શાહિદ કપૂરે ફિલ્મ જર્સીનું શૂટિંગ પૂર્ણ કર્યું

બોલિવૂડના એકટર શાહિદ કપૂરની આગામી ફિલ્મ છે જર્સી. ક્રિકેટ પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ખુદ શાહિદે જ આ બાબતની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. તેલુગુ ભાષામાં આવેલી જર્સી નામની જ ફિલ્મની આ રિમેક છે. આ ફિલ્મનું શૂટિંગ ચંદીગઢ, કસૌલી અને દહેરાદુનમાં થયું હતું.
ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ શાહિદ કપૂરે આ અંગે માહિતી આપવાની સાથે સાથે સમગ્ર ટીમનો આભાર પણ માન્યો હતો. શાહિદે સોશિયલ મીડિયા પર એક ખાસ ફોટો પોસ્ટ કર્યો હતો અને ટીમનો આભાર માન્યો હતો. આ ફોટોમાં શાહિદ એક ક્રિકેટ મેદાનમાં ઉભેલો જોવા મળે છે.
તેણે લખ્યું હતું કે આ જર્સીનો રેપ છે. કોરોનાકાળમાં ૪૭ દિવસનું શૂટિંગ. આ અવિશ્ર્વસનીય છે. મને આખી ટીમ પર ગર્વ છે. આ ચમત્કાર જ છે. દરરોજ સેટ પર આવવું, પોતાની જાતને જોખમમાં મૂકવી અને જે મનમાં આવે તે કરવું આ તમામ બાબત માટે ટીમના તમામ સદસ્યનો આભાર.
તેણે ઉમેર્યું હતું કે મેં ક્યારેય કોઈ ફિલ્મના આત્મા સાથે લગાવ બાંધ્યો હોય તો તે આ ફિલ્મ છે. આ વખતે આપણે તમામ આ મહામારી સામે લડી રહૃાા છીએ. પણ યાદ રાખજો આ સમય પણ વીતી જશે.