શાળામાં વિદ્યાર્થીઓ રિવોલ્વર લઈને  આવે એ અમેરિકાનું ભવિષ્ય અસ્પષ્ટ

યુગ બદલાઈ ગયો છે અને દરેક જમાનામાં એ બદલાતો જ રહેવાનો છે. અમેરિકામાં તો એ હદે પરિવર્તન આવ્યું કે કુમળી વયના બાળકો હથિયારો સાથે હુમલા કરતા થઈ ગયા. ભારતમાં રોડ એક્સિડેન્ટ થાય, ઘરેલુ હિંસાની ઘટના બને, દુષ્કર્મ પીડિતા મીડિયા સમક્ષ આવે એટલે સૌ પ્રથમ અમેરિકાનું નિવેદન આવે તેમાંય ભારતની ટીકા કરવામાં આવે છે. હવે અમેરિકાના ઘર આંગણે એક ૬ વર્ષના ટાબરીયાએ પોતાના ગુરુજન પર બંદૂક તાકીને ફાયરિંગ કર્યું. ત્યારે અમેરિકા કેમ મૌન સાધીને બેસી ગયું છે.

આતંકવાદીને શરમાવે તેવું કૃત્ય આચર્યા બાદ પણ અમેરિકન બાળકના ચહેરા પર અફસોસ કે ભયની લાગણી નથી પરંતુ શિક્ષિકા વિરુદ્ધ ગુસ્સો ભર્યો હતો. હવે ટીકાકારો કેમ શાંત થઈ ગયા? અમેરિકન જીવનશૈલીના ઓઠાં આપતા બિન નિવાસી ભારતીયો પણ સ્તબ્ધ છે. બાળકને ગુસ્સો આવે એ તો સ્વભાવિક છે પરંતુ આ હદે સશસ્ત્ર હુમલો કરે એ કેટલું વાજબી છે? આ પ્રથમ ઘટના નથી. અમેરિકામાં બનતી ત્રિમાસિક દુર્ઘટના છે. અવાર નવાર પોતાનો ગુસ્સો-રોષ ઠાલવવા તરુણો હથિયાર સાથે આવે છે અને શાળામાં અભ્યાસ કરતા નિર્દોષ વિદ્યાર્થીઓ પર અંધાધુંધ ગોળીઓ ચલાવી તેમને યમસદનમાં પહોંચાડી દે છે.

ચિંતાની બાબત એ છે કે હુમલો કર્યા બાદ પણ હત્યારા કિશોરો અને બાળકોને અફસોસ નથી થતો. તેમનું કોમળ હૃદય આટલું કઠોર થયું કઈ રીતે? અમેરિકાની પ્રત્યેક શાળામાં મનોચિકિત્સકની નિમણૂક કરવામાં આવે છે. તેમનું મુખ્ય કાર્ય આવા વ્યગ્ર વિદ્યાર્થીઓ તથા શાળા સ્ટાફના માનસિક પ્રશ્નોનું નિરાકરણ કરવાનું છે. આ મનોચિકિત્સકો પોતાના કાર્ય પ્રત્યે કેટલી દુર્લક્ષતા દાખવે છે તે આવી ઘટનાઓ પરથી ફલિત થાય છે. અમેરિકામાં વસતિ કરતાં ગન-મશીનગન્સની સંખ્યા વધારે છે. શસ્ત્રો હાથવગાં હોવાથી ગુસ્સો આવતાં જ માણસ બંદૂક હાથમાં લઈને ગોળીઓ છોડીને કોઈનું પણ ઢીમ ઢાળી દેતાં વિચાર કરતો નથી. ‘ગન કલ્ચર’ નામનો વાઇરસ આજે અમેરિકામાં ફૂલી-ફાલી રહ્યો છે. અલબત્ત ‘ગન કલ્ચર’થી મોટી સમસ્યા યુવકોના માનસિક સ્વાસ્થ્યની છે.
અમેરિકાના વર્જિન્યા શહેરમાં આવેલી પ્રાથમિક શાળામાં ૬ વર્ષનું બાળક બાલમંદિરમાં અભ્યાસ કરે છે.

તેની પાસેથી ૯ એમએમની વ્હાઇટ ડેવિલ પિસ્તોલ મળી હતી. જેનું વજન પાંચ કિલો છે. અમેરિકન પોલીસને સરકાર આ પિસ્તોલ પ્રદાન કરી છે. તો બાળક પાસે ક્યાંથી આવી? તેને ઉપડવા માટેનું બળ અચાનક જ આવી ગયું? તેણે હથિયાર કેમ ચલાવવું અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો તેના યુ-ટ્યુબ પર ટ્યુટોરિયલ નિહાળીને પ્રેક્ટિસ કરી હતી. એ બાદ જ તેણે શિક્ષિકાને વીંધી નાખવાનો પ્લાન બનાવ્યો હતો તેવું બાળકે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે. જો કે શિક્ષિકાને એટલી ગંભીર ઇજા નથી પહોંચી પરંતુ નાનકડું ટાબરીયું આવી ગુનાહિત માનસિકતા ધરાવે એ ગંભીર મુદ્દો છે.

૬ માસ પહેલા અમેરિકામાં જ ટેક્સાસ સ્ટેટના ઉવાલ્ડેની રોબ એલિમેન્ટરી સ્કૂલમાં ૧૮ વર્ષના સેલ્વાડોર રામોસે અંધાધૂંધ ફાયરિંગ કરીને બાવીસ લોકોના ઢીમ ઢાળી દીધાં હતાં. એટલું જ નહીં તેને રોકવાનો પ્રયત્ન કરનારા સિક્યુરિટી ગાર્ડ તથા પ્રિન્સિપાલને પણ ગોળી ધરબી દીધી. પોલીસે તેની ધરપકડ કર્યા બાદ તેના ઘર પર પહોંચી તો તેના માતા-પિતા અને દાદીમાંના મૃતદેહો વિક્ષિપ્ત અવસ્થામાં મળી આવ્યા હતા. તેણે પણ આગોતરા આયોજન સાથે હત્યાકાંડને અંજામ આપ્યો હતો.

આ તો બે જ કિસ્સા થયા. ૨૦૨૨માં સ્કૂલમાં ગોળીબારની ૨૪૯ ઘટનાઓ બની હતી. ૨૦૨૨ના શરૂઆતના મહિનાઓમાં કોરોનાના કારણે સ્કૂલો બંધ હતી. રવિવારે સ્કૂલમાં રજા હોય છે એ જોતાં સ્કૂલ કાર્યરત હોય ત્યારે સરેરાશ દૈનિક એક ઘટના બની રહી છે.
જ્યારે પણ ગન કલચરને કારણે આવી દુર્ઘટના બને છે ત્યારે વ્હાઇટ હાઉસમાંથી બીબાઢાળ જવાબ જાહેર થાય છે. જેમાં બાઈડેન સરકાર આંકડાનું ઉજળું ચિત્ર રજૂ કરીને એવી હૈયાધારણા આપે કે સરકાર ટૂંક સમયમાં ‘ગન ક્લચર’ નામશેષ કરી નાંખશે, પરંતુ અમેરિકાનો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે લિંકન થી બાઈડેન સુધીમાં એક પણ સરકારે ’ગન ક્લચર’ને ગંભીરતાથી લીધું નથી, કે તેને નાબૂદ કરવા કડક પગલાં પણ લીધા નથી.

અમેરિકાનું બંધારણ જ લોકોને હથિયારો રાખવાનો અધિકાર આપે છે. સરકાર તેમાં ફેરફાર કરે તો પરિવર્તન આવે ને, અમેરિકામાં ૫૧ રાજ્ય છે અને દરેક રાજ્યમાં અલાયદા કાયદા છે. મોટા ભાગનાં રાજ્યોમાં હથિયાર રાખવાની છૂટ છે. ઓટોમેટિક રાયફલ કે મશીનગન માટે પરવાનો લેવો પડે છે પણ પિસ્ટલ, રીવોલ્વર, હેન્ડગન વગેરે કોઈ પણ વ્યક્તિ રાખી શકે છે. કેલિફાર્નિયા, કનેક્ટિકટ, મેસેચ્યુસેટ્સ, ન્યુ જર્સી, વોશિંગ્ટન ડીસી, ન્યુયોર્ક, હવાઈ, વર્જિનિયા અને મેરીલેન્ડ એમ ૯ રાજ્યોમાં હથિયારો રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે, અન્ય ક્ષેત્રોમાં અમેરિકામાં રાઈફલ્સ રાખવાની છૂટ છે. સરકારની આ પરવાનગી જ ગુનાખોરી આચરવાને પ્રોત્સાહન પૂરું પાડે છે.

અમેરિકન મીડિયા તાલિબાન અને પાકિસ્તાનને આતંકવાદનું ઉદ્ગમ કેન્દ્ર કહીને સંબોધે છે પરંતુ તેમના જ રાષ્ટ્રમાં જો બાળકો ઘાતકી હથિયાર સાથે ફરશે તો અમેરિકા ખુદ આતંકવાદનું ગ્રોથ એન્જીન બની જશે.
બ્રિટન બરબાદી ખાઈમાં કેમ ધકેલાઇ ગયું? રાણીબા રાજ પરીવારના ખટપટમાં રચ્યા-પચ્યા રહ્યા, તેમની પાસે સંસદ ભવનમાં થતા ગેરકાયદેસર વ્યહારોને અટકાવવાની સતા હતી પરંતુ પુત્ર અને પતિની નિર્માલ્ય સમસ્યાઓને જ તેમણે પ્રાધાન્ય આપ્યું.

બે દાયકામાં ૪ રાષ્ટ્રપ્રમુખો બદલાયા છતાં ખાડે ગયેલું અર્થતંત્ર બેઠું ન થયું. હવે ઋષિ સુનક ભરોસાની ભેંસ લઈને આવ્યા છે. બ્રિટનની પ્રજા રાહ જોઇને બેઠી છે કે ભેંસ વિકાસરૂપી પાડો જણશે કે અર્થતંત્રને ગોટાળે ચડાવશે! જો અમેરિકા સાથે આવું થશે તો?
બે વર્ષ પૂર્વે અમેરિકાની લોવા કોલેજના એક પ્રોફેસરે આતંકવાદીઓની દૃષ્ટિએ નાઈન ઈલેવન એટલે કે ૧૧-૯-૨૦૦૧ની ન્યૂયોર્ક ટ્રેડ સેન્ટર પરના હુમલા પરનો નિબંધ લખવાનું સૂચવ્યું હતું, જેના પર અમેરિકામાં ભારે ઊહાપોહ થયો હતો.

અધ્યાપક ચાહતા હતા કે સમગ્ર ઘટનાને આતંકવાદીઓની દૃષ્ટિએ સફળ હુમલા તરીકે વિદ્યાર્થીઓ કઈ રીતે દર્શાવે છે તેના પરથી તેમની મલ્ટી ડાયમેન્શનલ બુદ્ધિમત્તાની કસોટી થઈ શકે. આ પ્રકારના અધ્યાપકો તેમની રીતે સાચા હોય તો પણ તેમની પદ્ધતિ અલકાયદાની વિચારધારાને પ્રોત્સાહન આપે છે એમ કહીને લોવા કોલેજના આચાર્યે માફી માંગવી પડી હતી. સોશિયલ મીડિયામાં આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. ત્યારે અમેરિકા શિસ્ત પાલનમાં કોઈ બાંધ છોડ નથી કરતું તેવો દાવો બાઇડેન કરતા હતા. તો શાકભાજીની જેમ હથિયાર કેમ વેચાઈ છે? ક્યાં ગઈ અમેરિકાની શિસ્ત? અન્ય રાષ્ટ્રોમાં થતી ખટપટમાંથી અમેરિકા ઊંચું આવે તો સ્વ તરફ ધ્યાન જાય ને!.
અમેરિકા એ તેની ચંચુપાતની પ્રવૃત્તિ પર અંકુશ રાખીને પોતાના રાષ્ટ્રમાં ફેલાતા ગન કલચરનો ઉકેલ લાવવાની જરૂર છે નહિતર આમેરિકાનું પતન નિશ્ચિત છે.