સાત ખુન કરનારી ગેંગને અમરેલીમાં અંતિમ શ્ર્વાસ સુધી જેલ

અમરેલી,
જેના માટે સરકાર દ્વારા ઇનામઅને સન્માનથી પુરસ્કૃત કરાયા હતા તેવા અમરેલી એસઓજીના પીએસઆઇ શ્રી આરકે કરમટાએ પકડેલી સાત હત્યા સહિતના અનેક અપરાધો આચરનારી ખુંખાર બાવલી ગેંગના નવ સભ્યો અને તેને ચોરી-લુટના ઘરેણા સગેવગે કરવામાં મદદ કરનારા બે સોની સહિત અગિયારને ગેંગ કેસમાં અમરેલીની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે તેને કરેલી હત્યાઓ અને અન્ય અપરાધોના કેસ અલગથી ચાલશે પણ ગેંગ કેસમાં આજીવન કારાવાસ એટલે કે, અંતિમ શ્ર્વાસ સુધી સજા પહેલી વખત જ ફટકારાઇ છે.
આ કેસની વિગતો એવા પ્રકારની છે કે, બાબરા તાલુકાનાં દરેડ ગામની સીમમાં તા.9-6-2019 નાં રાત્રીના 8.15 કલાકે જાનુુબેન ડાયાભાઇ અને તેના પતિ ડાયાભાઇ ઓઘડભાઇની વાડીમાં પુર્વ આયોજીત કાવતરૂ રચી રેકી કરી માતા પિતાને બેહોશ થાય તેવો પદાર્થ છાંટી આરોપીઓએ ધોકા અને કુહાડી વડે જીવલેણ ગંભીર ઇજાઓ કરી ઘરમાં બાંધી ગોંધી રાખી પહેરેલ સોના ચાંદીના દાગીના અને બે મોબાઇલ મળી રૂા.1,52,000 ની માલ મતાની લુંટ ચલાવ્યાની દિલીપભાઇ ખીમજીભાઇ વાઘેલાએ બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ભાવનગર રેન્જ આઇજી શ્રી અશોક કુમાર, તથા અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયએ જાતે આ બનાવની વિગતોનો અભ્યાસ કરી ચોકકસ એકશન પ્લાન બનાવેલ હતો આ દરમ્યાન અમરેલી એસ.ઓ.જી.ના પીએસઆઇ શ્રી આરકે કરમટાએ રાતદિવસ મહેનત કરી આ ગેંગના સગડ દબાવ્યા હતા અને તેમની ટીમ ધ્વારા ગુજરાતની સૌથી મોટી દેવી પુજક ગેંગની આ ગુનામાં સંડોવણી હોવાના ચોકકસ પુરાવાઓ શોધી કાઢવામાં આવેલ.
આ ગેંગએ સમગ્ર ગુજરાતમાં આચરેલ સાત હત્યા, લુંટ, ચોરીઓના કુલ-15(હત્યા સાથે લુંટ-6,લુંટ-પ, ચોરી-4) ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો હતો અને ત્યાર બાદ અમરેલી એલસીબીના તત્કાલીન ઇન્ચાર્જ પીએસઆઇ શ્રી દિલીપસિંહ વાઘેલાએ બાબરા પોલીસમાં આ ગેંગના (1) ફલજીભાઇ જીલુભાઇ સાડમીયા ઉ.વ.40 ધંધો મજુરી (2)કિશન ઉર્ફે ખીમો બચુભાઇ વાઘેલા ઉ.વ. 22 ધંધો મજુરી (3) ચંદુભાઇ લખુભાઇ જીલીયા ઉ.વ.52 ધંધો મજુરી (4) વીસુ ઉર્ફે નનુ ચંદુભાઇ જીલીયા ઉ.વ.25 ધંધો મજુરી (5) ઉજીબેન ઉર્ફે બાવલી વા/ઓ ચંદુભાઇ વાઘેલા ઉ.વ.50 ધંધો ઘરકામ તથા મજુરી (6) મુકેશ ઉર્ફે ભયલુ ભાવુભાઇ ઉર્ફે બાબુભાઇ વાઘેલા ઉ.વ.20 ધંધો ખેત મજુરી (7) મુકેશ ઉર્ફે મુકો ભાવુભાઇ સાડમીયા ઉ.વ.30 (8) હરેશભાઇ ચંદુભાઇ જીલીયા ઉ.વ 23 (9) કાળુભાઇ લખુભાઇ જીલીયા ઉ.વ 54 ધંધો મજુરી તથા માલઢોર લે-વેચનો સામે ગેંગકેસનો ગુનો દાખલ કરેલ હતો જેમા જણાવેલ કે, આ આરોપીઓ રીઢા ઠગ ટોળકીના તમામ સગરીતોએ એક બીજા સાથે મળી પુર્વા આયોજીત કાવતરું રચી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા અને પોતાના આર્થિક ફાયદા માટે દરેક બનાવના સ્થળોની અગાઉથી રેકી કરી અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના ગુન્હામા અલગ અલગ સાગરીતો સાથે રહી અલગ અલગ અંતરીયાળ સ્થળોએ ઘણા બનાવોમા ભોગ બનનારના મોત નિપજાવી ,ભોગ બનનારને મરણતોલ માર,ભોગ બનનારને પ્રાણઘાતક હથિયારો બતાવી, ડરાવી, ધમકાવી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી આપી માર મારી લુંટ,ધાડ,લુંટ સાથે ખુન તેમજ લુંટ સાથે મરણતોલ ઈજા,ઘરફોડ ચોરી,ચોરીના ગુન્હાઓ ઠગ ટોળકી બનાવી આચરેલ છે. તેમજ ગુન્હા આચરતા સમયે ઝેરી અથવા બેભાન થઈ શકે તેવા કોઈ પદાર્થોનો ઉપયોગ કરી ભોગ બનનારને બેહોશ કરી ગુન્હાઓ આચરી સામાન્ય પ્રજામા આતંક ફેલાવ્યો છે.
ઉપરોક્ત કેસ અમરેલી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રી મમતાબેન આર. ત્રિવેદીની ધારદાર દલીલોને ધ્યાને રાખી મેજીસ્ટ્રેટ શ્રી આર.ટી. વાચ્છાણીએ આરોપી ફલજી જીલુભાઇ સાડમીયા રહે. ચોટીલા કિશન ઉર્ફે ખીમો બચુભાઇ વાઘેલા રહે. હડીયાદ, તા.વલભીપુર, ચંદુ લખુભાઇ જીલીયા, વિસુ ઉર્ફે નનુ ચંદુભાઇ જીલીયા, ઉજીબેન ઉર્ફે બાવલી ચંદુભાઇ જીલીયા, હરેશ ઉર્ફે ભુરી ચંદુભાઇ જીલીયા, કાળુ લખુભાઇ જીલીયા રહે. લાઠીદડ તા.બોટાદ, મુકેશ ઉર્ફે મુકો ભાવુભાઇ સાડમીયા રહે. હડીયાદ, તા.વલભીપુર, મુકેશ ઉર્ફે ભયલુ ભાવુભાઇ વાઘેલા રહે. બોટાદને આઇપીસી 311 સાથે વાંચતા કલમ 34 માં આજીવન કેદ, આઇપીસી 400-34માં પાંચ વર્ષની કેદ, આઇપીસી 450-34માં આજીવન કેદ અને આ આરોપીઓ પાસેથી સોના ચાંદીના ઘરેણા રાખનારા રાજ મહેન્દ્રભાઇ રાજપુરા, શરદ મોહનભાઇ રાજપુરા રહે. શિંહોર વાળાને આઇપીસી 311 સાથે વાંચતા કલમ 34 માં આજીવન કેદ આઇપીસી 400-34માં આજીવન કેદ અને આઇપીસી 401 – 34 માં પાંચ વર્ષની કેદ રૂા.3 હજાર દંડ ફટકારેલ હતો.