સાઉદી અરેબિયામાં પ્રવેશ-પ્રતિબંધ: ભારતસહિત ૨૦ દેશોને અસર

સાઉદી અરેબિયાએ ભારત સહિત ૨૦ દેશોમાંથી આવતા બિન-સાઉદી નાગરિકોના પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશમાંથી જોકે રાજદૂતો, સાઉદી નાગરિકો, તબીબી વ્યાવસાયિકોને બાકાત રાખવામાં આવ્યા છે. કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે સાઉદી સરકારે આ નિર્ણય લીધો છે. આ ૨૦ દેશો છે: ભારત, યૂએઈ, ઈજિપ્ત, લેબનોન, તૂર્કી, અમેરિકા, સ્વીડન, બ્રાઝિલ, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, આર્જેન્ટિના, ઈટાલી, આયરલેન્ડ, પોર્ટુગલ, સાઉથ આફ્રિકા, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન અને જાપાન.

આ સસ્પેન્શન ઓર્ડરનો અમલ ગઈ કાલે બુધવારથી શરૂ થઈ ગયો છે. આ પ્રતિબંધ એવા પ્રવાસી લોકો માટે પણ લાગુ થશે જેઓ સાઉદી અરેબિયા માટે એમનો પ્રવાસ શરૂ કર્યાના ૧૪ દિવસની અંદર પ્રતિબંધિત દેશોમાંથી પસાર થયા હશે. જોકે સાઉદી નાગરિકો, રાજદૂતો, તબીબી વ્યાવસાયિકો અને એમના પરિવારજનો સાઉદી અરેબિયા માટેની સફર શરૂ કર્યાના ૧૪ દિવસની અંદર પ્રતિબંધિત દેશોમાંથી કે ત્યાં થઈને આવ્યા હશે તો તેઓ સાઉદી અરેબિયામાં પ્રવેશી શકશે, પણ આરોગ્ય મંત્રાલયે નિશ્ર્ચિત કરેલા સાવચેતીના પગલાંનું પાલન કરવાનું રહેશે.