શ્રી નિર્લિપ્ત રાયને અમરેલીમાં બે વર્ષ પુરા થયાં

અમરેલી,વટ વચન અને વેર માટે જાણીતા અમરેલી જિલ્લામાં સૌથી વધ્ાુ બહારવટીયા થઇ ગયા છે અને હજુ હમણા સુધી જિલ્લાના અમુક ગામડાઓમાં રાજાશાહી જેવા કાયદા અને કોર્ટ ચાલતા હતા પરંતુ સ્વતંત્ર ભારતમાં કાયદો કોને કહેવાય તેનું ભાન કરાવનાર પ્રમાણીક અને નિડર પોલીસ અધિકારી શ્રી નિર્લિપ્ત રાયને આજે અમરેલી જિલ્લાનો ચાર્જ સંભાળ્યાને બે વર્ષ પુરા થાય છે.
અમરેલીમાં આઝાદી પછી આજ સુધીમાં આજથી 40 વર્ષ પહેલા અમરેલીમાં ફરજ બજાવી ચુકેલા ડીએસપી શ્રી કુમારને જેમ લોકો આદરથી યાદ કરે છે તેવી જ રીતે અમરેલી જિલ્લામાં જિલ્લા મથક અમરેલીથી માંડી સાવ છેવાડાના ગામડામાં રહેતા લોકો આજે નીર્ભીક રીતે જીવી રહયા છે અને મોટા ભાગની અસામાજિક પ્રવૃતીઓ જેના કારણે અંકુશમાં આવી ગઇ છે તેવા અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય તા.7 જુન 2018 ના રોજ અમરેલી ખાતે હાજર થયા હતા અમદાવાદમાં ગુંડાઓના અડ્ડા ઉપર એકલા જઇ ત્રાટકનારા અને સુરતમાં ભલભલા ભુપતીઓને ભોય ભેગા કરનાર શ્રી નિર્લિપ્ત રાયએ અમરેલી જિલ્લામાં હાજર થતાની સાથે જ બીટકોઇનનાં કૌભાંડમાં આખા ગુજરાત અને દેશમાં અમરેલી પોલીસની આબરૂ બગડી હતી તેને સુધારવા માટે અને અમરેલી જિલ્લામાં લોકોને કાયદો અને વ્યવસ્થા ઉપર વિશ્ર્વાસ બેસે તે માટે શરૂઆત કરી હતી.
આના માટે શ્રી નિર્લિપ્ત રાયએ સર્વ પ્રથમ પોલીસ તંત્રમાં સાફસુફી કરી હતી આજ સુધીમાં બુટલેગરો સાથે સાંઠ ગાંઠ હોય કે ફરજમાં બેદરકારી હોય તેવા કિસ્સામાં 100 જેટલા પોલીસ કર્મચારીઓને ઘેર બેસાડી દીધા હતા અને અમરેલીમાં તો નાની ઉમરની છોકરીને ભગાડી જવાના બનાવની મોડી ફરિયાદ લેનારા પોલીસ ઇન્સપેકટરને પણ ઘેર બેસાડી દીધા હતા પોલીસ તંત્રની સાફસુફી બાદ જિલ્લાભરમાં દાદાના દિકરા થઇ ફરતા અનેક માથાભારે શખ્સોની તે જે ભાષામાં સમજે તે ભાષામાં સરભરા શરૂ કરી હતી.
અમરેલી શહેરમાં બંધ થયેલી બહારપરાની પોલીસ ચોકી, નાગનાથ ચોકમાં, ફોરવર્ડ ચોકમાં, કોલેજ પાસે પોલીસ ચોકીઓ ધમધમતી કરી હતી પોલીસને આપણે લોકોના સેવક છીએ અને તેની સલામતી માટે છીએ તે પ્રકારે પોલીસને તૈયાર કરી લોકોમાં પોલીસનું માન વધ્ો તેવા પ્રયાસો કર્યા હતા અને લોકોના એક ફોને ગણતરીની મીનીટોમાં પોલીસનું વાહન સ્થળ ઉપર મદદ માટે દોડી જાય તેવી વ્યવસ્થા કરી હતી અમરેલી જિલ્લાના નાના નાના ગામડામાં પણ તેમની પાસે કોઇ પણ ભલામણ વગર આવતા ગરીબ લોકોને સહાનુભુતીથી સાંભળી તેને રંજાડનારા ચમરબંધીઓને જેલ ભેગા કર્યા હતા.
આવા અનેક નાના નાના પણ નાના લોકો માટે મોટા કહેવાય તેવા કામો કર્યા અને એક પરિણામ એવુ આવ્યું કે પોતાના માણસોને સાચવવા માટે દારૂ, જુગાર જેવા કેસોમાં ભલામણ કરનાર મોટા માથાઓ પણ આમા ઝપટે ચડયા અને અમરેલી જિલ્લા પોલીસને ખોટી ભલામણો કરવાની પ્રથા બંધ થઇ ગઇ કાયદાને અવગણી તોફાને ચડનારા લોકોને પણ જેલમાં મોકલી તે જેલમાંથી ન છુટે તેવા સજ્જડ પુરાવાઓ કાગળ ઉપર તૈયાર કરતા ગુનેગારો જામીન ઉપર પણ છુટી શકતા નથી જેના કારણે અમરેલીની જેલની ક્ષમતા 250 ની છે તે છલકાઇને 430 સુધી અને 70 જેટલા કેદીઓ રજા ઉપર હોય કુલ કેદીની સંખ્યા છેલ્લા એક સપ્તાહમાં 500 ઉપરાંત પહોંચી હતી જે પણ એક રેકોર્ડ છે.

 

એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુંદર કામગીરીને જોઇને અમરેલીનાં વડીલોને ડીએસપી શ્રી કુમાર યાદ આવ્યાં
અમરેલી,અમરેલી જિલ્લામાં 40 વર્ષ પછી એવા પોલીસ અધિકારી આવ્યા છે કે જેમની અનેક કામગીરીઓ દંતકથા બની રહેવાની છે એસપીશ્રી નિર્લિપ્ત રાયને જોઇ અમરેલીના 60 વટાવી ગયેલા વડીલોને અમરેલીના ડીએસપી શ્રી કુમાર યાદ આવી જાય છે.
1970-80 ના દાયકા વચ્ચે દેશભરમાં કામ ન દેખાય અને ખંભા સુધી લહેરાતા હોય તેવા હીપ્પી વાળનો જમાનો હતો અને યુવતીઓ નીચે મોરી પહોળી હોય તેવા બેલબોટમ પ્રકારના પેન્ટ પહેરતી હતી પરંતુ અમરેલીમાં ડીએસપી શ્રી કુમાર આવ્યા પછી શહેરમાં જો કોઇ હીપ્પી વાળ વાળો દેખાય તો પોલીસ તેને પકડી તેના હીપ્પી વાળ કપાવી નાખતી અને બેલબોટમની મોરીને ચીરાવી શાલીનતા અને સભ્યતાના પાઠ ભણાવાતા હતા શ્રી કુમારને લોકો એ માટે પણ યાદ કરે છે કે અમરેલીની ઇન્દીરા શાકમાર્કેટ પાસે હાલમાં જે દાતણ પાથરીને બેસે છે તે જગ્યા ઉપર તે દાતણ વહેંચવા વાળા બની તેવો વેશ ધરી બેઠા હતા અને અમરેલીની કાયદો વ્યવસ્થા જોઇ હતી.
તેમણે શહેરનાં એ જમાનાનાં મોટા મોટા માથા કહેવાય તેવા લોકોને જુગાર રમતા પકડી ગળામાં પાટી પહેરાવી અને અમે જુગારી છીએ તેવા લખણ સાથે શહેરમાં ફેરવ્યા હતા. તો જિલ્લાના છેવાડાના ગણાતા નાગેશ્રી પંથકમાં પણ અસામાજીકોને કાયદાનું ભાન કરાવ્યું હતુ. લોકો તેમના કાર્યકાળ દરમિયાન દરવાજા ખુલ્લા રાખી સુઇ શકતા હતા આજે અમરેલીમાં બે વર્ષથી ફરજ બજાવતા સાવ નાની ઉમરના એસપીશ્રીે નિર્લિપ્ત રાયની કાર્યશૈલીને જોઇને લોકો શ્રી કુમારને યાદ કરી રહયા છે.