સંસદમાં દેકારા પડકારા કરતા રહેતા આ આપડા સાંસદોને પ્રજાપ્રશ્નોમાં રસ નથી

ટીવી કે મોબાઈલમાં ક્યારેય તમે સંસદભવનના દૃશ્યો નિહાળ્યા હોય તો તમે જોયું હશે કે હંમેશા કોઈને કોઈ કોન્ટ્રોવર્સી જ સંસદભવનમાં બનતી હોય છે. ભારતમાં સંસદ ભવનનું નિર્માણ શેના માટે થયું હતું? આપણાં બંધારણમાં તો એવું લખ્યું છે કે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે અને દેશમાં કાયદાના ઘડતર માટે ભારતમાં લોકશાહીની મશાલ સ્વરૂપે સંસદ ભવનની સ્થાપન થઈ છે. દેશ આઝાદીના ૭૫માં અમૃત કાળમાં છે છતાં સંસદ ભવનમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા સિવાય બધુ જ થાય છે. ભારતમાં તો વ્યક્તિ કોઈ પણ પક્ષમાં જોડાય તેને ધારાસભ્ય બનવા કરતાં સાંસદ બનવું ખૂબ જ ગમે. કારણ કે સાંસદ તો સરકારના જમાઈ છે. તેમને સરકાર વિશેષાધિકાર આપે છે. જેના કારણે તેને ઘણા લાભ મળી રહે છે. અહિયા તેના લાભની વાત નથી કરવી. વાત કરવી છે એક એવા મુદાની જેના પર આઝાદીના ૭૫ વર્ષ પછી પણ કોઈનું ધ્યાન નથી ગયું.

ગત ૨૫ જુલાઈના રોજ કૉંગ્રેસના સાંસદો સ્પીકર પાસે પહોંચ્યા અને જીએસટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને પ્લેકાર્ડ ઉભા કર્યા. આ પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કૉંગ્રેસના ચાર સાંસદો જ્યોતિમણિ, મણિકમ ટાગોર, ટીએન પ્રથાપન અને રામ્યા હરિદાસને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા.એટલું ઓછું હોય તેમ બીજા દિવસે ૨૬ જુલાઇના રોજ અન્ય ૧૯ સાંસદોને તેના ગેરવર્તન બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
હવે તમે સસ્પેન્ડનો અર્થ શું સમજો છો? ના, તમે વિચારો છો એવું અહિયાં નથી. ભલેને સ્પીકર સાંસદોને તેના ગેરવર્તન બદલ બંધારણના અનુચ્છેદ ૧૦૫ (૨) હેઠળ, સસ્પેન્ડ કરી દે.. પણ. સાંસદ તરીકેના તેના અબાધિત અધિકાર કોઈએ છીનવ્યા નથી. એટલે બહાર જઈને સંસદ ભવનની ગરિમાને છાજે નહિ તેવા નિવેદનો આ સાસંદો આપ્યા જ કરે છે.

એવું પણ નથી કે સાવ સાંસદોની મનમાનીને સ્પીકરે ચલાવી લીધી હોય. ૧૯૫૧માં જયારે પ્રોવિઝનલ પાર્લામેન્ટ યોજાઈ ત્યારે સાંસદ એમ. જી. મુદગલ પર ભ્રષ્ટાચારનો આરોપ હતો. જેથી સંસદભવનમાં સ્પીકરે તેનો પક્ષ સાંભળ્યા બાદ તેમનું સભ્યપદ રદ્ કરી નાખ્યું હતું. પણ ભારતમાં ક્યારેય કંઈ સ્થિર નથી. હજુ તો ચોમાસુ સત્ર શરૂ થયુંને સ્પીકરે લાલ આંખ કરવી પડી.. પણ સાંસદોના આવા તોફાન તો વર્ષીથી કરતાં આવ્યા છે. દેશ આઝદ થયો તેના ૧૬ વર્ષ પછી ૧૯૬૨માં આવું જ શિયાળુ સત્ર ચાલતું હતું. કૉંગ્રેસની સરકાર હતી. એ સમયે ગોદેય મુરાહારી નામના સાંસદને તત્કાલીન પ્રધાન મંત્રી જવાહરલાલ નહેરુના ચીન સાથેની મિત્રતાના વલણ સામે વાંધો હતો. જેથી તેણે શાંત સંસદભવનમાં અચાનક ‘જિન્હે નાઝ હૈ હિન્દ પર વો કહા હૈ’ ગીત ગાવાનું શરૂ કરી દીધું. મૂળ તો આ ગીત ૧૯૫૭માં આવેલી ગુરુદતની ફિલ્મ પ્યાસાનું છે.

ગુરુદત અને સાહિર લુધિયાનવી બંને નહેરુ સરકારના વિરોધી એટલે સામાન્યરીતે પોતાની ફિલ્મોમાં જ તેનો વિરોધ વ્યક્ત કરે. એ સમયે કૉંગ્રેસનું ચુંટણી પ્રચાર માટેનું સૂત્ર હતું ‘હમે નાઝ હૈ હિન્દ પર’ તો ગુરુદત-સાહિરની બેલડીએ પ્યાસા ફિલ્મમાં દેશની આઝાદી બાદ એક વૈશ્યાલયની બહાર ગણિકાઓની કથળતી પરિસ્થિતિનું વર્ણન કર્યું હતું અને તેમાં ગીત સ્વરૂપે સવાલ ઊભો કરી દીધો કે,‘જિન્હે નાઝ હૈ હિન્દ પર વો કહા હૈ’ એ સમયે નહેરુના સમર્થકોએ આ ગીતનો ભરપૂર વિરોધ કર્યો હતો. આવું બહું પંકાયેલું ગીત ૧૯૬૨માં જ્યારે એક સાંસદના મુખેથી ગુંજે તો ધિંગાણું સર્જાય એ તો સ્વાભાવિક છે. જેમ સ્કૂલમાં નવા-સવા ટીચર આવ્યા હોય અને ક્લાસનો તોફાની છોકરો તેની વાત ન માનતો હોય તેમ સંસદ ભવનમાં થોડીવાર માટે હોબાળો મચી ગયો. આક્ષેપ-પ્રતિઆક્ષેપની સીરિઝ શરૂ થઈ ગઈ અંતે સ્પીકરે ગોદેય મુરાહારીને સસ્પેન્ડ કરી દીધા.

પણ અહિ તોફાની છોકરાનો ઉલ્લેખ થયો તેમ મુરાહારી તો પોતાનું સ્થાન છોડવા તૈયાર ન હતા. અંતે માર્શલોએ તેમને ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા. એ દિવસ બાદ સંસદની રુલ બુક ‘રુલ્સ ઑફ પ્રોસિજર એન્ડ ક્ધડક્ટ ઓફ બિઝનેસ’માં સાંસદો વિરુદ્ધ ઘણી કલમોનો ઉમેરો કરવામાં આવ્યો, જે મુજબ ગૃહને ચલાવવાની જવાબદારી સ્પીકરની છે. સામાન્ય રીતે વિપક્ષી સાંસદો સરકારની નીતિ કે કોઈપણ કાયદા સામે વિરોધ કરે છે. આવી સ્થિતિમાં, જો વિરોધમાં કોઈ ટિપ્પણી, વર્તન અથવા આવી વાત કહેવામાં આવે છે, જેને સ્પીકર અભદ્ર ગણે છે, તો સ્પીકર તે સાંસદને સસ્પેન્ડ કરી જ શકે છે. એ જ રીતે રાજ્યસભાના અધ્યક્ષ પણ સાંસદો સામે રુલ બુક મુજબ કાર્યવાહી કરી શકે છે. આ પુસ્તકના નિયમ ૩૭૩ હેઠળ, જો લોકસભાના અધ્યક્ષને લાગે છે કે કોઈપણ સાંસદ સતત ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરી રહ્યો છે, તો તે તેને તે દિવસ માટે ગૃહની બહાર ફેંકી શકે છે અથવા તેને બાકીના દિવસો માટે સસ્પેન્ડ પણ કરી શકે છે.

તે જ સમયે, વધુ હઠીલા સભ્યો સાથે વ્યવહાર કરવા માટે, સ્પીકર નિયમો ૩૭૪ અને ૩૭૪એ હેઠળ પગલાં લઈ શકે છે. તાજેતરમાં કૉંગ્રેસના કુલ ૨૩ સાંસદો સામે નિયમ ૩૭૪ હેઠળ જ કાર્યવાહી કરવામાં આવી હતી. એ નિયમમાં પણ પેટા નિયમ છે. જેમાં લોકસભા અધ્યક્ષ એવા સાંસદોના નામની જાહેરાત કરી શકે છે જેમણે સીટની મર્યાદાનો ભંગ કર્યો હોય અથવા નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય અને જાણીજોઈને ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઊભો કર્યો હોય. જ્યારે સ્પીકર આવા સાંસદોના નામની જાહેરાત કરે છે, ત્યારે તેઓ ગૃહના ટેબલ પર પ્રસ્તાવ મૂકે છે. દરખાસ્તમાં હંગામો મચાવનાર સાંસદનું નામ લેતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્પીકરને સાંસદને સસ્પેન્ડ કરવાનો અધિકાર છે, પરંતુ તેમની પાસે સસ્પેન્શન પાછું ખેંચવાની સત્તા નથી. આ સત્તા ગૃહમાં જ રહે છે. જો ગૃહ ઈચ્છે તો ઠરાવ દ્વારા સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચી શકાય છે. જે ત્રુટિ કે જે ભૂલ.. જે દોષની આપડે વાત કરીએ છીએ એ આ છે. સંસદ ભવનમાં ગમે તેટલા નિયમો ઘડવામાં આવ્યા પણ આ તોફાની સાંસદો બધા નિયમોને ઘોળીને પી ગયા અને સ્પીકરને તો જાણે મોનીટરની જવાબદારી મળી હોય તેમ તે આજે કોઈને ૧૦ માટે સસ્પેન્ડ કરે છે ત્રીજા દિવસે પેલા સાંસદ, અન્ય સાંસદોની સર્વસમતીથી પાછા સાસંદભવનમાં આવીને બેસી જાય..

ભારત જેવા દેશનું સંસદભવન વિશ્વના ઇતિહાસ પર અમીટ છાપ છોડે તેવી વિશેષતા ધરાવે છે. પણ છેલ્લા ૭૫ વર્ષમાં સાંસદોની ધીંગામસ્તીએ અલગ જ વાતાવરણ ઊભી કરી દીધું છે અને સાંસદભવન શક્તિ પ્રદર્શનનું કેન્દ્ર હોય તેમ સાંસદો એકબીજા પર બેફામ વાણીવિલાસ કરતાં આચકાતા નથી.૧૯૬૨ પછી પણ આવા છમકલાં થયા જ છે. સંસદ ભવનમાં હોબાળાની શરૂઆત કરનાર ગોદેય મુરાહારી તો અનુક્રમે વર્ષ ૧૯૬૬, ૧૯૬૭, ૧૯૭૧ અને ૧૯૭૪ સુધી સસ્પેન્ડ થયા હતા. પણ દર વખતે અન્ય સભ્યોની સહમતી મેળવીને તેઓ પાછા સંસદ ભવનમાં બેસી જતા. તેના બે ફાયદા થતા એક તો મીડિયામાં વગર કારણે પબ્લિસિટી મળી જતી અને બીજું કૉંગ્રેસ પક્ષમાં તેમનું પ્રભુત્વ વધી જતું. પછી તો આવી ફોર્મ્યુલા ઘણા સાંસદો અપનાવવા લાગ્યા. તેમાં ૧૯૭૬માં ડૉ. સુબ્રમણ્યમ સ્વામીનું સભ્યપદ જતું રહ્યું હતું. આ લિસ્ટમાં ઇન્દિરા ગાંધી પણ બાકાત નથી. તેમને પણ ખોટા આરોપ સર ૧૯૭૯માં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

સસ્પેન્શનની સૌથી મોટી કાર્યવાહી ૧૯૮૯માં થઈ હતી. રાજીવ ગાંધીની સરકાર દરમિયાન, સંસદમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પર ઠક્કર કમિશનના અહેવાલની રજૂઆતને લઈને સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. જે બાદ હંગામો મચાવતા વિપક્ષના ૬૩ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.૨૦૧૪નો કિસ્સો તો કઈ રીતે ભુલાય એ સમયે અલગ તેલંગાણા મુદ્દે સંસદમાં હુલ્લડ મચ્યું હતું. જ્યાં કૉંગ્રેસમાંથી બરતરફ થયેલા સાંસદ એલ. રાજગોપાલે સંસદભવનમાં પીપર સ્પ્રેનો છંટકાવ કર્યો હતો. તેના પ્રતિકાર રૂપે ભાજપના સાંસદોએ ખુરશી ફેંકી હતી તો ટીડીપીના વેણુગોપાલે માઈકનો છૂટો ઘા કર્યો હતો. બાદમાં આ બધા સસ્પેન્ડ થયા હતા. આવા અનેક કિસ્સા આપણા સંસદભવનના ઇતિહાસમાં કાળી શાહીથી લખવામાં આવ્યા છે અને હજુ પણ આવા હોબાળાનો દૌર યથાવત્ છે. ત્યારે અહીં એવો વિચાર આવે કે જે સાંસદોને પ્રજાના પ્રતિનિધિનો દરરજો આપવામાં આવ્યો છે, શું તે આ હોદ્દાનું માન જાળવે છે? જો તમારો જવાબ ના; હોય તો આ મામલે નક્કર પગલાં લેવા જરૂરી છે.