સર્વોચ્ચ અદાલત મોટા બેન્ક કૌભાંડોના કેસ ફરીથી ઉઘાડીને સરકારને દોડાવશે

ષડ્યંત્રો, કાવતરાં અને દગાબાજી કરીને સત્તા, સંપત્તિ, વર્ચસ્વ કે કોઈનો ધરાર સ્નેહ મેળવવાના કારસાતો સેંકડો વર્ષથી થતાં રહ્યાં છે, પરંતુ આધુનિક યુગમાં પણ લોકતાંત્રિક વ્યવસ્થાઓ ધરાવતા દેશોમાં વધી રહેલા વિવિધ કૌભાંડો, કાવાદાવા અને ષડ્યંત્રો પર અંકુશ આવવો જરૃરી છે, કારણ કે આપણે હવે નાના-મોટા રજવાડા કે સંકુચિત શાસન વ્યવસ્થાનો હિસ્સો રહ્યા નથી પરંતુ ગ્લોબલ વિલેજ સાથે સંકળાયેેલી લોકતાંત્રિક વ્યવસ્થા ધરાવીએ છીએ અને આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવે છે. તાજેતરમાં વધી રહેલા રાજકીય કાવાદાવા, સામાજિક વિખવાદો અને આર્થિક કૌભાંડોને લઈને હવે સ્વયં જનતાએ જાગૃત થઈ જવાની જરૃર છે, અને દેશને બરબાદ કરી રહેલા સફેદ નકાબપોશોને ખુલ્લા પાડવાની હિંમત કેળવવાની પણ તાતિ જરૂર છે. ઈ કોમર્સ કંપનીઓ સામે પણ દેશમાં આ દિવાળી પછી ભારે ઊહાપોહ થયો છે.

આપણા દેશમાં આઝાદી પહેલાં અને આઝાદી પછી પણ ઘણાં કૌભાંડો થયા છે અને આ પ્રકારના કૌભાંડો ખુલ્લા પાડનારા ઘણાં બુદ્ધિજીવીઓના કારણે કેટલાક કૌભાંડિયાઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે, પરંતુ જ્યારે વાડ જ ચીભડાં ગળતી હોય ત્યારે બહારની દુનિયામાં ‘ચીભડાંચોર’ પકડાવો અશકય છે.દેશની સર્વોચ્ચ અદાલતમાં એક અરજી થઈ છે, અને તેના સંદર્ભે સુપ્રિમ કોર્ટે આરબીઆઈ અને સીબીઆઈનો જવાબ માંગ્યો છે. આ અરજી પછી હવે દેશમાં જંગી બેન્કીંગ કૌભાંડોની જવાબદારી નક્કી કરવાનો મુદ્દો ફરીથી રાષ્ટ્રીય કક્ષાએ ગુંજવા લાગ્યો છે અને હવે સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યા પછી આ મુદ્દે કોઈ નક્કર અને પરિણામલક્ષી પ્રગતિ થશે, તેવી આશા પણ જાગી છે.

અરજદારોએ તેમની અરજીમાં જણાવ્યું છે કે જંગી બેન્કીંગ કૌભાંડો પછી લોકોનો દેશની બેન્કીંગ વ્યવસ્થાઓમાંથી વિશ્વાસ જ ઉઠી ગયો છે. છેલ્લા બે વર્ષમાં કરોડો-અબજો રૂપિયાના બેન્ક કૌભાંડો થયા જ કેવી રીતે ? તે એક કોયડો છે. આરબીઆઈ રોકાણકારો, સ્ટેક હોલ્ડર્સ અને કસ્ટમરોના હિતોનું રક્ષણ કરવામાં સદંતર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. અરજદારોએ અત્યાર સુધીમાં પકડાયેલા તમામ જંગી બેન્ક કૌભાંડોમાં કૌભાંડિયાઓ અને ચીટરો સાથે બેન્કીંગ અધિકારીઓની મિલીભગતની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની માંગણી પણ કરી છે.

આ અરજીમાં કેટલીક ચોક્કસ બેન્કો અને બેન્કીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી એવી સંસ્થાઓનો ઉલ્લેખ પણ કરાયો હોવાનું કહેવાય છે, જેમાં નિરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસી સહિતના કૌભાંડિયાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હોઈ શકે છે. સુપ્રિમ કોર્ટે સુબ્રહ્મણ્યમ સ્વામી અને સત્ય સભરવાલેની આ અરજીને મૂળ ગંભીરતાથી વિચારણામાં લીધી હોવાનો તથા આ પીઆઈએલના સંદર્ભે કૌભાંડોની તપાસ કરવાની ખાત્રી અપાઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ પીઆઈએલના સંદર્ભે જ અદાલતે આરબીઆઈ અને સીબીઆઈને નોટીસ આપી હોવાનું સમજાય છે.

આજે કોઈપણ સામાન્ય નાગરિકને લાખ-બે લાખની લોન લેવી હોય, તો પણ બેન્કોવાળા અનેક જાતના દસ્તાવેજો, ગેરંટી અને જામીન વગેરે માંગે છે અને ગીરોખત વગેરે કરાવીને બેન્કોના નાણાની સલામતી જાળવવાની પ્રક્રિયા કરતા હોય છે, જ્યારે હજારો કરોડ રૃપિયાની લોન-ધિરાણો આપતી વખતે કોઈ સિક્યોરિટી કે જામીનગીરીની કાળજી કેમ નહી રખાતી હોય ? તેવો સવાલ પ્રત્યેક નાગરિકના મનમાં ઉઠે તે સ્વાભાવિક છે, અને તેમાંથી જ બેન્કીંગ ક્ષેત્રના અધિકારી-કર્મચારીઓની કરોડો-અબજોનું બુચ મારતા કૌભાંડિયાઓની સાથે સાંઠગાંઠ અથવા મિલીભગતની આશંકા ઉઠતી હોય છે, એટલું જ નહીં, કેટલાક કેસોમાં આવી સાંઠગાંઠ હોવાનું બહાર આવ્યા પછી કાનૂની કાર્યવાહી પણ થઈ છે હવે સુપ્રિમ કોર્ટ જો તમામ જંગી કૌભાંડોની તપાસ સીબીઆઈને સોંપશે અને તટસ્થતાથી અને નિષ્ઠાથી તપાસ થશે તો બેન્કીંગ ક્ષેત્રના અનેક જવાબદારો ફરતે ગાળિયો કસાશે, તે નક્કી જણાય છે.

માત્ર બેન્કીંગ ક્ષેત્રના જ નહીં, પરંતુ પબ્લિક મનીને હજમ કરવાના કે ડ્રગ્સ, શરાબ કે નકલી ચલણના માધ્યમથી કરોડો રૃપિયા કમાવાના કારસા રચતા તેમ જ છેતરપિંડી કે સાઈબર ક્રાઈમ દ્વારા ગોટાળા કરતા તમામ કૌભાંડિયા પરિબળો સામે માત્ર લાલ આંખ કરવાનો નહીં, પરંતુ અત્યંત કડક સજા તમામ જવાબદારોને થાય, તેવો અભિગમ જરૃરી છે, અવે સુપ્રિમ કોર્ટ પાસેથી જ લોકોને અંતિમ આશા છે, કારણ કે સંબંધિત શાસકોમાંથી લોકોનો ભરોસો ઉઠી ગયો છે.

તહેવારોની મોસમમાં મહાકાય ઈ-કોમર્સ કંપનીઓ વેચાણ વધારવા માટે જાતજાતની યોજનાઓ જાહેર કરે છે, જેમાં ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરાય છે. હમણાં દિવાળીમાં તેમણે 12 અબજ ડૉલરનું વેચાણ કર્યું હોવાનો અંદાજ છે, જે તેમના કુલ વાર્ષિક વેચાણના વીસેક ટકા જેટલું હશે. વેપાર, ધંધા, ઉદ્યોગોમાં હરીફાઈથી ઉત્પાદકો અને વિક્રેતાઓની કાર્યદક્ષતા વધે છે અને ગ્રાહકોને લાભ થાય છે  એમ કહેવાય છે. પરંતુ હરીફાઈ તંદુરસ્ત અને ન્યાયી હોવી જરૂરી છે. બજારનિયામકો અને ગ્રાહકોએ ઈ-કોમર્સ કંપનીઓની શંકાસ્પદ રીતરસમો પર નજર રાખવાની જરૂર છે.

વેપારીઓ અને વેપારી સંગઠનોનો આક્ષેપ છે કે ઈ-કોમર્સ કંપનીઓ અમુક મોટા વિક્રેતાઓ પ્રત્યે પક્ષપાત રાખે છે, હરીફોને બજારમાંથી ફેંકી દેવા આક્રમક ભાવનીતિ અપનાવે છે અને ક્યારેક હલકી જાતની અથવા બનાવટી ચીજવસ્તુઓ ગ્રાહકોને પધરાવે છે. કેટલીક ઇલેક્ટ્રોનિક ચીજો છૂટક વેપારીઓ ઉત્પાદકો પાસેથી જે ભાવે ખરીદે તેના કરતા 15-20 ટકા નીચા ભાવે વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને વેચે છે. તેમનાં ખિસ્સાં ઊંડાં હોવાથી તેઓ ખોટ ખાઈને પણ માલ વેચે છે જેથી સમય જતાં હરીફો બજારમાંથી ફેંકાઈ જાય. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનો આક્ષેપ છે કે આવી ગેરવાજબી વેપારી રસમોને કારણે અત્યાર સુધીમાં 1.5 લાખ દુકાનો બંધ થઇ ગઈ છે. ઈ-કોમર્સ કંપનીઓનો બચાવ છે કે ચીજવસ્તુઓના ભાવ અને ડિસ્કાઉન્ટ વિક્રેતાઓ જ નક્કી કરે છે.

અમે તો માત્ર વિક્રેતાઓને મંચ પૂરો પાડીએ છીએ. પરંતુ વાત આટલી સરળ નથી.કેટલીક ઈ-કોમર્સ કંપનીઓ અમુક વિક્રેતાઓની ભાગીદાર હોય છે. તેઓ તેમને મોટી બ્રાન્ડો સાથે પરિચય કરાવે છે, તગડું ડિસ્કાઉન્ટ મેળવી આપે છે અને તેમના સ્ટોક પર અંકુશ રાખે છે. બધા વિક્રેતાઓને તેઓ આવી સવલત આપતી નથી. રોઈટરના એક અહેવાલ મુજબ એમેઝોન પાસે ચાર લાખ વિક્રેતાઓ હતા, પરંતુ તેનું 66 ટકા વેચાણ માત્ર 35 વિક્રેતાઓને આભારી હતું. કેટલીક કંપનીઓ તેમના પ્લેટફોર્મ પર લિસ્ટ થયેલી અન્ય વિક્રેતાઓની ચીજો અને ગ્રાહકો વિશેની માહિતીનો દુરુપયોગ  કરે છે. સ્પર્ધા આયોગ અને ગ્રાહક સંરક્ષણ ઓથોરિટીએ તાજેતરમાં આવી કેટલીક ગેરરીતિઓ સામે પગલાં લીધાં છે તે આવકાર્ય છે. વાસ્તવમાં ઈ-કોમર્સ માટે નવી સર્વગ્રાહી નીતિ ઘડવી જરૂરી છે જેથી હરીફાઈ, ગ્રાહક સંરક્ષણ અને વિદેશી રોકાણ વચ્ચે સમતુલા સાધી શકાય.