સંસદમાં શ્રી રૂપાલાએ કાઠીયાવાડી લોકગીત અને દુહા સાથે ઉપરાષ્ટ્રપતી શ્રી નાયડુના વિદાય સમારોહને યાદગાર બનાવ્યો

અમરેલી,દેશની રાજ્યસભાના સાંસદ તથા મત્સ્ય અને પશુપાલન અને ડેરી વિભાગનાં કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાનો સંસદમાં અનોખો અંદાજ સૌને જોવા મળ્યો હતો.
ગયા સોમવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના વિદાય સમારોહમાં શ્રી રૂપાલાએ રાજ્યસભામાં જમાવટ કરી હતી. નોંધનીય બાબત એ હતી કે, શ્રી રૂપાલાએ આ ચાર-પાંચ મિનિટનું આખેઆખું ભાષણ ગુજરાતીમાં જ કર્યું હતું. શ્રી રૂપાલાએ ભાષણની શરૂઆતમાં જ નાયડુ પરિવારના આતિથ્યસત્કારની વાત કરી. જેની સાથે શ્રી રૂપાલાએ ગુજરાતના જાણીતા કવિ કાગ બાપુની રચના ’હે જી તારા આંગણિયા…’ની પંક્તિઓ પણ લલકારી. શ્રી રૂપાલાને સંસદમાં આ ગીત ગાતા સાંભળી સાંસદો પણ પાટલી થપથપાવવા લાગ્યા.
આ સાથે શ્રી રૂપાલાએ વેંકૈયા નાયડુના સરદારપ્રેમની પણ વાત કરી. તેમણે કહ્યું કે, નાયડુ જેવા સરદારપ્રેમી ભાગ્યે જ કોઈ હશે. તેમના ઘરથી માંડીને ઓફિસ સુધીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃત્તિઓ હોવાની વાત કરી. એટલું જ નહીં શ્રી નાયડુ સોમનાથ દર્શને શા માટે આવ્યા હતા એ પણ વાત કરી.આ વાત કરતાં કરતાં શ્રી રૂપાલાએ ગુજરાત ભાજપના 1995-96ના સંકટની વાત પણ કરી. તેમણે કહ્યું કે, એ સમયે શ્રી વેંકૈયા નાયડુ 15 દિવસ સુધી ગુજરાતમાં રહ્યા હતા. એક-એક ધારાસભ્યને સમજાવવાનું અને સાથે રાખવાનું કામ કરતાં હતા. રમૂજી અંદાજમાં તેમણે કહ્યું કે, શ્રી વેંકૈયાજી અંગ્રેજીમાં વાત કરતાં હતા પણ તેમાં કોઈને ટપો પડતો નહોતો. એટલે જયનારાયણ વ્યાસ એ જ વાત ગુજરાતીમાં સમજાવતા હતા.આખરે શ્રી રૂપાલાએ ગુજરાતી અંદાજમાં એ રામરામ કહીને ભાષણ પૂરું કર્યું હતું. ચાર-પાંચ મિનિટના આ ટૂંકા ભાષણ દરમિયાન સાંસદો શ્રી રૂપાલાના આ અંદાજને મટકુ્ં માર્યા જ જોઈ રહ્યા હતાં.