આખી ઘટનાનો બોધપાઠ અજબ છે. મુંબઈથી ગોવા જતી લક્ઝૂરિયઝ ક્રૂઝ પર ચાલતી ડ્રગ્સ પાર્ટી પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ ત્રાટકી ને દરોડામાં શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ઝડપાયો તેના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ડ્રગ કનેક્શન ફરી ગાજ્યું છે. ક્રૂઝ પર ધનિકોનાં છોકરાં ભેગાં થઈને પાર્ટી કરવાનાં છે તેની એનસીબીને ૧૫ દિવસ પહેલાંથી જાણ હોવાનું કહેવાય છે. એનસીબીના અધિકારીઓ ક્રૂઝ પર નજર રાખીને બેઠેલા. શનિવારે રાત્રે માલેતુજારોનાં છોકરાં સહિત ૬૦૦ લોકોને લઈને ક્રૂઝ રવાના થયું કે તરત જ એનસીબીવાળા પણ તેમની પાછળ લાગી ગયેલા. મુંબઈ છોડ્યા પછી ક્રૂઝ મધદરિયે પહોંચ્યું એટલે માલેતુજારોનાં છોકરાં ક્રૂઝ પર પહેલેથી નક્કી કરેલી જગાએ આવવા માંડ્યાં ને પાર્ટી શરૂ થઈ કે તરત એનસીબીના અધિકારીઓએ ઘૂસીને રેડ કરી દીધી. આ રેડમાં શાહરુખનો દીકરો પણ હાથે ચડી ગયો તેમાં રેવ પાર્ટીની ચર્ચા આખા દેશમાં થઈ ગઈ છે.
એનસીબીને ક્રૂઝમાંથી જુદા જુદા પ્રકારના ડ્રગ્સ ને ડ્રગ્સ ટેબ્લેટ મળી હોવાનું કહેવાય છે. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું તેની તપાસ ચાલી રહી છે ને એનસીબી બહુ જલદી તેની ચોખવટ કરશે જ. શાહરુખના દીકરા આર્યન પાસેથી ડ્રગ્સ મળ્યું કે નહીં એ નક્કી નથી. એક વાત એવી છે કે, આર્યન ખાનના લેન્સની ડબ્બીમાંથી ડ્રગ્સ મળ્યું છે જ્યારે બીજી વાત એવી છે કે, આર્યન પાર્ટીમાં હાજર હતો ખરો પણ તેણે ડ્રગ્સ નહોતું લીધું. જો કે આર્યન પાસે ડ્રગ્સ હતું કે નહીં એ મુદ્દો મહત્ત્વનો નથી. એ ડ્રગ્સ પાર્ટીમાં હતો એ હવે જગજાહેર વાત છે ને તેના પરથી સ્પષ્ટ છે કે, આર્યનનો પગ કુંડાળામાં પડી ગયો છે. સવારે રેવ પાર્ટીના સમાચાર આવ્યા ત્યારે તો શાહરુખનો દીકરો ઝડપાયો છે એ વાત પણ બહાર નહોતી પડાઈ. બપોરે એનસીબીએ જ સત્તાવાર રીતે કહી દીધું કે, આઠ લોકોની અટકાયત કરાઈને પૂછપરછ થઈ રહી છે ને તેમાં એક શાહરુખનો દીકરો આર્યન પણ છે.
એનસીબીએ સત્તાવાર રીતે કોની પૂછપરછ કરાઈ રહી છે તેમનાં નામ પણ આપ્યાં છે તેથી શાહરુખનો દીકરો વાંકમાં છે તેમાં કોઈ શંકા નથી. જો કે શાહરુખનો દીકરો પકડાયો તેથી તેને કંઈ થશે એવી આશા રાખવા જેવી નથી. તેનું કારણ એ કે, એનસીબીની ટીમે આર્યન ખાનની ધરપકડ કરી નથી પણ અટકાયત કરી છે. એનસીબીએ આર્યનની ધરપકડ કરાશે કે નહીં એ પણ ફોડ પાડ્યો નથી પણ જેમની પણ પૂછપરછ થઈ રહી છે તેમનાં નિવેદનોના આધારે શું કરવું એ નક્કી કરીશું એવું કહ્યું છે. આ વાતનો અર્થ શો ? એ જ કે એનસીબીએ કુલડીમાં ગોળ ભાંગવાનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. શાહરુખનો દીકરો દોષિત છે કે નહીં એવું આપણાથી ના કહી શકાય પણ ક્રૂઝ પરથી ડ્રગ્સ મળ્યા પછી કોઈની ધરપકડ ના કરાય ને માત્ર અટકાયત કરીને પૂછપરછ કરવાની રમત રમાયા કરે એ કેવું ?
આ રમત કેમ રમાય છે એ પણ સમજવા જેવું છે. જેમની અટકાયત કરાઈ છે તેમાં દિલ્હીના ત્રણ બિઝનેસમેનની દીકરીઓ હોવાનું પણ કહેવાય છે. બીજાં જે પણ છે એ બધાં પણ પૈસાદાર બાપની ઓલાદ જ હશે કેમ કે એ સિવાય કોઈને આ મોંઘાદાટ ક્રૂઝ પર જવાનું પરવડે એમ જ નહોતું. ક્રૂઝની એન્ટ્રી ફી એંસી હજારથી શરૂ કરીને પાંચ લાખ રૂપિયા લગી હતી. સામાન્ય માણસની વાત છોડો પણ ઉચ્ચ મધ્યમ વર્ગનું પણ આટલા રૂપિયા ખર્ચવાનું ગજું નથી તેથી ડીપ પોકેટેડ એટલે કે જેમનાં ગજવાં નોટોથી લથબથ હોય એનાં લોકો જ ક્રૂઝ પર હતા. આ લોકોને જ પાર્ટી કરવાનો સણકો હતો ને એનસીબી દ્વારા એવા લોકોની જ અટકાયત કરાઈ છે.
આપણે ત્યાં જેની પાસે પૈસો છે ને પાવર છે એ કંઈ પણ કરી શકે છે.
આ આપણો વરસોનો અનુભવ છે ને તેના આધારે કહી શકાય કે, શાહરુખના દીકરાનો પગ ભલે કુંડાળામાં પડ્યો હોય પણ તેને કંઈ ના થાય એવું બની શકે. બલકે આર્યનની સાથે પકડાયેલા કોઈને પણ કંઈ ના થાય એવું પણ બને. શાહરુખની સાથે જેમની અટકાયત કરાઈ છે એ સાત લોકો કોણ છે તેની આપણને ખબર નથી. શાહરુખ ફિલ્મ સ્ટાર છે ને તેનું મોટું નામ છે તેથી આપણે તેને ઓળખીએ પણ આર્યન સાથે મસ્તી કરનારા બીજા છોકરા-છોકરીઓનાં મા-બાપ શાહરુખ કરતાં મોટી તોપ હોય એવું પણ બને. એ લોકો પોતાનાં સંતાનોને છોડાવવા પૂરી તાકાત લગાવી જ દે તેમાં શંકા નથી. શાહરુખે પોતે દીકરાને બચાવવા સવારથી બે મોંઘાદાટ વકીલોને એનસીબીની ઑફિસે બેસાડી દીધા છે એ જોતાં બીજાં છોકરા-છોકરીઓનાં મા-બાપ પણ મથતાં જ હોય. જ્યાં પણ છેડા અડતા હોય ત્યાં અડાડીને પોતાનાં સંતાનોને બચાવવા મચી જ પડ્યાં હોય.
એનસીબી કેન્દ્ર સરકારની એજન્સી છે પણ સીબીઆઈ હોય કે એનસીબી હોય કે સ્થાનિક પોલીસ હોય, બધા સત્તામાં બેઠેલા લોકોના પાળેલા પોપટ છે એ કહેવાની જરૂર નથી. આપણે ત્યાં દરેક તપાસ એજન્સીનો ઈતિહાસ કલંકિત છે ને તેમાંથી એનસીબી પણ બાકાત નથી. પરંતુ એનો ઈતિહાસ પણ બહુ વખાણવા જેવો નથી જ. એનસીબીએ સુશાંતસિંહ રાજપૂત કેસમાં શું કરેલું ને છેવટે શું થયું એ આપણી નજર સામે છે. છ મહિનાની હોહા પછી બધા છૂટી ગયેલા. એનસીબીએ રાષ્ટ્રપ્રેમનું કામ કરતાં હોય એવો માહોલ પેદા કરી દીધેલો ને છેવટે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર જેવો ઘાટ થયેલો. આ કેસમાં પણ એનસીબી હોહા કરીને વાતનો વીંટો વાળીને એવું કરી નાખે એવી શક્યતા ખરી. શાહરુખના દીકરાનો કેસ બીજો સુશાંતસિંહ રાજપૂત કેસ બને એવી સંભાવના પૂરી છે.
જો કે સામે શાહરુખ ખાનનો દીકરો આર્યન લાંબો થઈ જાય એવું પણ બને કેમ કે આપણે ત્યાં આ પ્રકારના હાઈ પ્રોફાઈલ કેસો બહુ ઝડપથી રાજકીય રંગ પકડી લેતા હોય છે. કેન્દ્રમાં અત્યારે ભાજપની સરકાર છે ને શાહરુખ ખાન ભાજપનો પ્રસંશક નથી એ કહેવાની જરૂર નથી. શાહરુખ ભૂતકાળમાં મોદી સરકારમાં અસિહષ્ણુતા વધી છે એ પ્રકારનાં નિવેદન આપીને ભાજપના નેતાઓનો ખોફ વહોરી ચૂક્યો છે. હવે પોતાનો વારો આવ્યો છેે. આ સંજોગોમાં આર્યન ખાનની અટકાયત પછી ધરપકડ થાય ને એ પોતાના માલેતુજાર દોસ્તો સાથે જેલની હવા ખાતો થઈ જાય એ પણ શક્ય છે.
એનસીબી શું કરશે એ કહેવું મુશ્કેલ છે પણ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ગાજવા માંડ્યો છે ને હજુ વધારે ગાજશે એ નક્કી છે. તેનું કારણ એ કે, હિંદુવાદી સંગઠનો માટે શાહરુખ ફેવરિટ પંચિંગ બેગ છે. શાહરુખ મુસ્લિમવાદ ચલાવે છે ને પોતાની કમાણી મુસ્લિમ દેશોમાં મોકલી આપે છે એ પ્રકારનું જ્ઞાન હિંદુવાદી સંગઠનોની મહેરબાનીથી વોટ્સએપ યુનિવર્સિટી પર છૂટથી પિરસાય છે. આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દિલીપ કુમાર જેવાને નહોતા છોડ્યા તો શાહરુખને છોડે એ વાતમાં માલ જ નથી. શાહરુખની સોશિયલ મીડિયા પર ધોલાઈનાં ટ્રેલર રવિવારથી જ જોવા મળવા માંડ્યાં છે. સોમવારથી તેમાં તેજી આવશે ને આખું અઠવાડિયું હવે આ મુદ્દો સોશિયલ મીડિયા પર ચાલશે એ નક્કી છે.
આ કેસમાં જે પણ થશે તેની ખબર પડી જ જશે પણ આપણે બીજી એક વાત વિચારવા જેવી છે. ભારતમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે એ કહેવાની જરૂર નથી. આર્યન બડે બાપ કી ઔલાદ છે તેથી એ પકડાયો એ કિસ્સો બહુ ચગ્યો, બાકી નાનું-મોટું ડ્રગ્સ પકડાય કે ડ્રગ્સ પાર્ટી પર દરોડા પડે એવી તો સંખ્યાબંધ ઘટનાઓ રોજ બને છે. હમણાં ગુજરાતમાં તો ૨૧ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સના ઉત્પાદન, વેચાણ ને વિતરણ પર સંપૂર્ણ પાબંદી છે છતાં આ ડ્રગ્સ ક્યાંથી આવે છે એ સવાલ મહત્ત્વનો છે. આપણે કોઈ પણ દૂષણ માટે વિદેશ પર ને ખાસ તો પાકિસ્તાન પર દોષનો ટોપલો ઢોળીને હાથ ખંખેરી નાખીએ છીએ પણ પાકિસ્તાન ભારતમાં ડ્રગ્સ કઈ રીતે ઘૂસાડી જાય છે એ વિચારતા નથી. આપણે આ સમસ્યાના મૂળ સુધી પહોંચતા નથી. તેના કારણે ડ્રગ્સનો ભરડો વધતો જાય છે, આપણા યુવાનો ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થતા જાય છે.