’સવાયા ગુજરાતી’ ફાધર વાલેસનું ૯૫ વર્ષની વયે સ્પેનમાં નિધન

 • ફાધર વાલેસના નિધનથી ગુજરાતી સાહિત્યજગતને મોટી ખોટ
 • સ્પેનમાં જન્મેલા ફાધરે ગુજરાતને બીજું ઘર ગણાવ્યું હતું, સવાયા ગુજરાતીનું મળ્યું હતું સન્માન, અમદાવાદની સેંન્ટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક રહૃાાં હતા

  સ્પેનમાં જન્મેલા અને ગુજરાતમાં વર્ષો સુધી ગણિત શીખવનારા પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ફાધર વાલેસનું ૯૫ વર્ષની જૈફ વયે સ્પેનમાં અવસાન થયું છે. ગુજરાતી સાહિત્યમાં તેમણે કરેલા પ્રદાન માટે તેમને કુમાર ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રકથી પણ નવાજવામાં આવ્યા હતા.
  ફાધર વાલેસ નિવૃત્તિ બાદ પોતાના વતન ચાલ્યા ગયા હતા. કાર્લોસ જી વાલેસનું પૂરું નામ ધરાવતા ફાધર વાલેસને ગુજરાતની પ્રજાએ પણ ભરપૂર પ્રેમ આપ્યો હતો. સ્પેનિશ હોવા છતાં તેઓ ગુજરાતી શીખ્યા હતા, અને સવાયા ગુજરાતી બની રહૃાા હતા.
  ૨૦૧૫માં ફાધર વાલેસે પોતાનો ૯૦મો જન્મદિન વિડીયો વિડીયો કોન્ફરન્સથી તેમણે વર્ષો સુધી જ્યાં અધ્યાપન કર્યું હતું તેવી સેન્ટ ઝેવિયર્સ કોલેજના સ્ટૂડન્ટ્સ અને પોતાના જૂના સાથીઓ સાથે ઉજવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદે તેમને જે પ્રેમ આપ્યો તેનાથી તેઓ પોતે સ્પેનમાં હતા કે ગુજરાતમાં તે જ ભૂલી ગયા હતા.
  ફાધર વાલેસે એમ પણ જણાવ્યું હતું કે એવો એક પણ દિવસ નહીં હોય કે જ્યારે મને અમદાવાદની યાદ ના આવી હોય. ઈંગ્લિશ અને બીજી ભાષાઓ કરતા ગુજરાતી તેમના દિલની સૌથી વધુ કરીબ હતી તેવું તેમણે પોતે જ કહૃાું હતું. ફાધર વાલેસે મેથ્સ પર લખેલું પુસ્તક ગણિતનું બાઈબલ ગણાય છે.
  ૧૯૫૮માં ફાધર વાલેસે સેન્ટ ઝેવિયર્સમાં ભણાવવાનું શરુ કર્યું હતું. તેમના સહકર્મી પ્રોફેસર એસપી નાયકે તે દિવસને યાદ કરતા જણાવ્યું હતું કે ૧૯૫૮માં ફાધર વાલેસને જ્યારે ઈન્ટ્રોડ્યુસ કરાયા ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેઓ ગુજરાતીમાં જ સ્ટૂડન્ટ્સને ભણાવશે. એક સ્પેનિશ વ્યક્તિ કેવી રીતે ગુજરાતીમાં ભણાવી શકે તે જોવા માટે સૌ કોઈ ઉત્સુક હતા, અને ફાધર વાલેસે ખરેખર તેમ કરી કોલેજના પ્રોફેસર્સને આશ્ર્ચર્યમાં મૂકી દીધા હતા.
  ફાધર વાલેસ ગુજરાતમાં રહૃાા તે દરમિયાન તેમણે ૭૫ જેટલા પુસ્તકો લખ્યા હતા. આ સિવાય તેઓ અનેક મેગઝીન અને અખબારોમાં પણ નિયમિત કોલમ લખતા હતા. તેમના ગુજરાતીમાં લખાયેલા પુસ્તકોનો સ્પેનિશમાં પણ અનુવાદ થયો હતો. તેમના ગુજરાતીમાં લખેલા પુસ્તક લગ્ન સાગર, સદાચાર, વ્યક્તિ ઘડતર અને શબ્દલોક ખૂબ જ લોકપ્રિય થયા હતા.
  ફાધર વાલેસ માત્ર એક ખ્રિસ્તી ધર્મપ્રચારક કે શિક્ષક જ નહીં પરંતુ સર્જનાત્મક વ્યક્તિ હતા. તેમના પુસ્તકોમાં તેમની કલ્પના અને સર્જનાત્મકતાના દ્રષ્ટિકોણ છલકાતા હતા. સ્પેનિશ હોવા છતાં ફાધર વાલેસ ગુજરાતી ભાષાના મૂળ સુધી પહોંચ્યા હતા.