સરકાર, સંચાલકો ને વાલીઓના ત્રિભેટે શિક્ષણ અટવાઈ ગયું છે

ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝટકો આપીને જે ટિપ્પણીઓ કરી છે, તે જોતા તો રાજ્ય સરકાર પણ આ મુદ્દે શંકાના દાયરામાં છે. હાઈકોર્ટે સમગ્ર સુનાવણી દરમિયાન કહ્યું કે સરકાર પોતે વાલીઓની મદદ કરવા અને શાળા સંચાલકોની સમસ્યાઓ નિવારવા આગળ કેમ આવતી નથી, જો કે સરકારના પરિપત્રમાંથી માત્ર સંપૂર્ણ ફી માફીનો મુદ્દો જ હટાવાયો છે, પરંતુ અદાલતે સરકાર, શાળા સંચાલકો અને વાલીઓ સાથે મળીને સમગ્ર પ્રકણનું સર્વમાન્ય સમાધાન શોધી કાઢે, તે બાબત પર ભાર મૂક્યો છે. હાઈકોર્ટના વિગતવાર આદેશ પછી સ્થિતિ સ્પષ્ટ થશે. અદાલતે શાળા સંચાલકોને ખુલ્લી છૂટ આપી દીધી હોવાનું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે, તે પણ યોગ્ય નથી.

અદાલતે તો તમામ પક્ષકારોનું હિત જળવાય, સમસ્યાઓ ઊકેલાય અને વિદ્યાર્થીઓના શિક્ષણને નુક્સાન ન થાય તેવો કોઈ વચગાળાનો પણ નક્કર રસ્તો શોધી કાઢવાનું જ કહ્યું હોય, તેવું તારણ કાઢવું જ યોગ્ય છે અને હવે તે દિશામાં જ તમામ હિતધારકોએ આગળ વધવું જોઈએ. હાઈકોર્ટે સરકારની એ દલીલ પર પણ ટિપ્પણી કરી હતી કે શાળા-સંચાલકો સાથે ફી મુદ્દે વાટાઘાટો કરવાની તૈયારી બતાવી પરંતુ તેઓ તૈયાર ન થયા. હાઈકોર્ટે કહ્યું કે વાલીઓની સમસ્યા અને શાળાના ખર્ચ વચ્ચે સમતુલન હોવુું જોઈએ. હાઈકોર્ટે શાળા સંચાલકોએ ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું હતું, તેના પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી હોવાનું તારણ પણ નીકળે છે. હાઈકોર્ટે ખાનગી શાળા સંચાલકોને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો આદેશ પણ કર્યો, તે ઘણું જ સૂચક છે.

વાલીઓના વર્તુળોમાંથી એવો સૂર વ્યક્ત થઈ રહ્યો છે કે, શાળા સંચાલકોએ વાલીઓના હિતનો પણ વિચાર કરવો જોઈએ, અને હાલમાં ઓનલાઈન શિક્ષણની ફી ન લેવી જોઈએ. રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટમાં હાઈકોર્ટના ચૂકાદાની વિરૃદ્ધમાં અપીલ કરવી જ જોઈએ, જો કે હાઈકોર્ટનો ચૂકાદો આવ્યા પછી તરત જ જે રીતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે રાજ્ય સરકાર સુપ્રિમમાં જવાની નથી. તેનો મતલબ એવો થાય કે જો શાળા સંચાલકોની તરફેણમાં કે રાજ્ય સરકારને અનુકૂળ હોય તેવો ચૂકાદો હાઈકોર્ટમાંથી આવે તો સુપ્રિમમાં નહીં જવાનું ‘ફિક્સ’ જ હતું, અને વાલીઓની સમસ્યાઓની સરખામણીમાં રાજ્ય સરકારને કદાચ શાળા સંચાલકોની ચિંતા વધુ હતી.

ગુજરાતના લગભગ દોઢેક કરોડ વાલીઓ છે. વાલીઓના વર્તુળોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે જો સરકાર અને સંચાલકો આવી ને આવી અનિશ્ચિતતાઓ ચાલુ રાખશે તો વિદ્યાર્થીઓનું વરસ હાથમાંથી સરી જતાં વાર નહિ લાગે. ઉપરાંત આ બધી હાલક ડોલક સ્થિતિનો શિક્ષકોના મનોવિજ્ઞાન ઉપર પણ નકારાત્મક પ્રભાવ પડે છે કારણ કે તેમને એમ થાય છે કે કોઈને ફી ભરવી નથી એટલે શાળાઓ અમને પગાર આપતી નથી. શાળાઓની સમસ્યા એ છે કે નિયમિત આવતી ફીનો પ્રવાહ અટકી ગયો છે. સામાન્ય સમાજના મનમાં એમ છે કે શાળા સંચાલકો પાસે કરોડો રૂપિયા છે. હકીકતમાં એવું નથી. આજે શાળાઓમાં પણ એકબીજાની સ્પર્ધા હોય છે. શાળાઓનો વિકાસ ખર્ચ પણ ભારે હોય છે. આજકાલના વાતાવરણમાં કોઈ સંસ્થા ચલાવવી આસાન નથી. એટલે સંચાલકોને સાવ પૂર્વગ્રહથી જોવા એ પણ યોગ્ય નથી.

કેટલાક સારા શિક્ષકોએ તો આ દિવસોમાં પગાર ન મળવાથી વિદ્યાક્ષેત્ર જ કાયમ માટે છોડી દીધું છે અને તેઓ અન્ય ઔદ્યોગિક ક્ષેત્રમાં નોકરી કરવા લાગ્યા છે. કપરા સમયમાં શિક્ષકોને સંસ્થાઓએ સહકાર આપ્યો નથી એને કારણે હવે એ જતા રહેલા શિક્ષકો કદી પણ શાળાઓની નોકરીમાં પાછા ફરવાના નથી. શિક્ષણના ક્ષેત્રે કેન્દ્ર સરકાર જ્યારે આમુલ પરિવર્તન કરીને નવી શિક્ષણ નીતિ લાવી રહી છે, ત્યારે ગુજરાતમાં શિક્ષણ પર જ સંકટના વાદળો મંડરાયા છે. વાલીઓ સરકાર અને શાળાસંચાલકો વચ્ચે ફંગોળાઈ રહ્યા છે.

સરકારની નીતિ જ એવી રહી છે કે વિવાદનો વંટોળ ઊઠે અને અંતે તેનો ફાયદો શાળાઓ સંચાલકોને મળે. શાળા સંચાલકોને લોકડાઉનના કારણે શાળાઓ બંધ થઈ ત્યારથી લઈને શાળાઓને વર્ગખંડોમાં અભ્યાસ કરાવવાની ભવિષ્યમાં છૂટ મળે, ત્યાં સુધી ફી તદ્ન માફ કરવાનો પરિપત્ર કરીને સરકારે વાલીઓની વાહવાહી મેળવી લીધી અને હાઈકોર્ટમાં શાળા સંચાલકોને રાહત મળી જાય, તેવું વલણ દાખવીને તેનો માર્ગ પણ મોકળો કરી દીધો. હકીકતે સરકારે કોઈ રસ્તો કાઢ્યો હોત કે જેથી વાલીઓને પણ રાહત થાય અને ખાનગી શાળાઓને શિક્ષકો-સ્ટાફના પગાર અને શાળાઓનો નિભાવ ખર્ચ પણ નીકળે, તો હાઈકોર્ટમાં જવાની નોબત જ ન આવી હોત.

આ રણનીતિ તો ‘ચટ પણ મારી, પટ પણ મારી અને સિક્કો મારા મામાનો’ એવી એક હિન્દી કહેવત જેવો ઘાટ ઘડાયો છે, એવો સવાલ પણ ઊઠી રહ્યો છે કે વાલીઓની પીઠમાં કોણે દગાબાજીનું ખંજર ભોંક્યું છે? ધો. ૯ અને ધો. ૧૧ ના વિદ્યાર્થીઓ હવે ચિંતામાં છે કે તેની આગામી વર્ષની બોર્ડની પરીક્ષાની બુનિયાદ જ કેવી હશે? બીજી તરફ કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ મુજબનો ફેરફાર પણ તોળાઈ રહ્યો છે. એક તરફ દેશમાં કોરોનાએ ઉત્પાત મચાવ્યો છે ત્યારે કોઈ પણ જાહેર પ્રશ્નના સહુ પક્ષકારોએ ઉદારતાથી અને ઠંડકથી વિચારીને પરસ્પરને નુકસાન ન થાય એ રીતે નિર્ણય લેવો જોઈએ. આમાં જે મુખ્ય લાભાર્થી છે એ વિદ્યાર્થીઓનો તો કોઈ વિચાર જ ન કરતું હોય એવું દેખાય છે.