં કોરોનાની સુંદર સારવારને કારણે પ્રથમ પંક્તિની ગણાતી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોના અને નોન કોરોનાના દર્દીઓ પૈકી 150 દર્દીને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે અને રોગચાળાની કરૂણતા એ છે કે હોસ્પિટલમાં જગ્યાઓ ખુટી જતા બ્લડ બેંકમાં જગ્યા કરી ઓક્સિજનના બાટલાઓ ગોઠવી અને દર્દીઓને યુધ્ધના ધોરણે સારવાર આપવામાં આવી રહી છે હજુ પણ કોરોનાના દર્દીઓ વધે તેમ હોય સ્વૈચ્છીક સંસ્થાઓ પણ પોતાની જગ્યા આપવા માટે આગળ આવે તે જરૂરી છે.અમરેલી જિલ્લામાં અનેક સંસ્થાઓ પાસે અનેક જગ્યાઓ છે ત્યારે દરેક સંસ્થા માનવતાનો સાદ સાંભળી જે રીતે તંત્રને જરૂર હોય તે રીતે આગળ આવી અને પોતાનું યોગદાન આપે તેવો સમય આવી ગયો છે.