સાવધાન : કોરોના નવી પધ્ધતિ શીખે છે : અમરેલીમાં બે વિચિત્ર મૃત્યુ થયાં

 

  • કોરોના ફેફસાને બદલે ફેફસા પાસે આવેલા હદયના સ્નાયુઓમાં સોજો લાવી દે છે જેના કારણે હદય પમ્પીંગ ભુલી અને એક મીનીટમાં 400 વખત ધબકી રીતસર તરફડીયા મારે છે : પરિણામ પાંચ જ મીનીટમાં દર્દીનું મોત

અમરેલી,
સામાન્ય રીતે કોરોનાનાં દર્દીઓમાં એવા લક્ષણ દેખાતા હોય છે કે તેમને ન્યુમોનીયા થાય અને કોરોના વાયરસ તેમના ફેફસાને સંક્રમિત કરી અને ફેફસાની દિવાલો ઉપર લોહીની ગાંઠો જમાવી દે જેના કારણે દર્દી શ્ર્વાસ ન લઇ શકે અને એક પછી એક અવયવ નિષ્ક્રીય થતા જાય અને દર્દીનું મોત થાય(યાદ રહે આ વસ્તુ એમની સાથે જ શક્ય છે કે જેમણે સમયસર સારવાર ન લીધી હોય અને ગંભીર સ્થિતીમાં મુકાય ગયા હોય બાકી જેમની રોગપ્રતિકારક શક્તિ સારી છે તેમને સામાન્ય શરદી, તાવની જેમ કોરોના આંટો મારીને ચાલ્યો જાય છે આવુ મોટા ભાગના કિસ્સામાં થાય છે) પરંતુ અમરેલીમાં બનેલા બે કિસ્સાઓ દર્દીઓ અને તેની સારવાર કરનાર તબીબ અને સ્ટાફ બંને માટે લાલબતીરૂપ સ્વરૂપે બહાર આવ્યા છે જેમાં ભાજપ અગ્રણી સ્વ. કીરીટભાઇ વામજા અને રાજ્યના વિપક્ષી નેતા શ્રી પરેશ ધાનાણીના કુટુંબી ભાઇ સ્વ. નરેશભાઇ ધાનાણીનો સમાવેશ થાય છે.
કોરોના સામે તમામ મોરચે લડી રહેલા 65 વર્ષના યુવાન ડો. ભરતભાઇ કાનાબારએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ કે આ મામલે તેમણે ગુજરાતના ટોચના કાર્ડીયાક સર્જન ડો. અનીશ ચંદારાણા તથા સુરતમાં સારવાર આપી રહેલા તેમના મિત્ર તબીબો પાસેથી અમરેલીના ઉપરોક્ત બંને બનાવો અંગે માહિતી મેળવી હતી જે ચોકાવનારી છે. ડો. કાનાબારે જણાવ્યુ હતુ કે કોરોના ફેફસાને સંક્રમિત ન કરી શકે અને ફેફસાને મુકીને બાજુમાં જ આવેલા સ્નાયુઓમાંથી બનેલા હદયના સ્નાયુઓમાં સોજો લાવી દે છે આ કોરોનાની નવી પધ્ધતિ છે જેના કારણે જેના ફેફસા કોરોના લડી શકયા હોય અને મજબુત સાબિત થયા હોય તેને બીજા મોરચેથી કોરોના પરેશાન કરવાનું શરૂ કરે કોરોનાનો બીજો મોરચો એટલે ફેફસા પાસે આવેલ હદય. હદય સ્નાયુઓનું બનેલ હોય છે કોરોના વાયરસ ફેફસાને એટલી હદે તકલીફ આપે કે બાજુમાં આવેલ હદયને સતત માર પડે અને વાયરસ હદયને બનાવનાર સ્નાયુઓમાં સોજો લાવી દે જેના કારણે હદય એક મીનીટમાં 300 થી 400 અને તેનાથી વધારે વખત ધબકે જેના કારણે તેનું મુળ કામ લોહીને ઉપર મોકલી નીચે પાછુ લાવી ધકેલવાનું હોય છે તે બંધ થઇ જાય અને માત્ર માછલુ જેમ તરફડે તેમ હદય એક મીનીટમાં 400 ઉપરાંત વખત ધબકે ત્યારે લોહી વગર આ હદય માત્ર બેથી પાંચ મીનીટમાં જ બંધ થઇ જાય અને પેશન્ટનું મૃત્યુ થાય જેના કારણે દર્દીઓએ અને સારવાર કરનારે હદય ઉપર પણ ફેફસા જેટલુ જ ધ્યાન રાખવુ જોઇએ જેનાથી આવા બનાવો ટાળી શકાય. શાંતાબા ગજેરા હોસ્પિટલના કોરોના વોરીયર્સ ડો. વિજય વાળાએ જણાવ્યુ હતુ કે મેડીકલની ભાષામાં આ પ્રકારના બનાવને સીવીયર કાર્ડીયાર્ક એટેક કહેવાય છે.