જાણીતા ગાયક ભૂપિન્દર સિંહનું લાંબી માંદગી બાદ અવસાન થયું એ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગના વધુ એક ગાયકે આપણ વચ્ચેથી વિદાય લીધી. ૮૨ વર્ષના ભૂપિન્દર સિંહ લાંબા સમયથી બિમાર હતા. તેમને પેટને લગતી બીમારી હતી તેથી ૧૦ દિવસ અગાઉ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભૂપિન્દરને પેટમાં ઈન્ફેક્શન થઈ ગયું હોવાથી હાલત ખરાબ હતી જ ત્યાં સારવાર દરમિયાન કોરોના પણ થઈ ગયો હતો. તેના કારણે તબિયત લથડતી જતી હતી ને સોમવારે સવારે તેમની તબિયત વધારે બગડતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. વેન્ટિલેટર પર હતા ત્યારે જ ભૂપિન્દરને કાર્ડિયાક એરેસ્ટ આવતાં સોમવારે સાંજે ૭:૪૫ વાગે કાયમ માટે વિદાય થઈ ગયા.
ભૂપિન્દર હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગના સમયના ગાયક હતા. ૧૯૫૦થી ૧૯૭૦ના બે દાયકા હિન્દી ફિલ્મ સંગીત માટે શ્રેષ્ઠ સમય હતો. આ સમયગાળામાં એક એકથી ચડિયાતા સંગીતકારો આવ્યા, સાંભળીને મનમાંથી વાહ સિવાય બીજું કઈ ના નીકળે એવા ગીતકારો આવ્યા ને જેમના અવાજ પર આફરીન થઈ જવાય એવા ગાયક-ગાયિકાઓનો આખો ફાલ આવી ગયો. ભૂપિન્દર સિંહ આ ફાલના ગાયક હતા. મોહમ્મદ રફી, કિશોર કુમાર અને મુકેશ હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગના ત્રણ સૌથી મહાન ગાયકો તરીકે સ્થાપિત થયા. ભૂપિન્દર આ ત્રિપુટીના ગાયકોની તોલે આવે એવા જોરદાર ગાયક નહોતા પણ પોતાની આગવી ઓળખ ધરાવતા ગાયક હતા. એ જમાનામાં તલત મહેમૂદ, મન્નાડે, હેમંત કુમાર, મહેન્દ્ર કપૂર સહિતના ઘણા ગાયકો એવા આવ્યા કે જે સુપર સ્ટાર નહોતા પણ પોતાના અલગ અવાજના કારણે લોકોના મનમાં વસી ગયા, પોતાની અલગ છાપ છોડી ગયા, પોતાની આગવી ઓળખ બનાવી ગયા.
ભૂપિન્દર પાસે મંત્રમુગ્ધ થઈ જવાય એવો ઘેઘૂર અવાજ હતો. તેના કારણે હિન્દી ફિલ્મોમાં બહું ઓછાં ગીતો ગાયાં હોવા છતાં ભૂપિન્દરને સંગીત યાહકો પ્રેમથી યાદ કરે છે. આ ઘેઘૂર અવાજના કારણે જ તેમને હિન્દી ફિલ્મોમાં પહેલી તક મળી હતી. પંજાબ પ્રાંતના પટિયાલા રિયાસતમાં જન્મેલા ભૂપિન્દરના પિતા પ્રોફેસર નત્થા સિંહ પંજાબી સીખ હતા અને ખૂબ જ સારા સંગીતકાર હતા. જો કે કડક સ્વભાવને કારણે ભૂપિન્દર શરૂઆતમાં સંગીતથી દૂર ભાગતા પણ તેમની ગાયકીને સૌ વખાણવા માંડ્યા તેથી તેમને સંગીતમાં રસ પડી ગયો.
ભૂપિન્દરે કારકિર્દીની શરૂઆત ગઝલ ગાયકીથી કરેલી. સૌથી પહેલા તેમની ગઝલ આકાશવાણીમાં રજૂ થયેલી. સંગીતકાર મદનમોહને ઑલ ઈન્ડિયા રેડિયો પર તેમની ગઝલ સાંભળી હતી તેથી તેમને ઓળખતા હતા.
ભૂપિન્દરે કારકિર્દીની શરૂઆત ગઝલ ગાયકીથી કરેલી. સૌથી પહેલા તેમની ગઝલ આકાશવાણીમાં રજૂ થયેલી. સંગીતકાર મદનમોહને ઑલ ઈન્ડિયા રેડિયો પર તેમની ગઝલ સાંભળી હતી તેથી તેમને ઓળખતા હતા.
૧૯૬૨માં મદનમોહને તેમને ગિટાર વગાડતાં સાંભળ્યા પછી તેમને મુંબઈ બોલાવ્યા અને પોતાની વોર ડ્રામા ફિલ્મ હકીકતનું ગીત ‘હો કે મજબૂર મુઝે ઉસ ને ભૂલાયા હોગા’ ગવડાવ્યું. મોહમ્મદ રફી, તલત મહેમૂદ અને મન્નાડે સાથેના ગીતના કારણે ભૂપિન્દર જાણીતા થયા તેથી ખય્યામે તેમને ‘ઋત જવાં’ ફિલ્મમાં પહેલું સોલો સોંગ ગવડાવેલું.
આ ગીતના કારણે ભૂપિન્દરના અવાજનો રેન્જ વખણાઈ પણ જે ધાંય ધાંય સફળતા મળવી જોઈએ એ ના મળી તેથી ભૂપિન્દર ગઝલ ગાયકી તરફ વળ્યા ને પોતાનાં આલ્બમ બહાર પાડવા માંડ્યા. ભૂપિન્દરનાં આલ્બમ લોકપ્રિય થયાં ને એ ગઝલ ગાયક તરીકે જામી ગયા તેથી તેમના પર સિક્કો વાગી ગયો. આ કારણે પ્લેબેક સિંગર તેમને બહુ તક ના મળી પણ તેમણે જે પણ ગીતો ગાયાં એ અદ્ભૂત ગાયાં.
ભૂપીન્દર સિંહે સંખ્યાની રીતે બીજા પ્લેબેક સિંગર કરતાં ઓછાં ગીતો ગાયાં હશે પરંતુ જેટલાં પણ ગાયાં છે તે તમામ યાદગાર છે. દિલ ઢૂંઢતા હૈ ફિર વો હી ફુરસત કે રાતદિન, નામ ગુમ જાયેગા, હુજુર ઈસ કદર ભી ન ઈતરા કે ચલિયે, એક અકેલા ઈસ શહર મેં, બીતી ના બીતાયે રૈના, કરોગે યાદ તો હર બાત યાદ આયેગી, કિસી નઝર કો તેરા ઈન્તજાર આજ ભી હૈ, કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, મેરા રંગ દે બસંતી ચોલા, પ્યાર હમે કિસ મોડ પે લે આયા વગેરે ગીતો આજેય પણ તરબતર કરી નાંખે છે.
ભૂપિન્દરે ગુજરાતી ગઝલો પણ ગાઈ છે ને ગુજરાતી સુગમ સંગીતમાં પણ અનેક યાદગાર રચના આપી. ‘એકલા જવાના મનવા..એકલા જવાના’ તેમનું યાદગાર ગીત છે. ભૂપિન્દર સિંહે બાંગ્લાદેશી ગાયિકા મિતાલી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા.. મિતાલી-ભૂપિન્દરે સાથે મળી સેંકડો લાઈવ શો કર્યાં અને અનેક યાદગાર ગઝલો ગાઈ છે. ભૂપિન્દર મૂળ તો અદ્ભૂત ગિટારિસ્ટ હતા. હિંદી ફિલ્મોનાં ઘણાં યાદગાર ગીતોમાં ભૂપિન્દરે પોતાની ગિટારનો જાદુ વિખેર્યો છે. ભૂપિન્દરના આ કૌશલ્યનો સૌથી વધારે ઉપયોગ રાહુલ દેવ બર્મન એટલે કે આર.ડી. બર્મને કર્યો પણ ગિટારિસ્ટ ભૂપિન્દરને પહેલી મોટી તક મદનમોહને આપેલી. ભૂપિન્દરની આ ખૂબીનો મદનમોહને હંસતે જખ્મના યાદગાર ગીત તુમ જો મિલ ગયે હો, તો યું લગતા હૈ કિ જહાં મિલ ગયા ગીતમાં ઉપયોગ કર્યો પછી સંગીતકારોનું તેમના તરફ ધ્યાન ખેંચાયું.
પંચમદાએ તો દમ મારો દમ, વાદિયાં મેરા દામન, ચુરા લિયા હે તુમને જો દિલ કો, ચિંગારી કોઈ ભડકે, મહેબૂબા મહેબૂબા જેવાં અમર ગીતોમાં ભૂપિન્દર પાસે ગિટાર વગાવડાવી છે. બપ્પી લહેરીએ પણ ચલકે ચલતે ફિલ્મના ટાઈટલ સોંગમાં ભૂપિન્દર પાસે જ ગિટાર વગાવડાવી હતી.ભૂપિન્દરે ગિટારનો પોતાનો કસબ ગઝલ ગાયકીમાં પણ ઉતાર્યો. ભારતમાં ગઝલ ગાયકીમાં જગજીતસિંહ શિરમોર છે. જગજીતની તોલે કોઈ ના આવે. જગજીતે પરંપરાગતરીતે શાસ્ત્રીય પદ્ધતિથી ગવાતી ગઝલોને નવાં રૂપ-રંગ આપ્યાં ને સાથે સાથે હારમોનિયમ, તબલાં વગેરે પરંપરાગત ભારતીય વાદ્યોની પકડમાંથી મુક્ત કરાવીને આધુનિક વાદ્યોનો ઉપયોગ પણ કર્યો. જગજીતની ગઝલોમાં વેસ્ટર્ન ઈન્સ્ટ્રુમેન્ટ્સનો બહું ઉપયોગ થયો છે પણ તેના પ્રણેતા ભૂપિન્દર હતા.
હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગમાં રફી, મુકેશ, કિશોર સહિતના ગાયકો છવાયેલા હતા તેથી બીજા ગાયકોનો ગજ નહોતો વાગતો. ભૂપિન્દર પણ તેમાંથી એક હતા તેથી એ ગઝલ ગાયકી અને પ્રાઈવેટ આલ્બમ્સ તરફ વળ્યા. ભૂપિન્દરે ૧૯૬૬માં પોતાનું પહેલું ગઝલ આલ્બમ બહાર પાડ્યું તેમાં સ્પેનિશ ગિટારનો પહેલીવાર પ્રયોગ કરેલો. એ પછીનાં આલ્બમ્સમાં ભૂપિન્દરે બાસ, ડ્રમ વગેરે વેસ્ટર્ન ઈન્સ્ટ્રુમેન્ટ્સના પ્રયોગ કરીને ગઝલને આધુનિક બનાવી.