શુક્ર અસ્તના હોય ત્યારે પ્રણયમાર્ગે અવરોધ આવતા જોવા મળે

તા. ૬.૧૦.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૮ આસો સુદ અગિયારસ, ધનિષ્ઠા  નક્ષત્ર, શૂળ   યોગ, બવ  કરણ આજે સવારે ૮.૨૯ સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિ મકર (ખ,જ)  ત્યારબાદ કુંભ (ગ ,સ,શ ) .

મેષ (અ,લ,ઈ) : આવકમાં  મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
કર્ક (ડ,હ)  : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ  ટાળવી.
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

ગઈકાલે આપણે જોયું કે ભોગ વિલાસ, આનંદ-પ્રમોદ અને કલા-શૃંગારના ગ્રહ શુક્ર મહારાજ ૨ ઓક્ટોબરથી ૨૦ નવેમ્બર સુધી સૂર્યની નજીક હોવાથી અસ્તના બની રહ્યા છે. જેની અસર વિષે પણ આપણે જોયું વળી શુક્ર ગ્રહ સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરે છે માટે આ સમયમાં સ્ત્રીઓને થોડો તકલીફદાયક સમય જોવા મળે એમાં પણ લાઇમલાઇટમાં અને શો બિઝનેસમાં રહેલી મહિલાઓને પ્રશ્નો આવતા જોવા મળે વળી જાહેરજીવનમાં તેમને ક્યાંક અન્યાય થતો જોવા મળે કે કોઈ જગ્યાએ કાયદાકીય ગુંચમાં પાડવાનું આવે. શુક્ર જીવનમાં ચમક આપે છે વળી પ્રેમની અનુભૂતિ આપનાર બને છે માટે અસ્તના શુક્ર હોય ત્યારે પ્રણયમાર્ગે કોઈને કોઈ રીતે અવરોધ આવતા જોવા મળે તો ક્યાંક વિરહની વેદનામાંથી પસાર થવાનું પણ આવે અને આજના સમયનો શબ્દ બ્રેક અપ પણ વારે વારે સાંભળવા મળે. શુક્રનો અમલ અનાહત ચક્ર પર છે એટલે  કે હૃદય ચક્ર પર છે માટે આ સમયમાં દિલને લગતી લાગણીની બાબતમાં સંભાળીને ચાલવું પડે.  આજરોજ ગુરુવારને પાશાંકુશા એકાદશી છે.  શ્રી કૃષ્ણ પરમાત્માના  આશીર્વાદ મેળવવા માટે એકાદશી વ્રત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અશ્વિન એટલે કે આસો  શુક્લ પક્ષ પર આવતી એકાદશીને પાશાંકુશા એકાદશી કહેવામાં આવે છે. વિધિ વિધાન મુજબ આ એકાદશી પર વ્રત કરવાથી વ્યક્તિને તેના દ્વારા કરવામાં આવેલા વિવિધ પાપોમાંથી મુક્તિ મળે છે વળી  ભગવાન વિષ્ણુને સમર્પિત પાશાંકુશા એકાદશીના વ્રતથી મૃત્યુનો ડર દૂર થાય છે અને વ્યક્તિ ભવિષ્યમાં શુભ ગતિને પામે છે.