સંરક્ષણ ક્ષેત્રે ખરેખર હવે આત્મનિર્ભર ભારતની શરૂઆત કરતા રાજનાથસિંહ

દેશમાં આત્મનિર્ભરતાની વાત સરકાર કરે એટલે જેમ વૃક્ષારોપણની ઝુંબેશ સરકાર ઉપાડે એવું જ કહેવાય. શરૂઆતમાં લોકો એને સરકારી રાહે જ સમજતા હોય. ચીન સાથે આપણો ઝઘડો થયો પછી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભરતાનો મમરો મૂકેલો ને દેશને આત્મનિર્ભર બનાવવાનો હુંકાર કરેલો. મોદીએ ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પણ શરૂ કરાવ્યું છે. આ અભિયાન હેઠળ જુદી જુદી નાની નાની જાહેરાતો થયા કરે છે. ચીનની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનાં ને એવાં નાનાં નાનાં પગલાં લેવાયાં કરે છે ત્યારે રવિવારે મોદી સરકારે સાચા અર્થમાં આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળે એવી મોટી જાહેરાત કરી. આપણા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જાહેરાત કરી કે, સંરક્ષણ મંત્રાલય બીજા દેશો પાસેથી જેની ખરીદી કરે છે એવી 101 ચીજો ચોક્કસ સમયમર્યાદામાં બહારથી ખરીદવાનું બંધ કરી દેશે ને તેના બદલે ભારતીય કંપનીઓને આ ચીજોના કોન્ટ્રાક્ટ આપશે.

રાજનાથે કઈ કઈ ચીજો બહારથી ખરીદવાની બંધ કરી દેવાશે તેનો ફોડ હજુ નથી પાડ્યો. સંરક્ષણ મંત્રાલયે આ યાદી તૈયાર કરી દીધી છે ને બહુ જલદી એ બહાર પડાશે એવો સધિયારો તેમણે આપ્યો છે પણ એ ચોખવટ પણ કરી કે, છ-સાત વર્ષમાં ભારતીય કંપનીઓને લગભગ ચારેક લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ અપાશે. મતલબ કે, દર વર્ષે ભારતીય કંપનીઓને સંરક્ષણ મંત્રાલય પાસેથી સિત્તેરેક હજાર કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ મળશે. આપણે ત્યાં અત્યારે ભારતીય કંપનીઓ રૂપિયા-રૂપિયા માટે ફાંફાં મારે છે ત્યારે આ રકમ બહુ મોટી કહેવાય.

આપણે વિદેશમાંથી થોકબંધ શસ્ત્રોની ખરીદી કરીએ છીએ. વિશ્વમાં શસ્ત્રોની વિદેશમાંથી ખરીદીના મામલે આપણે સાઉદી અરેબિયા પછી બીજા નંબરે છીએ. તેનું કારણ એ કે આપણે અહીં કશું બનાવતા જ નથી. સંરક્ષણને લગતી ચીજોનાં બિલ દર વર્ષે બદલાયા કરતાં હોય છે પણ એક અંદાજ પ્રમાણે આપણે છેલ્લાં સાત વર્ષમાં સો અબજ ડોલર એટલે કે લગભગ આઠ લાખ કરોડનું આંધણ વિદેશથી શસ્ત્રોની ખરીદી કરવા પાછળ કર્યું છે. હવે તેના પચાસ ટકા રકમ આપણે વિદેશી કંપનીઓને આપવાનું બંધ કરીને ભારતની કંપનીઓને આપવા માંડીએ તો એ મોટી વાત કહેવાય.

આ જાહેરાત મોટી છે અને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ને વેગ આપનારી છે કેમ કે તેના કારણે એક સાવ નવા ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. આપણે ત્યાં સંરક્ષણને લગતી ચીજોના ઉત્પાદનમાં જેન્યુઈનલી સક્રિય કંપનીઓની સંખ્યા બહુ નથી. સરકારી કોન્ટ્રાક્ટ મળવા માંડે તો એવી કંપનીઓ ઊભી થાય ને સરવાળે રોજગારી પણ મળવા માંડે. ઉત્પાદનથી માંડીને ટેસ્ટિંગ સુધીના બધા મોરચે ભારતીયોને જ રોજગારી મળે. બીજું એ કે, આપણે અત્યારે નાની નાની ચીજો માટે પણ વિદેશ કંપનીઓને નાણાં દઈએ છીએ ને આપણી કમાણી વિદેશમાં ઢસરડાઈ જાય છે. ભારતીય કંપનીઓને આટલી રકમના કોન્ટ્રાક્ટ મળે તો તેમનું તો ગાડું ગબડે જ પણ દેશની કમાણી દેશમાં જ રહે. ઘી ઢોળાય તો ખિચડીમાં જ. અત્યારે આપણે લુખ્ખી ખિચડી પણ ખાતા નથી તેના બદલે ઘીવાળી ખિચડી ખાતા થઈએ. આપણું મોંઘું વિદેશી હૂંડિયામણ બચે એ નફામાં.

આ જાહેરાત સારી છે પણ ભારત પોતાની જરૂરિયાતો પોતે જ માલ બનાવીને સંતોષ માને તેનાથી દિ’ ન વળે. તેની સાથે સાથે બીજા દેશોમાં સંરક્ષણને લગતાં ઉત્પાદનોની નિકાસ પણ વધારવી પડે. આપણો દેશ બહુ મોટો છે ને થોકબંધ માણસો છે પણ નિકાસમાં આપણે બહુ પાછળ છીએ. તેમાં પણ સંરક્ષણ ઉત્પાદનોની નિકાસમાં તો આપણે સાવ મીડું જ છીએ એમ કહીએ તો ચાલે. વિશ્વમાં શસ્ત્રોની નિકાસ કરતા ટોપ ૨૫ દેશોમાં આપણો સમાવેશ થાય છે પણ આપણે તેમાંથી કમાણી કેટલી કરીએ છીએ તેના આંકડા પર નજર નાખશો તો શરમ આવશે.

આપણે આ યાદીમાં 23મા નંબરે છીએ અને આપણી શસ્ત્ર નિકાસ 10,745 કરોડ રૂપિયાની છે. આ આંકડો 2019-20ના નાણાકીય વર્ષનો છે ને તેના આગલા વર્ષે આપણી શસ્ત્ર નિકાસમાંથી કમાણી 4682 કરોડ રૂપિયા હતી. આપણે ત્યાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે સક્રિય કંપનીઓની સંખ્યા બહુ બધી હોવાનું કહેવાય છે પણ કમાણીમાં જરાય દમ નથી. વાસ્તવમાં આટલી કમાણી તો આપણી આઈ.ટી. ક્ષેત્રની મોટી કંપનીઓ વિદેશમાંથી આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટ મેળવીને રમતાં રમતાં કરી નાખે છે.

દુનિયામાં શસ્ત્રોનો ધંધો સૌથી ધીકતો ધંધો છે. અમેરિકા ને ચીન જેવા દેશો આર્થિક રીતે ધિંગા લોકોને બંદૂકો ને મશીનગનો ને બીજાં હથિયારો પકડાવીને જ બન્યા છે. તેમની શસ્ત્રોની કમાણી અબજો ડોલરમાં છે ત્યારે આપણે હજુ હજારોમાં રમીએ છીએ ને એ પણ ડોલર નહીં પણ રૂપિયા. એ લોકો થોકબંધ ડોલર પાવડે પાવડે ઘરભેગા કરે છે ત્યારે આપણે સાવ ચપટીક જેવી કમાણી કરીએ છીએ. આપણા માટે શરમજનક વાત પાછી એ છે કે, દુનિયાનો કોઈ મોટો દેશ આપણી પાસેથી શસ્ત્રો કે સંરક્ષણને લગતો સંરજામ ખરીદતો નથી. આપણા ત્રણ મોટા ગ્રાહકો મ્યાનમાર, શ્રીલંકા ને મોરેશિયસ છે કે જેમને આપણે આયાતના બદલામાં પરાણે આ બધું પકડાવીએ છીએ. આ ત્રણેય દેશોની દુનિયામાં કોઈ હેસિયત નથી એ જોતાં આપણા દુનિયામાં શસ્ત્રોનો જે કારોબાર છે તેમાં આપણે ક્યાંય નથી. વિશ્વમાં શસ્ત્રોની કુલ આયાતમાં આપણો હિસ્સો 0.02 ટકા છે. આ આંકડામાં ને ઝીરોમાં ઝાઝો તફાવત નથી. તેના પરથી જ આપણે ક્યાં છીએ તેનો અંદાજ લગાવી શકાય. મોદી સરકારે આ વાસ્તવિકતાને સ્વીકારીને આગે કદમ શરૂ કર્યા છે.

આ સ્થિતિ આપણે બદલવી પડે ને આપણે આપણા લશ્કર માટે જે ચીજો બનાવીએ એ ચીજો દુનિયાના બીજાં લશ્કરો પણ વાપરે એવી સ્થિતિ પેદા કરવી પડે. કમનસીબે આપણી કંપનીઓ પાસે એવું કોઈ વિઝન નથી. તેમને દુનિયામાં ટેકનોલોજી ક્યાં પહોંચી ગઈ તેનું ભાન જ નથી તેથી પોતાનો માલ ખપાવી શકતા નથી. કમનસીબે આપણી આજ સુધીની સરકારોએ પણ આ સ્થિતિ સ્વીકારી લીધી છે ને માની જ લીધું છે કે, આપણી શસ્ત્ર નિકાસમાં ઝાઝો વધારો થવો શક્ય નથી. આપણી શસ્ત્ર નિકાસ 2014 માં બે હજાર કરોડ રૂપિયાની આસપાસ હતી તે વધીને 10 હજાર કરોડ રૂપિયાને પાર થઈ ગઈ તેનાથી સરકાર બહુ ખુશ છે. મોદી સરકારે આવતાં પાંચ વર્ષમાં આ નિકાસ વધારીને 35 હજાર કરોડ રૂપિયા કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે તેના પરથી જ સરકાર આપણી ડીફેન્સ ઈન્ડસ્ટ્રી પાસેથી શું અપેક્ષા રાખે છે એ ખબર પડી જાય.

ભારતમાં ખાનગી ક્ષેત્રમાં જેમને સાચા અર્થમાં શસ્ત્ર ઉત્પાદક કહેવાય એવી કંપનીઓ બહુ નથી. સરકારી યાદીમાં તો સંરક્ષણનાં ઉત્પાદનોમાં વપરાતા નટ-બોલ્ટ બનાવનારી કંપનીઓનો પણ ડીફેન્સ કંપનીઓમાં સમાવેશ કરી દેવાય છે પણ ખરેખર જે શસ્ત્રો બનાવતી હોય એવી કંપનીઓ બહુ ઓછી છે. જો કે સરકારની પોતાની આવી થોકબંધ કંપનીઓ છે. ભારત સરકારની ભારત ડાયનેમિક્સ, હિંદુસ્તાન એરોનોટિક્સ વગેરે તો આ ક્ષેત્રની બહુ જૂની કંપનીઓ છે. આ કંપનીઓ ભારતની લશ્કરી જરૂરિયાતો સંતોષવામાં મોટું યોગદાન આપે જ છે ત્યારે તેમને વધારે પ્રોફેશલ બનાવાય તો ચોક્કસ નિકાસ વધે. આપણી પાસે ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) જેવી સંશોધન ક્ષેત્રે કામ કરતી કંપનીઓ પણ છે. ભારતમાં સરકારી ડીફેન્સ કંપનીઓમાં બે લાખ કરતાં વધારે કર્મચારીઓ છે એ જોતાં આપણે નિકાસમાં આગળ વધી જ શકીએ.

દુનિયામાં શસ્ત્રોનું બજાર બહુ મોટું છે ને કદી તેમાં મંદી આવવાની જ નથી એ જોતાં એ બજાર કઈ રીતે સર કરી શકાય એ વિશે વિચારવું જોઈએ. આપણે આત્મ નિર્ભરતાને અત્યારે આપણી જરૂરિયાતો સંતોષવાના સંદર્ભમાં જ જોઈએ છીએ પણ આપણી બધી જરૂરિયાતો આપણે સંતોષી શકીએ તેમ નથી. બહારથી ચીજો તો મગાવવી જ પડે એ જોતાં આત્મનિર્ભરતાના અર્થને સંકુચિત બનાવી દેવાના બદલે વ્યાપક બનાવવાની જરૂર છે. તેને ચીજોના બદલે ખર્ચાતી રકમ સાથે જોડવાની જરૂર છે. બહારથી માલ ખરીદવા માટે જેટલો ખર્ચ કરીએ એટલી કમાણી નિકાસમાંથી કરી લેવી તેને આત્મનિર્ભરતા ગણવાની જરૂર છે. શસ્ત્રનો નિકાસ એ પ્રકારની આત્મનિર્ભરતામાં સૌથી મહત્ત્વનું પરિબળ સાબિત થાય તેમ છે ત્યારે તેના પર વધારે ભાર મૂકવાની જરૂર છે.