અમરેલી, જિલ્લાના ધારી તાલુકાના ધારી ગામ પાસે આવેલી શેત્રુંજી નદી ઉપર આવેલા ખોડીયાર સિંચાઈ યોજનામાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમનું નિર્ધારીત રુલ લેવલ જાળવવા માટે 1 (એક) દરવાજો 0.152 મીટર ખુલ્લો હતો. તેમાં વધારો કરીને 1 (એક) દરવાજો 0.305 મીટર કરવામાં આવ્યો છે, જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ 800 ક્યુસેક છે. જેથી ખોડીયાર સિંચાઈ યોજના જળાશયની નીચાણ વાળા વિસ્તારના ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા ચેતવણી સહ સૂચના આપવામાં આવી છે. ધારી તાલુકાના આંબરડી, પાદરગઢ, ભરડ અને પાદરગઢ બગસરા તાલુકાના હાલરીયા, હુલરીયા, અમરેલી તાલુકાના સરંભડા, નાના માંડવડા, મેડી, તરવડા, બાબાપુર, વાંકીયા, ગાવડકા, પીઠવાજાળ, વિઠ્ઠલપુર, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લીલીયા તાલુકાના કણકોટ, આંબા, ક્રાંકચ, બવાડા, બવાડી, ઇંગોરાળા, લોકા, લોકી, શેઢાવદર સાવરકુંડલા તાલુકાના બોરાળા, જુના સાવર, ખાલપર, આંકોલડા, મેકડા, ફિફાદ, ઘોબા અને પીપરડી સહિતના ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવી.તા.14 સપ્ટેમ્બર, 2022ને બુધવાર રોજ સાંજે 7:40 કલાકે જિલ્લાના અમરેલી તાલુકાના અમરેલી ગામ પાસે ઠેબી નદી ઉપર આવેલા ઠેબી સિંચાઈ યોજનાના નિર્ધારીત સપાટી જાળવવા માટે આ જળાશયના 8 (આઠ) દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે, તેનો પ્રતિ સેકેન્ડ પ્રવાહ 4,448 ક્યુસેક છે. આથી ઠેબી જળાશયની નીચાણ વાળા વિસ્તારના અમરેલી, ચાંપાથળ, પ્રતાપપરા અને ફતેપુર ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સહ સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા ખોડીયાર ડેમના દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે. વધુમાં ખોડીયાર ડેમના કેચમેંટ વિસ્તારમાં હાલ વરસાદ શરુ હોય પાણીની આવક વધવાની શક્યતા છે. તેથી વધારે દરવાજા ખોલવાની જરુરિયાત રહેશે તેમ જ ઠેબી ડેમના ઉપરવાસમાં પણ વરસાદ છે. આથી પાણીની આવક વધતા વધુ દરવાજા ખોલવાની પણ શક્યતા છે.