સાંસદશ્રી કાછડિયાને ન્યુડ કોલ કરનાર રાજસ્થાનથી ઝડપાયો

અમરેલી,
છેલ્લા ઘણા સમયથી અનેક લોકોને ન્યુડ વિડીયો કોલ અને રૂપાળા ફોટા બતાવી સોશ્યલ મિડીયાનાં માધ્યમથી ઠગતા ચિટરોને કારણે અનેક લોકોએ આબરૂ જવાની બીકે બ્લેકમેઇલીંગનો ભોગ બનવુ પડે છે અને કેટલા કે આપઘાત કરવો પડે છે. આવા જ એક ચિટરે અમરેલીનાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયાને ઠગવા માટે પ્રયાસ કરતા સાંસદશ્રી કાછડીયાએ આ ચિટરને ખુલ્લો પાડવા માટે સખત મહેનત કરી અને પોલીસ ફરિયાદ કરતા અમરેલીનાં એસપીશ્રી હિમકરસિંહની ટીમે સાંસદ શ્રી કાછડીયાને ન્યુડ વિડીયો કોલ કરનાર શખ્સને રાજસ્થાનનાં અલવર જિલ્લામાંથી દબોચી લીધો હતો. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, તાજેતરમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયાને ન્યુડ વિડીયો કોલ આવ્યો હતો અને તેમા એડીટીંગ કરી નારણભાઇને આ વિડીયો યુટ્યુબ, ફેસબુક, સોશ્યલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી અને પોલીસ અધિકારી બની ફોન કર્યો હતો. અમરેલીનાં વડિયા અને લાલાવદરમાં આવા ચિટરને કારણે આપઘાતનાં બનાવો બન્યાં હોય તે સાંસદશ્રી કાછડીયાનાં ધ્યાને આવેલ હોય અને આ ચિટરનો તેમની ઉપર કોલ આવતા તેમણે હિંમતભેર આ શખ્સને પડકાર ફેંકી તેમના અંગત મદદનીશ શ્રી વિશાલ સરધારા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પીઆઇ સીએસ કુગશીયા તથા પીએસઆઇ શ્રી જયેશ કડછા અને તેમની ટીમે અમરેલી એસઓજીનાં શ્રી એસએમ સોનીની ટીમની મદદ લઇ રાજસ્થાનનાં અલવર જિલ્લાનાં ગોવિંદગઢ તાલુકાનાં ડોંગરી ગામનાં સાહિદખાન રજાકખાન મેવ ઉ.વ.38 નામના ટ્રક ડ્રાઇવરને પકડી પાડ્યો હતો.
પોલીસ તંત્રની પ્રાથ મિક પુછપરછમાં સાહિદખાન સાથે બીજા અન્ય બે ઠગ પણ આ બ્લેકમેઇલીંગનાં કામ કરતા હોવાનું ખુલતા તેમને પણ પોલીસ શોધી રહી છે. વ્યવસાયે ટ્રક ડ્રાઇવર એવો સાહિદખાન હાલમાં તો દોઢેક મહિનાથી આવુ ચિટીંગનું કામ કરતો હોવાનું અને 10 નપાસ હોવાનું જણાવે છે અને આ તેમનું પહેલુ જ ચિટીંગ હોવાની રેકર્ડ વગાડે છે. પરંતુ જ્યારે તમારા સોશ્યલ મિડીયાનાં ફેસબુક મેસેન્જર કે વોટ્સએપ મેસેન્જરમાં જ્યારે કોઇ ન્યુડ કોલ આવે ત્યારે તમે ફ્રન્ટ કેમેરો ઓપન રાખી જોવો તો એ ન્યુડ કોલ કરનાર તમારૂ સ્ક્રીન રેકોર્ડીંગ કરી અને એ ક્લીપની મદદથી તમને બ્લેકમેઇલ કરે છે. આવા અસંખ્ય બનાવો બની રહ્યાં છે. અને એસપીશ્રી હિમકરસિંહ દ્વારા આ મામલે લોકોમાં જાગૃતિ આવે અને ઓનલાઇન બેકીંગ ફ્રોડ પણ અટકે તે માટે સેમિનારો ચાલી રહ્યાં છે તેમ છતા લોકો તકેદારીનાં અભાવે આવા ચિટીંગનો ભોગ બની રહ્યાં છે.