શુક્ર-રાહુ કે શુક્ર-કેતુ યુતિ જન્મકુંડળીમાં બને ત્યારે વ્યક્તિને અંગત સબંધોમાં તકલીફ પડે

મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે.
ધન (ધ,ભ,ફ,ઢ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે.
મીન (દ,ચ,ઝ,થ) : તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે.

અગાઉ લખ્યા મુજબ શુક્ર કેતુની યુતિના કારણે મહિલાઓની મુશ્કેલી વધી રહી છે અને શ્રી પ્રિયંકા ગાંધીને બીજી વખત ધરપકડ વહોરવી પડી છે જયારે પોર્ન ફિલ્મ કેઈસમાં શર્લિન ચોપરા પર રાજ કુંદ્રાએ પચાસ કરોડનો માનહાની કેસ કર્યો છે તો બીજી તરફ આર્યન ખાનને ડ્રગ્સ કેઈસમાં રાહત મળી નથી જે વિષે અગાઉ અત્રે લખી ચુક્યો છું. હાલ જળતત્વની રાશિ વૃશ્ચિકમાંથી રહસ્યમય ગ્રહ કેતુ મહારાજ અને ભોગવિલાસના ગ્રહ શુક્ર પસાર થઇ રહ્યા છે. શુક્ર મહારાજ કલા અને આનંદ પ્રમોદ સૂચવે છે. શુક્ર મહારાજ દાનવગુરુ છે. જન્મકુંડળીમાં કેતુ-શુક્ર કે રાહુ-શુક્રની યુતિ ઇચ્છનીય ગણાતી નથી અને એક પ્રકારનો સ્ત્રીદોષ ઉત્પન્ન કરનાર છે. જયારે આ યુતિ પ્રથમ કે સપ્તમ સ્થાન સાથે બને છે અથવા શુક્ર સપ્તમેશ બને છે ત્યારે તેવા વ્યક્તિને સ્ત્રી દ્વારા જ વિવાહ માં અડચણ આવતી જોવા મળે છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે શુક્ર-રાહુ કે શુક્ર-કેતુ યુતિ જન્મકુંડળીમાં બને ત્યારે વ્યક્તિને અંગત સબંધોમાં તકલીફ પડતી જોવા મળે છે. વળી શુક્ર અને કેતુ હોય તો એ સબંધ વિચ્છેદ કરાવે છે. સપ્તમ ભાવે શુક્ર-કેતુ ધરાવતા એક સજ્જનના બે વખત ડાયવોર્સ થયેલા. આ ઉપરાંત એક બહેનને સપ્તમ ભુવનમાં શુક્ર-મંગળ-કેતુનો યોગ હતો તેમને પણ વૈવાહિક જીવનમાં સફળતા મળી ના હતી. શુક્ર-કેતુ સાથે હોય ત્યારે તેનો સૌ પ્રથમ ઉપાય એ છે કે વ્યક્તિએ કદાપિ કોઈ પણ સ્ત્રીનું અપમાન ના કરવું જોઈએ. જે વ્યક્તિ સ્ત્રીનું કોઈ પણ રીતે અપમાન કરે છે તેને શુક્રને લગતી તકલીફો થવા લાગે છે વળી શુક્ર ભોગ વિલાસ એશો આરામ ના ગ્રહ હોવાથી જે વ્યક્તિનો શુક્ર બગડતો હોય તેમણે તેની સાથે કોઈ પણ સંબંધમાં આવતી સ્ત્રીઓ સાથે સદ્વ્યવહાર કરવો જોઈએ અને તેમને સારી રીતે સાચવવા જોઈએ.