સરહદે સતત વધુ લશ્કરી થાણાંઓ ખડકીને ચીન યુદ્ધની તૈયારી કરે છે

ટેલિવિઝન ચેનલો દેશભક્તિના બહાને ક્યારેક ગપ્પાબાજી પણ તરતી મૂકી દે છે. આજકાલ ચીન સામે ભારતની અધિક તાકાત બતાવવા માટે ટીવી ચેનલો રીતસર ગપગોળા જ ચલાવે છે. આપણે ત્યાં ટીવી ચેનલો ચીનને આપણું લશ્કર કેવી રીતે ધૂળ ચટાડી રહ્યું છે ને ચીનને આપણે ધોળે દિવસે તારા દેખાડી રહ્યા છીએ એવી ગળચટ્ટી વાતોનું ચૂરણ ચટાડી રહી છે. લોકો પણ હોંશે હોંશે આ ચૂરણ ચાટીને ખુશ થયા કરે છે ત્યારે સ્ટ્રેટફોર નામની સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ ક્ધસલ્ટન્સીનો રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે 2017માં ડોકલામમાં થયેલા ડખા પછી ચીને ભારત સાથેની સરહદ એટલે કે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર 13 નવાં લશ્કરી થાણાં બનાવવાનું શરૂ કરી દીધેલું.
આ લશ્કરી થાણાંમાં ત્રણ એરબેઝ છે કે જ્યાંથી ફાઈટર જેટ ઉડાડી શકાય છે. પાંચ પરર્મેનન્ટ એર ડીફેન્સ પોઝિશન્સ છે અને પાંચ હેલિપોર્ટ્સ છે. એર ડીફેન્સ પોઝિશન્સ એટલે દુશ્મનનાં ફાઈટર જેટ કે મિસાઈલ્સને હવામાં જ ફૂંકી મારે એવી અત્યાધુનિક સિસ્ટમ જ્યારે હેલિપોર્ટ એટલે એવું નાનકડું એરપોર્ટ કે જેને જરૂર પડે તાત્કાલિક ખસેડી શકાય. ચીને આ બધું બાંધવાનું 2017માં શરૂ કરી દીધેલું પણ મે-જૂન મહિનામાં ફરી ભડકો થયો પછી ચીને એ કામમાં તેજી લાવી દીધી છે, એવો દાવો પણ આ રિપોર્ટમાં કરાયો છે. આ સિવાય લદાખમાં ભડકા પછી નવાં ચાર હેલિપોર્ટ બાંધવાનું પણ શરૂ કરાયું છે ને એ કામ પણ ધમધોકાર ચાલે છે. ચીન એવાં શેલ્ટર પણ બનાવી રહ્યું છે કે જેમાં હેલિકોપ્ટર કે ફાઈટર જેટને છૂપાવી શકાય.
આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ડોકલામમાં ભારત સાથે ડખો થયો પછી ચીને ભારત સાથેની સરહદે પોતાની તાકાત બમણી કરી દીધી ને વધારે ભાર હવાઈ તાકાત પર મૂક્યો છે. ચીને વ્યૂહાત્મક રીતે જ ભારતને હવાઈ મોરચે પછાડી શકાય એવાં પગલાં ભરવા માંડ્યાં છે. આ રિપોર્ટમાં ચીન બીજું શું શું કરી રહ્યું છે તેની માંડીને વાત કરી છે ને એ બધી વાત કરવાનો અર્થ નથી પણ રિપોર્ટનો સાર એ છે કે, ભારત સાથેની સરહદે ચીન આપણને કલ્પના ન આવે એવો સૈન્ય અને શસ્ત્રોનો ખડકલો કરી રહ્યું છે ને આ પૈકી મોટા ભાગનો ખડકલો હવાઈ યુદ્ધ માટેનો છે.
સ્ટ્રેટફોર અમેરિકન કંપની છે ને વિશ્વમાં લશ્કરી ક્ષેત્રે જે પણ હિલચાલ થઈ રહી હોય તેના પર નજર રાખે છે. આ કંપની 1996માં સ્થપાયેલી ને અત્યારે વિશ્વમાં મિલિટરી સ્ટ્રેટેજીમાં ટોચની કંપની છે. આપણે ત્યાં રિસર્ચ ને સ્ટડીનું કલ્ચર જ નથી તેથી આપણને આ પ્રકારની કંપનીઓ શું કામ કરે છે તેનો અંદાજ જ નથી. આ કામગીરી કરતી કંપનીઓ પાસે રિસર્ચ અને એનાલિસીસના ખાં ગણાતા માણસો તો હોય જ છે પણ તેમના પે રોલ પર બીજા કેટલાય એવા લોકો હોય છે કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. આ બધા સોર્સ પાસેથી તેમને જે માહિતી મળે છે એ બહુ સચોટ હોય છે કેમ કે તેમના સોર્સમાં લશ્કરી અધિકારીઓથી માંડીને સ્થાનિક લોકો પણ હોય છે. તેમને નિયમિત રીતે નાણાં ચૂકવીને પુરાવા સાથેની જે માહિતી મળે તે માહિતી આ કંપનીઓ જુદા જુદા દેશોને વેચે છે. એક રીતે આ કંપનીઓ ખાનગી જાસૂસી સંસ્થા જેવું કામ કરે છે. સ્ટ્રેટફોર પાસે સો માણસોનો સ્ટાફ છે ને ખાનગીમાં કેટલા લોકો તેના પે રોલ પર હશે તે આપણને ખબર નથી પણ વિશ્વમાં તેની આબરૂ છે તેથી મોટા મોટા દેશો તેના રિપોર્ટને ગંભીરતાથી લે છે.
આપણા માટે આ બધી દુનિયા નવી છે કેમ કે આપણને દુનિયામાં સત્તા માટે કેવા કેવા દાવપેચ ચાલે છે તેની ખબર જ નથી. આપણા આકા બની બેઠેલા લોકો આપણને જે પટ્ટી પઢાવે એ આપણા માટે સત્ય છે ને હવે તો વોટ્સએપ આવી ગયું છે તેથી આ પ્રકારના જ્ઞાનની ગંગા જ વહે છે. આપણા સાહેબ કહે એ બ્રહ્મવાક્ય ને તેમના ભાયાતો કહે એ સનાતન સત્ય એવી હાલત છે. આ સંજોગોમાં સ્ટ્રેટફોરના રિપોર્ટની ગંભીરતા આપણને ન સમજાય એવું બને પણ આ રિપોર્ટ ખરેખર ગંભીર છે ને ચીન તરફથી આપણને કેટલો મોટો ખતરો છે તેનો અહેસાસ કરાવનારો છે.
આ રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી વાત ચીન હવાઈ મોરચે જે તૈયારીઓ કરી રહ્યું છે તેની વિગતો છે. આપણે ચીન સાથેના સંઘર્ષની વાત કરીએ ત્યારે સામે ઊભેલ સૈનિકો કે તેમની ચોકીઓ વિશે જ વિચારીએ છીએ પણ ચીન તેના કરતાં ઘણું આગળ વધી ગયું છે તેનો અહેસાસ આ રિપોર્ટ વાંચ્યા પછી થાય. ચીને તેના લશ્કરી થાણાં બમણાં કર્યાં છે તેનો અર્થ એ થાય કે, અત્યારે ભારત સાથેની સરહદે ચીનનાં 25 કરતાં વધારે લશ્કરી થાણાં છે.
ચીન અને ભારત વચ્ચેની સરહદ નક્કી થયેલી નથી. અંગ્રેજો ભારત છોડીને ગયા એ વખતે ચીનમાં આંતરવિગ્રહ ચાલતો હતો તેથી કોઈને કશી પડી નહોતી. તેના કારણે અંગ્રેજો ભારત છોડીને ગયા એ વખતે જે પ્રદેશ ચીન પાસે હતા એ તેના ગણાયા ને ભારત પાસે હતા એ તેના ગણાયા. એ વખતે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે વાસ્તવિક રીતે જેનો અંકુશ હતો એ પ્રદેશો જે તે દેશના તાબા હેઠળ રહ્યા. આ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) જ બંને દેશ વચ્ચેની સરહદ એ વખતે ગણાવાયેલી ને પછી એ જ સરહદ બની ગઈ. આ સરહદની લંબાઈ 3440 કિલોમીટર છે.
હવે જો ચીને આ સરહદ ઉપર 25 થાણાં નાખ્યાં હોય તેનો અર્થ એ થાય કે, દર સવાસો કિલોમીટરે ચીનનું લશ્કરી થાણું આવેલું છે. આ લશ્કરી ચોકીની નહીં પણ લશ્કરી થાણાની વાત છે કે જ્યાં મોટી સંખ્યામાં સૈનિકો તો ખડકાયેલા હોય જ પણ યુદ્ધ વિમાનો અને અત્યાધુનિક સિસ્ટમ સાથેનાં ઉપકરણો પણ હોય. યુદ્ધ થાય ને હુમલો કરવાનો આવે તો ગમે ત્યારે ત્રાટકી શકાય એવો બધો શસ્ત્રસરંજામ હોય તેને મિલિટરી પોઝિશન અથવા લશ્કરી થાણું કહેવાય.
ચીન દર સવાસો કિલોમીટરે આ રીતે લશ્કરી જમાવટ કરી રહ્યું હોય તેનો અર્થ શો થાય ? એ જ કે એ ભારતને ગમે ત્યારે ધમરોળવાની તૈયારીમાં છે. તેનો હેતુ માત્ર સરહદની સુરક્ષા કરવાનો નથી કેમ કે તેના માટે તો તેણે લશ્કરી જમાવડો કરવાની જરૂર જ નથી. કોઈ પાડોશી દેશની સરહદમાં ઘૂસીને તેની જમીન પચાવી પાડવાની ભારતની માનસિક સમજ નથી કારણ કે ભારતની બૂરી દાનત નથી. ભારતીય લશ્કર દેશની સરહદોની સુરક્ષા માટે તહેનાત છે, કોઈ દેશમાં ઘૂસવા માટે નહીં. આ સંજોગોમાં ચીને ભારતથી ડરવાની જરૂર જ નથી કેમ કે ભારત તો કદી હુમલો કરવાનું નથી કે તેની જમીન હડપ કરવાની કોશિશ સુધ્ધાં કરવાનું નથી. ચીન ભારતીય લશ્કર સાથેની સંધિનું પાલન કરે ને નક્કી થયા પ્રમાણેની ચોકીઓ પર થોડાક માણસો ખડકે એટલે તેની સરહદો તો સચવાવાની જ છે. એ માટે આટલો મોટો ખડકલો કરવાની જરૂર નથી પણ ચીને ખડકલો કર્યો તેનો અર્થ એ જ થાય કે ચીનની દાનત ખોરી છે ને તેના મનમાં પાપ છે. ચીન કશુંક અજુગતું કરવા માગે છે ને એ વાસ્તે જ તેણે આ જમાવટ કરી છે.
ભારતીય લશ્કર ચીનને ભરી પીવા સક્ષમ છે તેમાં શંકા નથી પણ છતાં ચીનના ઉધામા આપણા માટે મોટી ચેતવણી છે. આ રિપોર્ટ એ વાતનો પુરાવો છે કે, ચીનની દાનત સારી નથી ને આપણે નચિંત બેસવા જેવું નથી. આપણે પણ સરહદે સૈનિકો વધાર્યા છે ને બીજાં પગલાં લીધાં જ છે પણ ચીનની તૈયારીઓ જોતાં આપણે વધારે સાબદા રહેવાની જરૂર છે જ. ચીન જે કંઈ કરી રહ્યું છે તેના પર નજર રાખવા માટે આપણું ગુપ્તચર તંત્ર છે, આપણું લશ્કર છે ને એ પણ પોતાની રીતે પણ તૈયારી કરતું જ હોય. તેને પણ સ્થિતિની ગંભીરતાની ખબર જ હોય તેથી આ મુદ્દે ઝાઝું પિષ્ટપિંજણ ન કરવાનું હોય પણ આ દેશના નાગરિકો પણ ચીનની હરકતોને સમજે એ જરૂરી છે. ભારતીય માનસિક રીતે કોઈ પણ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહે એ જરૂરી છે.
શટીવી ચેનલો પોતાના સ્વાર્થ માટે અમુક પ્રકારની વાતોનો મારો ચલાવે છે. ચીન લદાખ સરહદે શું કરી રહ્યું છે તેના પર તેમની પિન ચોંટેલી છે પણ ચીન પોતાના વિસ્તારોમાં શું કરી રહ્યું છે તે વિશે કોઈ બોલતું નથી. ચીન આપણને હિંદ મહાસાગરના રસ્તે પણ ઘેરી રહ્યું છે. જમીન, દરિયાઈ માર્ગે આપણને ભિડાવવાના કારસા ચીન કરી રહ્યું છે એ વાતો બહાર આવતી હતી. હવે હવાઈ માર્ગે પણ એ આ જ ધંધા કરી રહ્યું છે એ જોતાં લોકો પણ તૈયાર રહે ને ડાબલા પહેરાવેલા ઘોડાની જેમ ચેનલો બતાવે એટલું જ ન જુએ એ જરૂરી છે.