સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ પર અંકુશ રાખવા કાયદા ઘડવા પડશે

નરેન્દ્ર મોદી સરકારે બનાવેલા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે નરેન્દ્ર મોદી સરકાર અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર સામસામે આવી ગયાં છે. મોદી સરકાર ને ટ્વિટર વચ્ચે પટ્ટાબાજી ચાલી રહી છે ત્યારે બીજી તરફ બીજી એક સોશિયલ નેટવર્કિંગ પ વોટ્સપ સુપ્રીમ કોર્ટની ઝપટે ચડી છે. વોટ્સપ ભારત માટે જે નવી પ્રાઈવેસી પોલિસી અમલમાં મૂકવા માગે છે તેની સામે વિવાદ મચેલો છે. વોટ્સએપની પ્રાઈવેટ પોલિસી સામે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી થયેલી છે. વોટ્સપ આ નવી પ્રાઈવસી પોલિસીનો અમલ મોકૂફ રાખે ને યુરોપિયન યુનિયન વિસ્તારમાં પ્રાઈવસીનાં જે કડક ધારાધોરણ છે એવાં ધારાધોરણ ભારતમાં પણ અમલી બનાવે એવી માગણી આ અરજીમાં કરાઈ છે.
સોમવારે આ અરજી પરની સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે વોટ્સએપને ઝાટકી છે ને સાથે સાથે તેની નવી પ્રાઈવસી પોલિસી મુદ્દે જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી કરી કે, તમે બે-ત્રણ ટ્રિલિયન ડોલરનું ટર્નઓવર ધરાવતી તોતિંગ કંપની હશો, પણ લોકોની પ્રાઈવસીનું મૂલ્ય તેના કરતાં ઘણું વધારે છે તેથી તેને જોખમમાં ન મૂકશો. સુપ્રીમ કોર્ટે અમેરિકા અને યુરોપની સરખામણીમાં ભારતમાં પ્રાઈવસીનાં ધારાધોરણ નબળાં કરી દેવાયાં છે એ મુદ્દે પણ વોટ્સપ પાસે જવાબ માગ્યો છે. વોટ્સપની માલિક તરીકે ફેસબુક છે તેથી ફેસબુક અને મોદી સરકારને પણ સુપ્રીમ કોર્ટે નોટિસ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે વોટ્સપને નોટિસ આપીને ચાર સપ્તાહમાં જવાબ આપવા કહ્યું છે તેથી આ મુદ્દે અત્યારે તો મુદત પડી છે, પણ વોટ્સપ શું જવાબ આપશે તેનો સંકેત તેમણે અત્યારથી જ આપી દીધો છે. આ જવાબને સમજવા માટે વોટ્સપની નવી પોલિસી શું હશે ને કકળાટ શાનો છે એ સમજવું જરૂરી છે.
વોટ્સપની નવી પ્રાઈવેટ પોલિસી પ્રમાણે વોટ્સપ યુઝર જે ક્ન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ કે રિસીવ કરશે તેનો ઉપયોગ વોટ્સપ કોઈ પણ જગ્યાએ કરી શકશે. કંપની આ ડેટાને શેર પણ કરી શકશે ને તેને માટે તેણે કોઈની પણ મંજૂરી લેવાની જરૂર નથી. વોટ્સપે એલાન કરેલું કે, આ પોલીસી 8 ફેબ્રુઆરી 2021થી લાગુ કરવામાં આવશે પણ આ નવી પોલિસી સામે ઊહાપોહ શરૂ થતાં અમલ મોકૂફ રખાયેલો ને એલાન કરાયેલું કે, હવે પછી 15 મેથી આ નીતિનો અમલ કરાશે. કંપનીએ પહેલાં સાવ નાગાઈ પર ઉતરીને જાહેર કરેલું કે, કંપનીની નવી પોલિસી જેને માફક ન આવે એ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ નહીં કરી શકે. આ મુદ્દે હોહા થયા પછી કંપનીએ ગુલાંટ લગાવીને જાહેર કર્યું કે, આ વાત વૈકલ્પિક છે ને યુઝર તેનો ડેટા શેર કરવાની ના પાડશે તો પણ તેનું એકાઉન્ટ બંધ નહીં થાય.
વોટ્સપની પ્રાઈવેટ પોલિસીનો ટૂંકમાં સાર એ છે કે, તમે વોટ્સએપનો ઉપયોગ કરવા માગતા હો તો તમારે અમારા તાબેદાર થઈને રહેવું પડે. અમે નચાવીએ એમ નાચવાનું ને પણ તમારે ચૂં કે ચાં નહીં કરવાનું. તમને આ વાત માફક આવે તો વોટ્સપ વાપરો, નહિંતર વોટ્સપ છોડીને ઘરભેગા થઈ જાઓ. સુપ્રીમ કોર્ટે તતડાવ્યા એટલે વોટ્સપે એવી સફાઈ આપી છે કે, નવી પ્રાઈવસી પોલિસીના કારણે યુઝર્સનો ડેટા બીજાંને આપી દેવાશે એ વાતમાં માલ નથી. વોટ્સપ વતી કોંગ્રેસી કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમા હાજર થયેલા ને તેમણે આ વાતને બકવાસ ગણાવી પણ સુપ્રીમ કોર્ટે એ મુદ્દે સોગંદનામું કરવા કહ્યું તો તેમના ટાંટિયા ઢીલા થઈ ગયા.
હવે વોટ્સપ આ નોટિસનો શું જવાબ આપશે તેની વાત પર આવીએ. વોટ્સપના કહેવા પ્રમાણે, યુરોપિયન યુનિયનમાં પ્રાઈવસી પોલિસી અંગેનો કાયદો અમલમાં છે તેથી ત્યાં પ્રાઈવસીનાં ધારાધોરણ ઊંચાં છે. વોટ્સપે આ જ કારણસર ભારત અને યુરોપિયન યુનિયન માટે અલગ અલગ પ્રાઈવસી પોલિસી બનાવી છે. ભારતમાં પણ કાયદો બનશે તો અમે એ કાયદાનું પાલન કરીશું ને પ્રાઈવસીનાં ઊંચાં ધોરણો ભારતમાં પણ અમલી બનાવીશું. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સોગંદનામું કરવા કહ્યું તો પણ વોટ્સપે તૈયારી ન બતાવી. સિબ્બલ આ મુદ્દે પણ પાણીમાં બેસી ગયા. સિબ્બલ યુઝર્સનો ડેટા બહાર કોઈને નહીં અપાય એ મુદ્દે પણ પાણીમાં બેસી ગયા ને પ્રાઈવસી પોલિસીના નવા કાયદાના મુદ્દે પણ ઢીલા પડી ગયા. એ બંનેમાંથી કોઈ પણ મુદ્દે સોગંદનામું કરીને ખાતરી આપવા તૈયાર નથી તેનો અર્થ એ થાય કે, વોટ્સએપના પેટમાં પાપ છે ને તેનો ઈરાદો ખરાબ છે. બાકી આવી ખાતરી આપવામાં શું વાંધો હોય ? વોટ્સપના મનમાં લુચ્ચાઈ છે તેથી એ કતરાય છે એ કહેવાની જરૂર નથી.
સુપ્રીમ કોર્ટ આ લુચ્ચાઈનો ઈલાજ કરવા બેઠી જ છે તેથી આપણે તેની ચિંતા કરવાની જરૂર નથી પણ વોટ્સપની લુચ્ચાઈએ આપણી એક નબળાઈને છતી કરી દીધી છે. ને વાસ્તવમાં તો વોટ્સપ આ રીતે વર્તી શકે છે તેનું કારણ આપણી આ નબળાઈ છે. આપણે ત્યાં ડિજિટલ ઈન્ડિયાની વાતો જોરશોરથી થાય છે ને સોશિયલ મીડિયા પાછળ તો આખું સરકારી તંત્ર ઘેલું છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે, ભારતમાં ડેટા પ્રોટેક્શન અંગે કોઈ કાયદો જ નથી. આપણે ત્યાં સોશિયલ મીડિયાના યુઝર્સની સંખ્યા કરોડોમાં છે. ભારતમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ વધતો જ જાય છે. 2015માં ભારતમાં 14 કરોડ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. અત્યારે 35 કરોડ લોકો કરે છે. મતલબ કે પાંચ વર્ષમાં જ આ પ્રમાણ અઢી ગણું થઈ ગયું છે. 2023માં આ સંખ્યા વધીને 45 કરોડ હશે. દુનિયાના બીજા કોઈ દેશમાં નહીં હોય એટલા સોશિયલ મીડિયા યુઝર્સ ભારતમાં છે પણ આ યુઝર્સના અધિકારોના રક્ષણની નથી આપણી સરકારને કંઈ પડી જ નથી.
મોદી સરકારે 2019માં સંસદમાં ડેટા પ્રોટેક્શન માટેનો કાયદો બનાવવાનું નક્કી કરેલું ને એ માટેનો ખરડો પણ દાખલ કરેલો પણ એ ખરડો કોંગ્રેસને કારણે લટકેલો જ છે. 2019 તો આખું ગયું જ પણ 2020 પણ ગયું ને 2021 આવી ગયું. હજુ એ કાયદો બન્યો નથી ને ક્યારે બનશે એ ખબર નથી. વોટ્સપ એ વાતનો ફાયદો ઉઠાવી રહ્યું છે. હમણાં ટ્વિટર સાથે મોદી સરકારને ડખો ચાલે છે એટલે કદાચ હઈસો હઈસોમાં આ કાયદો બની જાય એવું બને ને એ જરૂરી છે કેમ કે વોટ્સપ હોય કે બીજું કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય, તેને નાથવા માટે કાયદો જરૂરી જ છે. અત્યારે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યૂબ જેવાં સોશિયલ મીડિયા સાવ નિરંકુશ છે. વોટ્સપ પણ તેમાં આવી જ ગયું ને વાસ્તવમાં વોટ્સપ વધારે ખતરનાક છે કેમ કે ભારતમાં સૌથી વધારે યુઝર્સ વોટ્સપના છે. વોટ્સપ કોઈ પણ ક્ધટેન્ટનો ફેલાવો કરવામાં સૌથી અસરકારક છે તેથી વોટ્સપ વધારે ખતરનાક છે.
આ બધાંને આડો હાથ દેનારું કોઈ નથી તેથી એ પોતાના યુઝર્સને રોકતાં નથી ને બધું બેફામ ચાલે છે. સોશિયલ મીડિયા પર લોકોને ગમે એવી ચીજો નખાય છે ને પિરસાય છે. સોશિયલ મીડિયાની મોટી કંપનીઓ તેમાંથી ધિંગી કમાણી કરે છે ને પોતાનાં ગજવાં ભરે છે. તેમને એટલાથી ધરવ નથી એટલે હવે યુઝર્સનો ડેટા વેચીને એ લોકો કમાણી કરવા માગે છે ને એ રોકવું જ પડે. બાકી તમારી અંગત જિંદગી આખી દુનિયા સામે ઉઘાડી થઈ જાય. આ સ્થિતિ ન સર્જાય એટલા માટે તાબડતોબ કાયદો બનાવવો જરૂરી છે. એક સ્પષ્ટતા જરૂરી છે કે, આ વાત ડેટા પ્રોટેક્શનને લગતા કાયદાની છે, સોશિયલ મીડિયા પર નિયંત્રણની નહીં. સોશિયલ મીડિયા લોકોની અંગત બાબતોને દુનિયા સામે ખુલ્લી કરી દે કે વેચે તેનો દુરૂપયોગ થવાનો ખતરો છે જ એ જોતાં પણ ડેટા પ્રોટેકશનનો કાયદો જરૂરી નહીં પણ અનિવાર્ય છે.