શાળા સંચાલકો દિવાળી બાદ પ્રાથમિક તબક્કે ધો.૧૦-૧૨ શરૂ કરવા સહમત

સરકારના આદેશ મુજબ દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવા અભિપ્રાયો લેવા દરેક જિલ્લામાં ડીઈઓ દ્વારા સંચાલકો,શિક્ષકો,વાલી મંડળો સાથે મીટિંગો કરવામા આવી રહી છે. ગ્રામ્ય ડીઈઓ અને સીટી ડીઈઓ દ્વારા સંચાલકો સાથે મીટિંગ કરી સૂચનો મંગાવાયા હતા. જેમાં સંચાલકો દિવાળી બાદ પ્રાથમિક તબક્કે ધો.૧૦-૧૨ શરૂ કરવા સહમત છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યના સંચાલકો સાથે તબક્કાવાર મીટિંગો બંને ડીઈઓ દ્વારા કરવામા આવી હતી .જેમાં શાળા સંચાલક મંડળે ડીઈઓને સૂચનો આપ્યા છે અને પોતાના અભિપ્રાયો જણાવ્યા છે.
સંચાલકો દિવાળી બાદ ધો. ૧૦-૧૨ની સ્કૂલો શરૂ કરી દેવા માટે તૈયાર છે અને તમામનો સામાન્ય મત ધો. ૯થી૧૨ અને ખાસ કરીને ૧૦-૧૨ શરૂ કરવા માટે છે પરંતુ બાળકોને સ્કૂલ વાહનમાં કઈ રીતે લાવવા લઈ જવા તેમજ સેનેટાઈઝર-માસ્કની વ્યવસ્થા કઈ રીતે કરવી અને તેનો ખર્ચ કોણ ભોગવશે. રીશેષ રાખવી કે નહી રાખવી તે કેટલી રાખવી તે સહિતની મુંઝવણો પણ રજૂ કરી હતી. આ ઉપરાંત સંચાલકોએ ધોરણ-વર્ગ રોટેશન મુજબ એટલે કે એક દિવસ ધો.૧૦ અને એક દિવસ ધો.૯ અને એક દિવસ ધો.૧૧ તથા એક દિવસ ૧૨ ચલાવવામા આવે તેવો અભિપ્રાય પણ રજૂ કરાયો છે જેથી વિદ્યાર્થી સંખ્યા ૫૦ ટકા થઈ જાય.