શ્રી મોદીએ 508 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ કર્યો

અમદાવાદ,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક પગલાં સ્વરૂપે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો હતો. રૂ. 24,470 કરોડથી વધારે ખર્ચે નવીનીકરણ થનારાં આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્યપ્રદેશમાં 34, અસમમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સામેલ છે.પ્રધાનમંત્રીએ એકત્રિત લોકોને સંબોધન કરતાં ટીપ્પણી કરી હતી કે, અમૃત કાળની શરૂઆતમાં વિકસિત ભારતનાં લક્ષ્યાંક સાથે નવું ભારત અગ્રેસર થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ નવી ઊર્જા, નવી આકાંક્ષાઓ અને નવા સંકલ્પો છે. તેમણે ભાર મૂક્યો હતો કે, આ ભારતીય રેલવેનાં ઇતિહાસમાં એક નવા પ્રકરણની શરૂઆત છે. તેમણે જાણકારી આપી હતી કે, દેશમાં લગભગ 1300 મુખ્ય રેલવે સ્ટેશનો “અમૃત ભારત સ્ટેશનો’ તરીકે હવે આધુનિક સુવિધાઓ સાથે નવીનીકરણ પામશે અને નવું જીવન મેળવશે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, આજે 1300 રેલવે સ્ટેશનોમાંથી 508 અમૃત ભારત સ્ટેશનો માટે શિલાન્યાસ થયો છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 25,000 કરોડ થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવીનીકરણ પ્રોજેક્ટ રેલવે અને સામાન્ય નાગરિકો સાથે દેશમાં માળખાગત સુવિધાઓનાં વિકાસ માટે વિશાળ અભિયાન બનશે.