શું ખરેખર આયુર્વેદના આપણા દેશી ઉપચારોથી કોરોના દૂર થઈ શકે છે?

કોરોનાએ હજુ પોરો ખાધો નથી ને ભારત સહિતના ઘણા કોરોનાના થોકબંધ કેસો આવતા જ જાય છે. કોરોનાનો ઈલાજ શોધવાની મથામણ પૂરજોશમાં ચાલી રહી છે. દુનિયામાં મેડિકલ સાયન્સમાં મોભી કહેવાય એવા દેશો કોરોનાની દવા ને રસી શોધવામાં પડ્યા છે ને જાત જાતનાં સંશોધન થયા કરે છે. બીજી તરફ આપણે હજુય બાવા આદમના જમાનામાં જીવીએ છીએ ને કોરોનાને ભગાડવા માટે આપણે હજુય આયુર્વેદ ને યોગનો ઘૂઘરો વગાડ્યા કરીએ છીએ તેની સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએએ)એ બાંયો ચડાવી છે. નરેન્દ્ર મોદી સરકારના આરોગ્ય મંત્રાલયે બે દાડા પહેલાં કોરોના મહામારીની સારવાર માટે જે નવો પ્રોટોકલ જાહેર કર્યો તેમાં સત્તાવાર રીતે આયુર્વેદ અને યોગનો સમાવેશ કર્યો છે.

આરોગ્ય મંત્રાલયે મંગળવારે કોરોનાની સારવાર માટે યોગ અને આયુર્વેદ આધારિત પ્રોટોકોલ જાહેર કર્યો તેની સામે મેડિકલ એસોસિએશન મેદાનમાં આવ્યું છે. એસોસિએશને આયુર્વેદ અને યોગથી કઈ રીતે કોરોનાના દર્દીઓ સાજા થઈ શકે એવો સવાલ કર્યો છે. સાથે સાથે યોગ અને આયુર્વેદથી કઈ રીતે કોરોનાના દર્દીઓની સારવારમાં સફળ થયા છે તેના પુરાવા લોકો સામે મૂકવા પણ માગણી કરી છે. મેડિકલ એસોસિએશને સીધા શબ્દોમાં નથી કહ્યું પણ આડકતરી રીતે સરકારના દાવાને પડકારી દીધો છે.

આરોગ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટે યોગ અને આયુર્વેદ આધારિત પ્રોટોકોલ જાહેર કર્યો તેમાં કહેલું કે, રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો કોરોનાને ફેલાતો અટકાવી શકાય છે અને આયુર્વેદ તથા યોગ મારફતે ઈમ્યુનિટી વધારી શકાય છે તેથી યોગ-આયુર્વેદનો સત્તાવાર રીતે કોરોના સામે લડવા માટેની સારવારમાં સમાવેશ કરાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પોતે કોવિડના મેડિકલ મેનેજમેન્ટ માટે આયુર્વેદિક ઔષધિઓ અને યોગ આધારિત આ પ્રોટોકોલ જાહેર કરેલો.

આ પ્રોટોકોલમાં કોરોના વાઈરસ સંક્રમણને રોકવા અને હળવા લક્ષણો તથા લક્ષણ ન હોય તેવા કેસોની સારવાર માટે અશ્ર્વગંધા અને આયુષ-64 જેવી ઔષધિઓ લેવાની સલાહ અપાઈ છે. આયુર્વેદ અને યોગ આધારિત રાષ્ટ્રીય ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલમાં લોકોને અશ્ર્વગંધા, ગુડુચી, પીપ્પલી વગેરેનું સેવન કરવાની, ગુડુચી ઘનવટી અને ચ્યવનપ્રાશ જેવી ચીજો તથા અના તેલના ઉપયોગની સલાહ આપી છે. આ પ્રોટોકોલમાં વધુ જોખમવાળા લોકો અને દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની સારવાર માટે અશ્ર્વગંધા, જેવી ઔષધિઓના ઉપયોગનું સૂચન કરાયું છે. આ સિવાય બીજી પણ ઘણી વાતો કરાઈ છે ને તેનો અર્થ એ થાય કે, યોગ અને આયુર્વેદ કોરોનાથી બચાવવામાં સક્ષમ છે.

મેડિકલ એસોસિએશનને આ બધી વાતો સામે વાંધો પડ્યો છે ને આ વાત બિલકુલ વ્યાજબી છે કેમ કે આરોગ્ય મંત્રાલય સાવ બેજવાબદારીભર્યું વર્તન કરીને બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું છે. આયુર્વેદ એક સારવાર પદ્ધતિ છે તેથી એ કોરોનાની સારવારામં અક્સીર છે કે નહીં તેની ચકાસણી કરી શકાય પણ યોગ તો સારવાર પદ્ધતિ જ નથી ત્યારે તેને કઈ રીતે કોરોના જેવા ખતરનાક રોગની સારવાર માટે અસરકારક ગણી શકાય એ સવાલ છે. યોગ તો એક પ્રકારની માનસિક અને શારીરિક કસરત છે. આ તો મોદીએ યોગ દિવસની ઉજવણી શરૂ કરાવી તેમાં આપણે અહો અહો થઈ ગયા છીએ ને યોગનાં ગુણગાન ગાતા થાકતા નથી. બાકી હજુ દાયકા પહેલાં કોઈ યોગને પૂછતું પણ નહોતું. યોગ શરીર માટે સારા છે તેની ના નથી પણ તેનાથી કોઈ રોગનો ઈલાજ કરવાની વાત ગધેડાને તાવ આવે એવી છે.

સારવારની બાબતમાં આયુર્વેદને યોગ કરતાં ચોક્કસ ઉપર મૂકી શકાય પણ આયુર્વેદ પણ કોરોનાનો ઈલાજ કરી શકે છે એવી વાત હજુ થોડીક અધ્ધરતાલ જ કહેવાય. આયુર્વેદ એક પદ્ધતિસરનું સારવાર માટેનું શાસ્ત્ર છે પણ એ સામાન્ય તકલીફો માટે બરાબર છે. મોટા રોગોમાં આયુર્વેદ નથી જ ચાલતુ. આ દેશમાં કેન્સર કે બીજા અસાધ્ય રોગોનો ઈલાજ કોઈ આયુર્વેદથી કરાવતું નથી. તેનું કારણ એ કે આયુર્વેદની એક મર્યાદા છે. આયુર્વેદ સદીઓ જૂનું શાસ્ત્ર છે પણ તેમાં એલોપથીની જેમ સતત સંશોધનો વ્યાપક પ્રમાણમાં થતાં નથી તેથી નવા રોગોનો સારવાર કરવાની આયુર્વેદમાં ક્ષમતા નથી. કેન્સર સહિતના રોગોનાં લક્ષણો જાણીતાં છે ને એલોપથી પાસે તો તેની સારવાર પણ છે જ્યારે કોરોના વિશે તો એલોપથીને પણ કંઈ ખબર નથી ત્યારે આયુર્વેદથી તેની સારવાર કરવાની વાત જ અનિયત કહેવાય.

મેડિકલ એસોસિએશને ઉઠાવેલો એ મુદ્દો પણ વ્યાજબી છે કે કોઈ પણ પ્રકારના ટ્રાયલ વિના કે પુરાવા વિના કઈ રીતે તમે યોગ કે આયુર્વેદને કોરોનાની સારવાર સામે સફળ ગણાવી શકો ? કોરોનાની રસી કે દવા હજુ સુધી શોધાઈ નથી. સંખ્યાબંધ ટ્રાયલ પછી પણ મેડિકલ સંશોધકોને સંતોષ થતો નથી ને એ બરાબર પણ છે કેમ કે કોરોનાની રસી બનાવવી એ ખાવાના ખેલ નથી, બલ્કે કોઈ પણ રસી બનાવવી એ ખાવાના ખેલ નથી. પૂરતા પુરાવા પછી જ કોઈ પણ ઉપચારને અક્સીર ગણાવી શકાય એ મેડિકલનો સિદ્ધાંત છે. આપણા આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન જાણીતા સર્જન છે ને એલોપથીના નિષ્ણાત છે પણ કમનસીબે એ પણ ઝીંકાઝીંકના રવાડે ચડી ગયા છે.

આરોગ્ય મંત્રાલયની યોગ ને આયુર્વેદથી સારવાર કરવાની વાત પાછી ડાહી સાસરે ના જાય ને ગાંડીને શિખામણ આપે એવી છે. મોદી સરકાર પોતે સામાન્ય લોકોને કોરોનાનો ઈલાજ યોગ ને આયુર્વેદથી કરવાની સલાહ આપે છે ને મોદી સરકારના પોતાના મંત્રીઓ કોરોનાનો ભોગ બને ત્યારે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર લેતા નથી. મોંઘીદાટ ને આલિશાન ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા જાય છે. યોગ ને આયુર્વેદથી કોરોના મટી જતો હોય તો અમિત શાહ શું કરવા ગુરુગ્રામની આલિશાન હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલા ? આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને દેશના શ્રેષ્ઠ યોગ ને આયુર્વેદ નિષ્ણાતોને બોલાવીને તેમનો ઈલાજ કેમ ના કરાવ્યો ?

અમિત શાહ ઉપરાતં પીયૂષ ગોયલથી માંડીને નીતિન ગડકરી સુધીના ઘણા પ્રધાનો કોરોનાનો ભોગ બન્યા છે. આમાંથી કોઈએ યોગ ને આયુર્વેદની સારવાર કરાવી હોય એવું સાંભળ્યું ? બધા એલોપથીના ડોક્ટરો પાસે દોડે છે ને સારવાર કરાવે છે. ટૂંકમાં આ બધું જ્ઞાન ને આપણા ભવ્ય વારસાની વાતો સામાન્ય લોકો માટે જ છે. મિનિસ્ટર્સ ને નેતાઓને તો સારવાર હોય કે બીજું કંઈ હોય, બધું પશ્ર્ચિમનું જ જોઈએ.

આરોગ્ય મંત્રાલયે યોગ અને આયુર્વેદથી સારવાર કરવાની જે વાત કરી છે એ મોદીએ કોરોનાના કારણે લોકડાઉન લાદવું પડ્યું ત્યારે કહેલી બહુ મહત્ત્વની વાતનો છેદ ઉડાડનારી પણ છે. નરેન્દ્ર મોદી સરકારે કોરોનાના ખતરાને ગંભીરતાથી લઈને રાષ્ટ્રીય મહારોગ જાહેર કરી દીધેલો કે જેથી લોકોના મગજમાં કોઈ શંકા ના રહે કે કોરોનાને ગંભીરતાથી લેવાનો છે. મોદીએ એ પછી લોકોને સલાહ પણ આપેલી કે, કોરોના સામેની લડતમાં મેડિકલના નિષ્ણાતો કહે એ જ રસ્તા અજમાવવાના ને આ બધા ઊંટવૈદો કહે એ વાત નહીં માનવાની.

મોદીએ એ સલાહ આપવી પડેલી કેમ કે તેમને ખબર છે કે, આપણી પ્રજામાં મહાજ્ઞાનીઓની સંખ્યા બહુ મોટી છે. કંઈ પણ સમસ્યા સર્જાય ત્યારે સાંધાની સૂઝ ના પડતી હોય એવા લોકો પણ નિષ્ણાત બનીને કૂદી પડતા હોય છે ને સલાહોનો એવો મારો ચલાવે છે કે આપણું મગજ બહેર મારી જાય. કોરોનાના કિસ્સામાં પણ એવું થયેલું જ. કોરોનાને કઈ રીતે રોકી શકાય તેની કોઈને ખબર નહોતી. અમેરિકા અને જાપાન સહિતના દુનિયાના વિકસિત દેશ પણ કોરોના સામે લડવા શું કરવું તે મુદ્દે ફાંફાં મારતા હતા ત્યારે આપણે ત્યાં કોરોના કઈ રીતે અસર ના કરે તેની સલાહોનો ધોધ વહેવા માંડેલો. બાબા રામદેવથી માંડીને પાનના ગલ્લે ઊભા રહીને એકસસો વીસનો માવો મસળી ખાતા રામભાઈ સુધીના બધા પાસે કોરોનાનો ઈલાજ હોય એ રીતે વાતો કરતા હતા. બાબા રામદેવે તો કોરોનાના કારણે ફફડેલાં લોકોને ખંખેરી લેવા માટે રસી શોધ્યાનો બોગસ દાવો કરીને જૂની દવા રસીના નામે લોકોને ભડકાડવા પણ માંડેલી.

આપણે ત્યાં એક એવી જમાત છે કે જેને કોઈ પણ સમસ્યાનો ઉપાય ગૌમૂત્ર અને ગોબરમાં દેખાય છે. એ જમાતે કોરોનાથી બચવા માટે ગૌમૂત્ર પીવો અને ગોબર ખાઓ એવું જ્ઞાન થોકબંધ પ્રમાણમાં પિરસવા માંડ્યું હતું. બાબા રામદેવની પિન કપાલભારતી પર ચોંટેલી છે તેથી એ તેનાં ગુણગાન ગાતા હતા. રામદેવ આયુર્વેદના નિષ્ણાત હોવાનો દાવો કરે છે તેથી તેના નુસખા પણ તેમણે બતાવવા માંડ્યા હતા. વોટ્સએપ યુનિવર્સિટીના નિષ્ણાતો વળી એવા એવા નુસખા બતાવતા હતા કે સાંભળીને ચકરાઈ જવાય.મોદી આ બધી વાતોથી વાકેફ છે તેથી લોકો ઊંધા રસ્તે ન વળે એટલે તેમણે લોકોને મેડિકલ નિષ્ણાતો સિવાય બીજા કોઈની વાત નહીં માનવા ચેતવેલા. હવે તેમની સરકાર જ તેમની વાત નથી માનતી