મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે કરેલા બળવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે ને એ સાથે જ આ મામલામાં ટેબ્લો પડી ગયો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ સીતારામ ઝીરવાલે બળવો કરનારા શિંદે સહિતના ૧૬ ધારાસભ્યોને ગેરલાયક કેમ ના ઠેરવવા તેનો જવાબ આપવા નોટિસ ફટકારેલી. શિંદે સહિતના ધારાસભ્યોએ સોમવાર સુધીમાં જવાબ આપવાનો હતો તેથી રઘવાયા થયેલા શિંદે સુપ્રીમ કોર્ટની શરણમાં પહોંચેલા.
સુપ્રીમ કોર્ટે શિંદે સહિતના ધારાસભ્યોને રાહત આપીને ૧૧ જુલાઈએ સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં જવાબ આપવા કહ્યું છે. મતલબ કે, ૧૧ જુલાઈની સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ડેપ્યુટી સ્પીકર શિંદે કે બીજા ૧૫ ધારાસભ્યોને ગેરલાયક એ હવે પછી સુનાવણી રાખી છે. વચ્ચેના ગાળામાં વિધાનસભામાં વિશ્ર્વાસનો મત લેવા સામે મનાઈ હુકમ આપવા અરજી થયેલી પણ સુપ્રીમ કોર્ટે એ અંગે કોઈ આદેશ આપ્યો નથી પણ એટલો સધિયારો આપ્યો છે કે કોઈ પણ નવું પગલું ભરાય તો તરત સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવામાં સંકોચ ન રાખવો.
સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યો તથા તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડવા પણ ફરમાન કર્યું છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે સુપ્રીમની બધી વાતો માનીને બાંહેધરી આપી છે તેનો મતલબ એ થયો કે, ૧૧ જુલાઈ સુધી કશું નહીં થાય. શિંદે આણી મંડળી અને ઉદ્ધવ ઠાકરેની છાવણી બંને પોતપોતાની રીતે દાવપેચ કર્યા કરશે પણ કોઈ પગલું નહીં ઉઠાવે.
રાજકારણમાં ક્યારે શું થાય એ કહેવાય નહીં એ જોતાં વચ્ચે અચાનક નવો ફણગો ફૂટે એવું બનવાની પૂરી ધાસ્તી છે પણ અત્યારે જે ચિત્ર છે એ જોતાં વાત ૧૧ જુલાઈ સુધી ટળી છે. હવે સુપ્રીમ કોર્ટમાં ૧૧ જુલાઈએ સુનાવણી કરાશે ત્યારે શું થાય છે એ જોવાનું રહે છે. સુપ્રીમના આદેશથી શિંદેની છાવણીને રાહત થઈ છે તેમાં શંકા નથી. શિવસેનાએ પહેલાં શિંદે સહિત ૧૨ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અરજી કરેલી ને પછી બીજા ચાર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા ડેપ્યુટી સ્પીકર નરહરિ સીતારામ ઝીરવાલ સામે ધા નાખી હતી. શિવસેનાએ બળવા પછી તરત પોતાના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવેલી. આ બેઠકમાં હાજર રહેવા વ્હીપ અપાયેલો પણ શિંદે સહિતના ધારાસભ્યો હાજર નહોતા રહ્યા. આ મુદ્દે ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અરજી કરાઈ હતી.
મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ સીતારામ ઝીરવાલ કેન્દ્રસ્થાને છે ને એ ધારે તો શિંદે ગ્રુપનું પડીકું કરી શકે. મહાવિકાસ આઘાડીની સરકાર રચાઈ ત્યારે કૉંગ્રેસના નાના પટોળે સ્પીકર બનેલા. ગયા વરસે નાના પટોળે મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ નિમાતાં તેમણે સ્પીકરપદેથી રાજીનામું આપી દીધેલું. વચ્ચે કોરોના આવી ગયો તેથી નવા સ્પીકરની ચૂંટણી થઈ નથી એટલે ડેપ્યુટી સ્પીકર ઝીરવાલ જ કાર્યકારી સ્પીકર છે ને કર્તાહર્તા છે.
ઝીરવાલ એનસીપીના છે અને શરદ પવાર ઉદ્ધવના પડખે છે તેથી શિંદે આણિ મંડળીનો ખેલ બગાડી નાખે તેમાં શંકા નથી. શિવસેનાએ એકનાથ શિંદે સહિતના ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અરજી કરી કે તરત ઝીરવાલ એક્શનમાં આવી ગયેલા. તેમણે તરત જ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની નોટિસ ફટકારી દીધી. ઝીરવાલે વિધાનસભામાં શિવસેનાના નેતાપદે એકનાથ શિંદેના સ્થાને અજય ચૌધરીની વરણીની અરજીને પણ તાત્કાલિક મંજૂરી આપી દીધી.
બીજી તરફ શિવસેનાની અરજી પહેલાં એકનાથ શિંદેએ પોતાને ૩૪ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરતો પત્ર ઝીરવાલને મોકલ્યો હતો. શિંદેએ શિવસેનાના ચીફ વ્હીપ સુનીલ પ્રભુને હટાવીને ભરત ગોગાવલેને ચીફ વ્હીપ બનાવાયા હોવાની જાણ પણ ઝીરવાલને કરી હતી. ઝીરવાલે આ બંને અરજી અંગે કોઈ નિર્ણય લીધો નહીં પણ શિવસેનાની બંને અરજી પર નિર્ણય લઈ લીધો.
શિંદે સહિતના ધારાસભ્યોને અપાયેલી નોટિસ અંગે સોમવારે સાડા પાંચ વાગ્યા સુધી પણ ગુવાહાટીમાં ભેરવાયેલા ધારાસભ્યો જવાબ આપી શકે તેમ નહોતા. આ સંજોગોમાં ઝીરવાલ શિવસેનાની અરજી સ્વીકારીને શિંદે સહિતના ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી દે તેમાં મીનમેખ નહોતો. આ પગલું ભરાય એ સાથે શિંદેનો ખેલ ખતમ થઈ જાય કેમ કે બાકીના ધારાસભ્યો ફફડીને પાછા ઉદ્ધવની છાવણીમાં જતા રહે. સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોમાં એ ફફડાટ ના થાય એવો બંદોબસ્ત કરી દીધો છે તેથી શિંદેને રાહત થઈ છે.

સુપ્રીમ કોર્ટે શિંદેને રાહત આપી દીધી પણ આ નિર્ણયે વિધાનસભાના સ્પીકરની સત્તા સર્વોપરિ કે સુપ્રીમ કોર્ટ સર્વોપરિ એ સવાલ ફરી પેદા કરી દીધો છે. લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી ધારાસભા એટલે કે સંસદ અને વિધાનસભા સર્વોપરિ મનાય છે. સુપ્રીમ કોર્ટનું કામ બંધારણના અર્થઘટનનું છે અને બંધારણનો ભંગ થાય તો તેની વિરુદ્ધ ચુકાદા પણ આપવાનું છે.
બીજી તરફ લોકસભા અને વિધાનસભાના સ્પીકર્સને ઘણા વિશેષાધિકાર અપાયેલા છે. તેમની પાસે પોતાની રીતે નિર્ણય લેવાની સત્તા છે. આ સત્તા અમર્યાદિત નથી પણ સ્પીકરને પોતાને ગમે એવો નિર્ણય લેવાનો અધિકાર તો મળેલો જ છે.

આ નિર્ણય બંધારણીય રીતે યોગ્ય ના હોય તો સુપ્રીમ કોર્ટ તેને અયોગ્ય ઠેરવી શકે પણ આ કિસ્સામાં સ્પીકરે કોઈ નિર્ણય લીધો નથી છતાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સ્પીકરે બંધારણીય જોગવાઈ પ્રમાણે બળવાખોર ધારાસભ્યોને નોટિસ ફટકારી છે કે નહીં એ મુદ્દાને સ્પર્શ્યા વિના સુપ્રીમ કોર્ટે શિંદે સહિતના ધારાસભ્યોને જવાબ આપવા અપાયેલી મુદત વધારી દીધી છે.
ડેપ્યુટી સ્પીકરે આપેલી નોટિસ યોગ્ય ના હોય ને બંધારણીય જોગવાઈ પ્રમાણે ના હોય તો સુપ્રીમ કોર્ટે તેને રદ કરવી જોઈએ. અથવા કમ સે કમ મનાઈ હુકમ આપવો જોઈએ પણ એવું કરવાના બદલે સુપ્રીમ કોર્ટે મુદત લંબાવી છે. સુપ્રીમ કોર્ટના આદેશનો અર્થ એ થાય કે, આ બળવાખોર ધારાસભ્યોએ ક્યાં સુધીમાં જવાબ આપવો એ નક્કી કરવાની સત્તા પણ સ્પીકર પાસે નથી. એ પણ સુપ્રીમ કોર્ટ નક્કી કરવાની હોય તો સ્પીકરનું કામ શું એ સવાલ થાય છે. આ સવાલનો જવાબ કદી નથી મળવાનો કેમ કે ભારતમાં બંધારણ કોરાણે મુકાતું જાય છે, રાજકીય હિતો મહત્ત્વનાં બનતાં જાય છે.