સરકાર મિલેટ અત્યારે વરસ ઉજવે છે ત્યારે  વડાપ્રધાનને યાદ છે બાબરિયાવાડનો બાજરો

બાજરાના લહેરાતા ખેતરને જોઈ સૌરાષ્ટ્રનો ખેડૂત એની પત્નીને કહે છે – ‘ ડૂંડે બેઠા છે રૂડા દાણા, પટલાણી ઓણ દીકરીના કરી દઈએ આણા…’ સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ મનોહર ત્રિવેદીના એક કાવ્યની આ મનોહર પંક્તિઓ છે. બાજરો સૌરાષ્ટ્રના ભોજનથાળનો રાજા છે. એમાંય શિયાળા કે ચોમાસાના ટાઢોડામાં તો એ જાણે કોઈએ અમૃતરસમાં ઝબોળીને આપ્યો હોય એવું એનું માધુર્ય છે. વૈજ્ઞાનિક રીતે એમ કહેવાય કે એકદળી વર્ગમાં આવેલા એવા પોએસી કુળની એક વનસ્પતિ એટલે બાજરો. હિન્દીમાં એને બાજરા કે લાહરા કહે. દક્ષિણ ભારતમાં કંબુ અને ઈંગ્લિશમાં પર્લમિલેટ કે કેટેઈલ મિલેટ કહેવાય.
બાજરો તો સૌરાષ્ટ્રના ભોજનથાળનો રાજા છે, આ
વરસે મિલેટ વરસ હોવાથી બાજરાનો મહિમા વધશે
સમગ્ર દુનિયામાં લગભગ 270 લાખ હેક્ટર જમીનમાં બાજરાના પાકનું વાવેતર થાય છે.

બાજરાના રોટલા શહેરી જીવનમાંથી પાછલા વરસોમાં ઓછા થઈ ગયા હતા. પરંતુ કોરોનાકાળ આવ્યો અને નાગરિકોની આરોગ્ય સભાનતા વધી પછી બાજરો રસોડામાં ફરી પ્રવેશ્યો છે. રોટલી અને ભાખરીના સતત ચાલતા એકચક્રી શાસનનો અંત આવ્યો છે. તો પણ શહેરમાં બહુ ઓછા પરિવારો બપોરે રોટલો પસંદ કરે છે. ગામડાંમાં તો હજુ પણ બાજરાનું રાજ ચાલે છે. શહેરોની કરિયાણાની દુકાનોમાં બાજરાનો તૈયાર લોટ મળે છે એનો ઉપયોગ વધારે થાય છે. અનાજ બજારમાંથી બાજરો પસંદ કરનારા ઓછા છે. ગુજરાતમાં સૌથી વધુ વખણાતો બાજરો બાબરિયાવાડનો બાજરો છે. બાબરિયાવાડ એટલે કાઠિયાવાડનો એક ભાગ જેમાં વિક્ટર, રાજુલા, પીપાવાવ, ભેરાઈ, ડુંગર અને આસપાસનો વિસ્તાર આવે. અહીંના બાજરામાં બહુ મીઠાશ હોય છે. દરિયા કિનારાની આછી ખારાશ બાજરાના છોડમાં પ્રવેશીને જે માધુર્ય ધારણ કરે છે તે અદ્ભુત છે. વડાપ્રધાન મોદી છેલ્લે જ્યારે રાજુલા આવ્યા ત્યારે એમણે જાહેરમાં કહ્યું હતું કે બાબરિયાવાડનો બાજરો મને બહુ વહાલો છે. આજે પણ તેમના મેનુમાં આ પ્રદેશનો બાજરો છે.

તે છઠ્ઠા ક્રમનો અગત્યનો ધાન્ય પાક છે. ભારતમાં બાજરાના પાકના દાણા અને ચારાનો મુખ્ય ઉપયોગ અનુક્રમે ખોરાક અને નીરણ તરીકે થાય છે. ભારતમાં આ પાકનું વાવેતર આશરે 110થી 120 લાખ હેક્ટર જમીનમાં થાય છે; જે બાજરાના વાવેતરમાં દુનિયાનો 43 % જેટલો વિસ્તાર થવા જાય છે. વિસ્તારની દૃષ્ટિએ ડાંગર, જુવાર અને ઘઉં પછીના ક્રમમાં બાજરો ચોથા ક્રમનો ધાન્ય પાક છે, જ્યારે ઉત્પાદનની દૃષ્ટિએ ડાંગર, ઘઉં, જુવાર અને મકાઈ પછી પાંચમા ક્રમે આવે છે. ગુજરાતમાં 11થી 12 લાખ હેક્ટર જમીનમાં ચોમાસુ પાક તરીકે અને 1.5થી 2 લાખ હેક્ટર જમીનમાં ઉનાળુ પાક તરીકે બાજરાના પાકનું વાવેતર થાય છે. ભારતમાં રાજસ્થાન પછી વાવેતર- વિસ્તાર તરીકે ગુજરાત બીજા ક્રમે આવે છે. બાજરાના છોડના વિવિધ ભાગો લીલા, લાલ, જાંબલી કે પીળાશ પડતા રંગવાળા હોય છે.

બાજરાની જાતોનું વર્ગીકરણ મુખ્યત્વે છોડની ઊંચાઈ; ડૂંડાની લંબાઈ, જાડાઈ અને સખ્તાઈ; ડૂંડામાં મૂછોની હાજરી, દાણાનો રંગ અને આકાર તથા પરિપક્વતા વગેરે ગુણોના આધારે કરી શકાય છે. બાજરાની રૂપગત વિભિન્ન અને જંગલી જાતો મુખ્યત્વે પશ્ચિમ આફ્રિકા તેમજ સહરાના રણનાં દક્ષિણ અને ઉત્તરનાં જંગલોમાં જોવા મળે છે. દક્ષિણ સુદાનથી સેનેગલ સુધીનો સહેલ વિભાગનો વિસ્તાર આ પાકનું ઉદભવસ્થાન ગણાય છે. આ ઉપરાંત ઈથિયોપિયા, સીએરા લીઓન અને સેન્ટ્રલ સહરાની નાઇજર નદીના ઉપરવાસનો ભાગ પણ બીજા ઉદભવસ્થાન તરીકે ગણવામાં આવે છે. બાજરાના ઉદભવ અને વર્ગીકરણ વિશે ઘણાં વિરોધાભાસી મંતવ્યો આપવામાં આવ્યાં છે. કેટલાક વર્ગીકરણવિજ્ઞાનીઓ તેનો બહુજાતિવિકાસી ઉદભવ માને છે.

કેટલાંક સ્વરૂપો કેટલીક વન્ય જાતિઓની એક અથવા બીજી જાતિમાંથી મૂળભૂત રીતે ઉત્પન્ન થયાં છે; તે પૈકીમાંની થોડીક જાતિઓ તો ખેતરોમાં અપતૃણ તરીકે થાય છે. બીજાં કેટલાંક સ્વરૂપો સંકરણ દ્વારા ઉત્પન્ન થયાં છે. ભારતમાં ઉગાડાતો બાજરો ઊંચી જાતનાં સુધરેલાં સ્વરૂપો ધરાવે છે. કેટલાકના મત પ્રમાણે બાજરો મધ્યોદભિદ જાતિ (નેપિયર ઘાસ)માંથી અને પેનિસિલેરિયા પ્રજાતિની શુષ્કોદભિદ ( ઝેરોફિટિક) સમૂહની નાની જાતિઓમાંથી ઉદભવ્યો છે. બાજરાના કોષમાં 14 રંગસૂત્રો આવેલાં હોય છે.

બાજરામાં પાક-સુધારણા કરી વધુ ઉત્પાદન આપતી ઘણી સુધારેલી જાતો અને સંકર (હાઇબ્રિડ ) જાતો વિકસાવવામાં આવી છે, જેમાં રોગ અને જીવાત સામે રક્ષણ મળે છે. બાજરાની દુનિયાભરમાં આવી 3,000 જેટલી જાતો વિકસાવવામાં આવી છે. તેના પાકનું વધુ ને વધુ ઉત્પાદન મેળવવા માટે વૈજ્ઞાનિક ખેતી-પદ્ધતિઓ પણ વિકસાવવામાં આવેલ છે. તે અંગેનાં સંશોધનો ગુજરાતમાં જામનગર-સ્થિત બાજરા સંશોધન કેન્દ્ર, ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં થાય છે. આ કેન્દ્ર પરથી 1966થી 1998 સુધીમાં ઉત્તરોત્તર સુધરેલ બાજરાની કુલ 12 સંકર (હાઇબ્રિડ) જાતો અને 22 જેટલી વૈજ્ઞાનિક રીતની ખેતી-પદ્ધતિઓની ભલામણ થયેલ છે.

બાજરાની સંકર જાતનો વાવેતરમાં ઉપયોગ કરવાથી દેશી સ્થાયી જાત કરતાં 2.5થી 3 ગણું વધુ ઉત્પાદન મળે છે. બાજરાનું સરેરાશ ઉત્પાદન જે 1965માં હેક્ટરદીઠ 376 કિગ્રા. હતું તે વધીને 1997માં 1,313 કિગ્રા. સુધી પહોંચ્યું છે. આ ઉપલબ્ધ આંકડાઓ છે. પરંતુ આજે તો આનાથી ક્યાંય વધુ ઉત્પાદન મળે છે. બાજરો પ્રમાણસરની શુષ્ક આબોહવા અને નીચા વરસાદવાળા પ્રદેશોમાં થાય છે; છતાં ધાન્ય પાકવા માટે ઊંચું તાપમાન જરૂરી છે. તે 18 સેમી.થી 100 સેમી. વરસાદવાળા પ્રદેશોમાં થાય છે. જ્યાં 25.0 સેમી. કરતાં ઓછો વરસાદ થતો હોય ત્યાં તેની વૃદ્ધિ દરમિયાન એક-સરખા પ્રમાણમાં વરસાદ મળવો જરૂરી છે. અંકુરણ, પુષ્પોદભવ અને લણણી સમયે વરસાદ નુકસાનકારક છે. તે આંધ્રપ્રદેશ, મૈસૂર અને મદ્રાસની ભારે કાળી ભૂમિમાં, ગુજરાતની કાંપયુક્ત હલકી રેતાળ ગોરાડુ ભૂમિમાં અને દક્ષિણમાં મધ્યમસરથી માંડી હલકી ભૂમિમાં થાય છે.

વાવણી પહેલાં શુષ્ક ભૂમિ હોય તો 13 ગાડાં પ્રતિ હેક્ટર અને પિયત ભૂમિ હોય તો 25 ગાડાં પ્રતિ હેક્ટર ફાર્મયાર્ડ ખાતર આપવામાં આવે છે. જો પિયત ભૂમિ હોય તો વાવણી પહેલાં અને તે પછી 3થી 4 અઠવાડિયાં બાદ 100 કિગ્રા. એમોનિયમ સલ્ફેટનું ખાતર પ્રતિ હેક્ટરે આપવામાં આવે છે. પૌષ્ટિક ગુણવત્તાની ર્દષ્ટિએ બાજરાના દાણામાં ઘઉં જેટલા – 11 %થી 12 %ની વચ્ચે પ્રોટીન હોય છે; જે બાકીના બીજા ધાન્ય પાકો કરતાં ઘણું વધારે છે. તૈલી પદાર્થો અને ધાતુતત્ત્વ અન્ય કોઈ પણ ધાન્ય પાક કરતાં સૌથી ઊંચાં એટલે કે અનુક્રમે 5.0 % અને 2.7 % જોવા મળે છે. આ ઉપરાંત ખોરાકના અગત્યના ઘટકો જેવા કે ફૉસ્ફરસ અને લોહતત્વ અનુક્રમે 350 મિગ્રા. તથા 8.8 મિગ્રા./100 ગ્રામ, થાયેમીન 282.3–450 માઇક્રોગ્રામ, રાઇબોફ્લૅવિન 188.2 માઇક્રોગ્રામ અને કેરોટીન 220 આઈ.યુ./100 ગ્રામ હોય છે. આમ બાજરો એ એક ઉત્તમ પ્રકારનો સાત્વિક ધાન્ય પાક છે. આયુર્વેદ અનુસાર તે હૃદ્ય, બલકર, કાંતિકારક, અગ્નિદીપક, ઉષ્ણ, પિત્તને કોપાવનાર, રુક્ષ અને ઉત્સાહ પ્રેરક છે.