શાહીબાગ વિસ્તારમાં શરૂ કરાઈ હોર્સ રાઈડીગ કલબ

અમદાવાદના ઘોડા કેમ્પ ખાતે હોર્સ રાઈડીગ કલબ શરૂ કરવામાં આવી છે. અહીં સામાન્ય ફીમાં કોઈપણ નાગરિક ઘોડો ચલાવતાં શીખી શકશે, જેના માટે ત્રણ મહિનાની તાલીમ પણ આપવાની જાહેરાત કરાઈ છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા ઘોડા કેમ્પમાં શુક્રવારે પોલીસ હોર્સ રાઇડિંગ કલબ શરૂ કરવામાં આવી છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લીલી ઝંડી બતાવી લેગ ઓફ કરાવી આ ક્લબનું ઉદઘાટન કર્યું હતું. ત્રણ મહિનાની એક બેન્ચ શરૂ કરવામાં આવી છે. ત્રણ ત્રણ મહિનાની તાલીમ આપવામાં આવશે. એક બેન્ચમાં ૧૦ જેટલા હોર્સ રાઈડરને તાલીમ આપવામાં આવશે.

રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પહેલા આ ઘોડાકેમ્પમાં ટ્રેનીંગ ચાલતી હતી. પરંતુ વચ્ચે બંધ કરી દેવાઈ હતી. જેને પણ અશ્ર્વની તાલીમ લેવી હોય તેઓએ ફોર્મ ભરી જે રીતે બેન્ચ ફળવાય તેમ તાલીમ મળશે. આ હોર્સ રાઇડિંગ ક્લબથી ૭ લોકો તાલીમ લઈ રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. શુક્રવારથી ફરી એકવાર કલબ શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના જમાનામાં વ્યાયામ, યોગ અને સ્પોર્ટ્સ એક્ટિવિટી ઘટે છે. તેમાં હોર્સ રાઈડીગ તાલીમ મેળવશે તેનું ઘડતર થશે. સાચા અર્થમાં પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ બંધાશે. પોલીસે કોરોનામાં લોકોની વચ્ચે રહી ખૂબ જ સારું કામ કર્યું છે.

ફ્રન્ટ વોરિયર તરીકે કામ કર્યું છે. હોર્સ રાઈડીગ પણ પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ બનશે. અશ્ર્વ તાલીમના માધ્યમથી જે યુવક- યુવતી હોર્સ રાઈડીગ કરવા ઇચ્છતા હોય તેઓ જોડાઈ શકે છે. રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, પોલીસ દળમાં ૬૦૦ અશ્ર્વો સામેલ છે. ૧૩ જિલ્લામાં આ રાઈડીગ સ્કૂલ શરૂ કરવામાં આવશે. નોર્મલ ફી રાખવામા આવી છે અને બેઝિક તેમજ એડવાન્સ તાલીમ આપવામાં આવશે. ૧૩૫ નવા અશ્ર્વો ખરીદવામાં આવશે જેમાં ૫૦ જેટલા અશ્ર્વો ખરીદાઈ ગયા છે.