સચિન પાયલોટ ઉડીને પાછા કોંગ્રેસમાં ન આવે ત્યાં સુધી ગેહલોત પર સંકટ છે

રાજસ્થાનમાં ગેહલોત સરકાર સ્પષ્ટ બહુમતી પુરવાર કરવા વિધાનસભાનું સત્ર બોલાવવા માંગે છે, અને રાજયપાલે તેવો નિર્ણય લેવામાં વિલંબ કરતા હવે આ ઘટનાક્રમ વધુ વિવાદાસ્પદ બન્યો છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ ગઈકાલે રાત્રે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, રાજસ્થાનમાં ગેહલોત સરકારને ઉથલાવવા ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર કર્યુ છે. તેમણે ટ્વીટ કરીને ગઈકાલે રાત્રે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, “દેશમાં બંધારણ અને કાનૂનનું શાસન છે. સરકારો બહુમતીથી બને છે અને ચાલે છે. રાજસ્થાન સરકારને ઉથલાવવાનું ભાજપનું ષડયંત્ર છે. આ રાજસ્થાનના આઠ કરોડ લોકોનું અ૫માન છે. રાજયપાલ મહોદયે વિધાનસભા સત્ર બોલાવવું જોઈએ, જેથી સત્ય દેશની સામે આવે. બીજી તરફ રાજસ્થાનના રાજયપાલે સત્ર બોલાવવાના મુદ્દે નાટકીય ઢબે વિલંબ કર્યો, તેની ટીકા થઈ રહી છે. જો કે ભારતમાં કોંગ્રેસનું કેન્દ્રમાં શાસન હતું ત્યાં સુધી વિવિધ રાજ્યોમાં પાતળી બહુમતીવાળી સરકાર ઉથલાવવા માટે કોંગ્રેસે આવા જ અનેક ખેલ પાર પાડેલા છે.

રાહુલ ગાંધીનું આ ટ્વીટ એવા સમયે આવ્યું છે, જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ પણ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. કોંગ્રેસમાં પીઢ અને વયોવૃદ્ધ નેતાઓ અને યુવા નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ માટે હોવાની ચર્ચા રાજધાની દિલ્હીથી લઈને રાજયો સુધી ચાલી રહી હતી, રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ હતાં, ત્યારે જ્યોર્તિરાદિત્ય સિંધિયા, સચિન પાયલોટ, મિલિન્દ દેવડા, સંજય નિરૂપમ, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર વિગેરે દરેક રાજ્યોના યુવા નેતાઓને ઉત્તેજન મળ્યુ હતું, તે પૈકી કેટલાકને પાર્ટીમાં હોદ્દાઓ મળ્યા હતાં, તો કેટલાકને ચૂંટણીમાં ટિકિટો અપાઈ હતી. તે પછી વર્ષ-2019 ની લોકસભાની ચૂંટણીમાં પરાજય થતા રાહુલ ગાંધીએ પ્રમુખ પદ છોડ્યું અને સોનિયા ગાંધી કાર્યકારી પ્રમુખ બન્યા છે. તે પછી નવા-જૂના નેતાઓ વચ્ચે ખેંચતાણ હોવાની વાતો ઉડતી રહી છે. જ્યારે કોંગ્રેસ આવો કોઈ મતભેદ હોવાની વાતને નકારતી રહી છે.

હકીકતે તો રાષ્ટ્રીય નેતાગીરી અને રાજકારણ કરતા વધુ પ્રાદેશિક કારણો અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ કોંગ્રેસના બે-ત્રણ યુવા નેતાઓના પલાયનવાદ પાછળ જવાબદાર છે. ગુજરાતમાં અલ્પેશ ઠાકોરે કેવી રીતે પક્ષાંતર કર્યુ, તે ઓપન સિક્રેટ છે, અને કોંગ્રેસે હાર્દિક પટેલને ગુજરાતના કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવી દીધા છે. વિવિધ રાજ્યોમાં પણ યુવાન નેતાઓનો કોંગ્રેસ પ્રાધાન્ય આપી રહી છે, તેવામાં જુના અને પીઢ નેતાઓ અને નવયુવાઓ વચ્ચે સંતુલન નહીં રાખવાથી યુવા નેતાઓ પલાયન કરી રહ્યા છે, તેવી વાતો નિરર્થક ઠરે છે. આવા જ સમયે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ બધી અટકળોને આડકતરો જવાબ આપી દીધો છે. કારણકે રાજસ્થાન મુદ્દે રાહુલ ગાંધી બહુ રસ કેમ લેતા નથી, તેવા સવાલો ઉઠાવીને રાહુલ ગાંધીની સચિન પાયલોટ પ્રત્યેની કૂણી લાગણી પર કટાક્ષ થઈ રહ્યો હતો.

જો કે, રાહુલ ગાંધીએ કરેલા આ ટવીટમાં પણ ભાજપ પર પ્રહાર કરાયો છે, અને બળવાખોરો વિશે કાંઈ લખ્યું નથી, તેવી પાયલોટ જૂથને કોંગ્રેસમાં પરત આવવા માટે દરવાજો નહીં, તો બારી પણ ખુલ્લી રાખવામાં આવી હોવાનો આ સંકેત છે. કેટલાક રાજકીય નિરીક્ષકો પણ એવું માને છે કે હકીકતે રાહુલ ગાંધી કોંગ્રેસમાંથી યુવા ટીમને બહાર જવા દેવા માંગતા નથી, પરંતુ ભાજપના પ્રલોભનો કોંગ્રેસના જે યુવા નેતાઓની મહત્વાકાંક્ષા સંતોષવાની તક આપતા હોય, કે પછી જે ધારાસભ્યોની કોઈ ને કોઈ ‘અપેક્ષા’ સંતોષાઈ શકે તેમ હોય, તેવા કોંગ્રેસના નેતાઓ જ કોંગ્રેસ છોડી રહ્યા છે. આ પ્રક્રિયાને ધારાસભ્યો કે નેતાઓના વયજૂથ એટલે કે ઉંમર અથવા નવા-જૂના કે પીઢ શિખાઉ નેતા જેવા કોઈ ભેદભાવ નથી. રાજસ્થાનના પ્રકરણમાં કોઈ પણ પરિણામ આવે પરંતુ કોંગ્રેસને ત્યારે જ નુકસાન થતું અટકી શકે, જ્યારે બળવાખોર જૂથ પાછું કોંગ્રેસમાં આવી જાય.

રાજસ્થાનના રાજ્યપાલપદે ભાજપના કલરાજ મિશ્રા છે. મિશ્રાએ ગહલોતને ભાવ નથી આપ્યો ને વિધાનસભાનું સત્ર ક્યારે બોલાવવું એ મુદ્દે મગનું નામ મરી પાડ્યું નથી તેથી ગહલોત ભડક્યા છે. ગહલોતે ધરણાંનું નાટક કરવાની ને વિધાનસભાને ઘેરાવ કરવાની ધમકીઓ આપવા માંડી છે. મિશ્રા પર આ ધમકીની અસર થશે કે નહીં એ ખબર નથી પણ ગહલોત જે રીતે ઊંચાનીચા થઈ રહ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે, હાઈ કોર્ટના આદેશના પગલે એ ફફડી તો ગયા જ છે. હાઈ કોર્ટનો આદેશ સચિન પાઇલટ કેમ્પ માટે રાહત રૂપ છે પણ તેના કારણે ગહલોત સરકાર પર કોઈ દેખીતો ખતરો ઊભો નથી થતો. આમ છતાં ગહલોત ઘાંઘા થયા છે તેનું કારણ એ કે, હાઈ કોર્ટના આદેશે પાઇલટને ગહલોત સરકારને ઘરભેગી કરવાની વધુ એક તક આપી દીધી છે. ગહલોત પાઇલટનું બોર્ડ સાવ પતાવી દેવાના ઝનૂને ચડેલા છે. પાઇલટ રાજસ્થાન વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠરે ને પક્ષાંતર ધારા હેઠળ છ વર્ષ લગી ચૂંટણી ના લડી શકે એ માટે ગહલોતે બધી તાકાત લગાવી દીધી.

હાઈ કોર્ટે ગહલોતના આ ઉધામા પર બ્રેક મારી દીધી છે ને સાથે સાથે પાઇલટને બીજા ધારાસભ્યો તોડવા માટે સમય પણ આપી દીધો છે.રાજસ્થાન વિધાનસભાના કુલ 200 સભ્યો છે ને તેમાંથી કૉંગ્રેસ પાસે 107 ધારાસભ્યો હતા. વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને સ્પષ્ટ બહુમતી નહોતી મળી ને કૉંગ્રેસે કટોકટ 100 બેઠકો જીતતા બહુમતી માટે 1 બેઠક પૂરતો પનો ટૂંકો પડ્યો હતો. એ વખતે માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા)એ 6 બેઠકો જીતી હતી. ગહલોત મોટા ખેલાડી છે તેથી તેમણે સરકારને ઉની આંચ ના આવે ને ભાજપ તોડફોડ ના કરે એટલે સરકાર રચ્યાના થોડા જ મહિનામાં બસપાના છ ધારાસભ્યોને સાગમટે કૉંગ્રેસમાં લઈ લીધેલા. બધા ધારાસભ્યો કૉંગ્રેસમાં જોડાયા એટલા પક્ષપલટાનો કાયદો લાગુ ન પડે.

ગહલોતે પોતાના ઘરમાં જ ધાડ મારી તેથી માયાવતીએ બહુ કકળાટ કરેલો પણ ગહલોતે તેમના કકળાટને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખેલો. એ પછી પેટાચૂંટણીમાં એક બેઠક જીતીને કૉંગ્રેસે પોતાની બેઠકોનો આંકડો 107 પર પહોંચાડી દીધેલો ને પોતાના જોરે જ સરકાર ટકે એવી ગોઠવણ કરી નાંખેલી. ભાજપ પહેલેથી ગહલોતને ઘરભેગા કરવા ઊંચોનીચો થતો હતો તેથી ગહલોતે પોતાની પાર્ટીના ધારાસભ્યો ખરે તો વાંધો ના આવે એટલા માટે 12 અપક્ષોને પોતાના પડખામાં લઈ લીધેલા. આ સિવાય બીટીપીના 2, સીપીએમના 2 ને રાષ્ટ્રીય લોકદળના 1 મળીને બીજા 5 ધારાસભ્યો પણ ગહલોતની પંગતમાં હતા તેથી ગહલોત સરકાર પાસે કુલ 124 ધારાસભ્યોનો ટેકો હતો.

હવે સચિન પાઇલટની સાથે કુલ 19 ધારાસભ્યોએ તલવાર તાણી છે. આ બધા ધારાસભ્યો કૉંગ્રેસના છે ને બીજા પક્ષના ધારાસભ્યોમાંથી કોઈ ખર્યું નથી. એ બધા તેલ ને તેલની ધાર જોતા બેઠા છે. ગહલોત ઢીલા પડ્યા છે એવું લાગશે તો તેમને વંડી ઠેકીને ભાગતાં વાર નહીં લાગે પણ અત્યારે તો એ બધા ગહલોતની પંગતમાં જ છે. ગહલોતે બધા ધારાસભ્યોને હોટલભેગા કરી દીધા છે તેથી ભાજપ ત્યાં લગી પહોંચી શકતો નથી. આ કારણે પાઇલટના 19 ધારાસભ્યોને બાદ કરો તો ગહલોતનો ગઢ અડીખમ છે ને તેમની પાસે હજુ 105 ધારાસભ્યોનો ટેકો તો છે જ. બહુમતી માટે 101 ધારાસભ્યોનો ટેકો જોઈએ એ જોતાં ગહલોત પાસે હજુ ચાર ધારાસભ્યો વધારે છે તેથી કાગળ પર તો ચિત્ર એવું જ છે કે, ગહલોતને વાંધો નહીં આવે. વાસ્તવમાં એવું નથી ને પાઇલટ પાસે જે વિકલ્પો છે તેના પર નજર નાંખશો તો ગેહલોતનો રઘવાટ સમજાશે.