સરકારે કરેલા ચૂંટણી સુધારાને કારણે હવે મતદારોની જન્મકુંડળી નેતાઓના હાથમાં

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર લાંબા સમયથી ચૂંટણી પ્રક્રિયામાં સુધારા કરવાની વાતો કરે છે ને એ દિશામાં એક પગલું ભરીને સરકારે લોકસભામાં ધ ઈલેક્શન લોઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2021 રજૂ કરી દીધું. લોકસભામાં ભાજપની બહુમતી છે તેથી આ ખરડો પાસ પણ થઈ ગયો ને હવે રાજ્યસભામાં ખરડો પાસ થાય અને રાષ્ટ્રપતિની સહી થાય એટલે કાયદો બની જશે. આપણે ત્યાં 1950માં ધ રીપ્રેઝન્ટેટિવ્સ ઓફ ધ પીપલ એક્ટ,1950 બનેલો ને પછી ધ રીપ્રેઝન્ટેટિવ્સ ઓફ ધ પીપલ એક્ટ, 1951 પણ બનેલો. ગુજરાતીમાં જનપ્રતિનિધિત્વ ધારા તરીકે ઓળખાતા આ બંને કાયદા હેઠળ દેશમાં ચૂંટણી લડવાને લગતા નિયમો ઘડાયા છે. કેન્દ્ર સરકાર આ ધ રીપ્રેઝન્ટેટિવ્સ ઓફ ધ પીપલ એક્ટની કલમ 23 તથા બીજી કેટલીક કલમોમાં સુધારો કરીને મતદાર યાદીને આધાર કાર્ડ ઈકોસિસ્ટમ એટલે કે આધાર કાર્ડની વ્યવસ્થા સાથે જોડવા માગે છે.
સીધા ને સરળ શબ્દોમાં કહીએ તો દેશમાં મતદાર યાદી બનાવવાની પ્રક્રિયામાં હવે આધાર કાર્ડના ડેટાનો ઉપયોગ થશે. આ કાયદામાં થનારા સુધારા પ્રમાણે જેમનાં નામ પહેલાંથી મતદાર યાદીમાં છે તેમની પાસે પણ મતદાર યાદીમાં નોંધણી કરનાર અધિકારી આધાર નંબર માગી શકશે. ધ રીપ્રેઝન્ટેટિવ્સ ઓફ ધ પીપલ એક્ટની કલમ 23 હેઠળ ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરને કોઈ પણ વ્યક્તિની મતદાર તરીકે નોંધણી કરવા માટે પોતાને સંતોષ થાય એવા પુરાવા માગવાનો અધિકાર છે. આ અધિકારમાં હવે આધાર ડેટાનો ઉમેરો કરવામાં આવશે. મતદાર યાદીમાં જેનું નામ છે એ વ્યક્તિ જેના નામે આધાર કાર્ડ ઈસ્યુ કરાયું છે એ જ વ્યક્તિ છે કે નહીં તેની અધિકૃત ચકાસણી એટલે કે ઓથેન્ટિફિકેશન કરી શકે એ માટે અધિકારીને આ સત્તા અપાશે. કોઈ વ્યક્તિનું એક કરતાં વધારે મતવિસ્તારમાં નામ હોય કે એક મત વિસ્તારમાં એક કરતાં વધારે વાર કોઈનું નામ હોય તો તેની ચકાસણી પણ અધિકારી આધાર નંબરના આધારે કરી શકે એ માટે તેને આ સત્તા અપાઈ છે.
આ ખરડામાં એવી ચોખવટ કરાઈ છે કે, જેમની પાસે આધાર કાર્ડ ના હોય તેમની મતદાર યાદીમાં નામ સમાવવાની અરજી ફગાવી નહીં શકાય. એ જ રીતે કોઈ વ્યક્તિ પાસે આધાર નંબર માગવામાં આવે ને એ આધાર નંબર ના આપી શકે તો તેનું નામ મતદાર યાદીમાંથી કાઢી નહીં શકાય. જેમની પાસે આધાર નંબર નહીં હોય એ લોકો નિયત કરેલા બીજા પુરાવા રજૂ કરીને મતદાર તરીકે પોતાની નોંધણી કરાવી શકશે. મોદી સરકાર વતી કાયદા પ્રધાન કિરેન રિજિજુએ આ ખરડો રજૂ કરતી વખતે દાવો કર્યો કે, આ કાયદાના કારણે દેશમાં બોગસ વોટિંગ બંધ થઈ જશે અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્ર્વસનિયતા વધી જશે.
વિપક્ષોએ આ ખરડા સામે વાંધો લીધો છે. તેમનો દાવો છે કે, આ ખરડો દેશના બંધારણે આપેલા પ્રાઈવસીના અધિકારનો ભંગ કરે છે તેથી આ ખરડો ના લાવવો જોઈએ. વિપક્ષોએ સુપ્રીમ કોર્ટે 2017માં આપેલા પ્રાઈવસી અંગેના ચુકાદાનો પણ હવાલો આપ્યો છે.
આ કાયદો એ ચુકાદાનો ભંગ કરે છે એવો પણ વિપક્ષોનો દાવો છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ સહિતના બધા રાજકીય પક્ષોએ આ ખરડા સામે હોહા કરી મૂકતાં ખરડો દાખલ કરવો કે નહીં એ મુદ્દે પણ મતદાન કરાવવું પડેલું. લોકસભામાં ભાજપની બહુમતી છે તેથી ખરડો દાખલ તો થઈ ગયો પણ વિપક્ષો જે રીતે હાકલાપડકારા કરી રહ્યા છે એ જોતાં આ મુદ્દે ધમાધમી થશે એવાં એંધાણ અત્યારથી વર્તાઈ રહ્યાં છે. મોદી સરકાર અને વિપક્ષો બંનેમાંથી કોની વાત સાચી છે તેની વાત કરતાં પહેલાં વિપક્ષો પ્રાઈવસીના મુદ્દે જે જસ્ટિસ પુટ્ટાસ્વામી કેસનો હવાલો આપે છે એ કેસ શું છે એ સમજવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે 2017માં પુટ્ટાસ્વામીના કેસમાં એક ચુકાદો આપેલો. નવ જજની બંધારણીય બેંચે ઐતિહાસિક ચુકાદામાં પ્રાઈવસીને બંધારણે આપેલો મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો.
આ ચુકાદા પ્રમાણે સત્તાવાળા કોઈ પણ વ્યક્તિની અંગત વિગતો કે માહિતી માંગે એ પ્રાઈવસીના અધિકારનો ભંગ કહેવાય. જસ્ટિસ પુટ્ટાસ્વામીએ સરકાર સોશિયલ મીડિયા પાસે લોકોની અંગત વિગતો માગે છે તેના સંદર્ભમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે તેમની દલીલને માન્ય રાખીને કોઈ પણ વ્યક્તિની અંગત વિગતો માગવાને બંધારણે આપેલા પ્રાઈવસીના કાયદાનો ભંગ ગણાવ્યો હતો. આધાર ડેટા સાથે વ્યક્તિની અંગત માહિતી અને બાયોમેટ્રિક ડેટા પણ જોડાયેલો છે. ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર ઓથેન્ટિફિકેશન માટે કોઈ વ્યક્તિ પાસે આધાર નંબર માગે તેનો અર્થ ઓફિસર વ્યક્તિની અંગત માહિતી માગે છે એવો જ થાય તેથી એ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અને બંધારણે આપેલા પ્રાઈવસીના અધિકારનો ભંગ જ કહેવાય. એ રીતે જોઈએ તો વિપક્ષોની દલીલ એકસો ને દસ ટકા સાચી જ છે. વિપક્ષોએ પ્રાઈવસીનો જે મુદ્દો ઉઠાવ્યો છે એ સાવ કાઢી નાખવા જેવો નથી જ.
મોદી સરકારને તેમાં કશું ખોટું લાગતું નથી કે પ્રાઈવસીનો ભંગ લાગતો નથી. કિરેન રિજિજુએ વિપક્ષોના ડરને સાવ આધારહીન ગણાવીને એવી દલીલ કરી કે, વ્યક્તિગત આઝાદી અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાનું વિપક્ષી સભ્યો ખોટું અર્થઘટન કરી રહ્યા છે. વિપક્ષો આ ખરડાનો ઉદ્દેશ જ સમજ્યા નથી તેથી તેનો વિરોધ કરે છે. સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલો એ વ્યક્તિગત આઝાદી વિશે નહીં પણ પ્રાઈવસી વિશે છે. પ્રાઈવસી એટલે વ્યક્તિની એકદમ અંગત કહેવાય એવી વાતો કે માહિતી. આધાર ડેટામાં એ વિગતો હોય છે તેથી એ ડેટા આપવાની ફરજ પડાય એ પ્રાઈવસીનો ભંગ જ કહેવાય. જો કે જે સરકાર આ પહેલાં જિયો જેવી ખાનગી કંપનીને મોબાઈલનાં કનેક્શન આપવા માટે મોબાઈલનો ડેટા આપી ચૂકી હોય તેને મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયાને આધાર ડેટા સાથે જોડવામાં કશું ખોટું ન જ લાગે.
સુપ્રીમ કોર્ટે તો મોબાઈલ કનેક્શન આપવા માટે આધાર દ્વારા વેરિફિકેશનને પણ અયોગ્ય ગણાવેલું ને છતાં એ ધંધો ધમધોકાર ચાલે જ છે. આ ખરડામાં બીજી પણ એક વિરોધાભાસી વાત છે. ખરડામાં અધિકારી ઓથેન્ટિફિકેશન માટે મતદારનો આધાર કાર્ડ નંબર માગી શકશે. સાથે એવું પણ કહેવાય છે કે, આધાર કાર્ડ નહીં હોય તો મતદાર બનવા માટેની અરજી નહીં ફગાવાય કે મતદાર તરીકે નામ કમી નહીં કરાય. આ બંને વાતો અત્યંત વિરોધાભાસી છે કેમ કે, આધાર કાર્ડ નંબર વિના પણ કોઈ વ્યક્તિ મતદાર બની શકતી હોય તો પછી આ જોગવાઈનો મતલબ શું ? કેન્દ્ર સરકારની દલીલ છે કે, આધાર કાર્ડના ડેટા સાથે જોડવાથી ડુપ્લિકેશન અટકાવી શકાશે ને બોગસ મતદાન અટકશે. હવે વ્યક્તિ આધાર કાર્ડ નંબર જ ન આપે ને છતાં તેનું નામ મતદાર યાદીમાં રહેવાનું હોય તો આધારના ડેટા સાથે મતદાર યાદીને જોડવાનો મતલબ શું ?
મતદાર યાદીમાં નામ રાખવા આધાર કાર્ડના ડેટામાં તમારું નામ હોવું ફરજિયાત હોય કે જેમની પાસે આધાર કાર્ડ હોય, જેનું નામ આધાર કાર્ડના ડેટામાં હોય તેનું જ નામ મતદાર યાદીમાં રહે એવી જોગવાઈ હોય તો તેનો અર્થ છે, બાકી કોઈ અર્થ નથી. જેમનાં નામ નહીં હોય તેમણે દેશની મતદાર યાદીમાં રહેવું હોય તો આધાર કાર્ડ કઢાવવું પડે એવું ફરજિયાત કરાય તો આ કાયદાનો અર્થ છે. આ કાયદાથી ખરેખર બોગસ વોટિંગ અટકશે કે નહીં તેની આપણને ખબર નથી પણ આ રીતે મતદાર યાદી આધાર ડેટા સાથે જોડાઈ જશે તેના કારણે શું થશે એ સમજવાની જરૂર છે. આધારમાં દરેક વ્યક્તિના મોબાઈલ નંબર સહિતનો ડેટા જોડાયેલો છે.
અત્યારે રાજકીય પક્ષોએ આ ડેટા મેળવવા બહુ મથવું પડે છે. મતદાર યાદીમાંથી જ આ ડેટા મળી જાય તો પછી રાજકીય પક્ષો તેનો સીધો ઉપયોગ કરી શકે. લોકસભા હોય કે રાજ્યની વિધાનસભા હોય, આખા મતવિસ્તારના તમામ મતદારોના ડેટા એનાલિસિસ કરી શકે. મતદાર ક્યા ધર્મનો છે ત્યાંથી માંડીને શું કામ કરે છે, ક્યા ઈન્કમ ગ્રુપમાં આવે છે ત્યાં સુધીની બધી વિગતો મળી જાય કેમ કે આધાર કાર્ડ હવે પાન કાર્ડ, બેંક એકાઉન્ટ બધું આધાર કાર્ડ સાથે જોડાયેલું છે. આ વિગતો બધા રાજકીય પક્ષોને ન મળે પણ તેને મળે કે જેની પાસે આધારનો ડેટા એક્સેસ કરવાની સત્તા હોય.