સાવરકુંડલાનાં ખોડીયાર ચોક ખાતે આવેલા નાળાંની સફાઈ કરતાં જ ગુરુવારે બપોરે જ કમોસમી વરસાદ ત્રાટક્યો

આમ તો જેમ ચોમાસાનો સમય નજીક આવતો જાય તેમ તંત્ર દ્વારા પ્રિમોન્સૂન એક્શન પ્લાન નું અમલીકરણ પણ ઝડપી બનતું હોય છે. હાલ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આવી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. શહેરમાં વરસાદનાં પાણીનો યોગ્ય નિકાલ થાય તે હેતુથી શહેરમાં આવેલાં નાળાંને સ્વચ્છ કરવાં કે તેમાં જમા થયેલા કાદવ કીચડને દૂર કરી યોગ્ય સાફ સફાઈ કરી પાણીનો પ્રવાહ ન અવરોધાય તે ઉદ્દેશ્યથી તંત્ર દ્વારા જરૂરી પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે. આમ તો શહેરમાં આવતાં તમામ નાળાંની સાફ સફાઈ ઝુંબેશના ભાગ રૂપે આ પ્રવૃત્તિ થતી હોય છે. એના ભાગ રૂપે  અત્રે સાવરકુંડલાના હાથસણી રોડ સ્થિત ખોડીયાર ચોક પાસે આવેલ  નાળાંની સફાઈ ગુરુવારે સવારે શરૂ કરવામાં આવી અને બપોરે ચાર વાગ્યે તો કમોસમી વરસાદ ખાબક્યો. આ નાળાંની સફાઈ અતિ આવશ્યક છે કારણકે સાવરકુંડલાનાં આ વિસ્તારના લગભગ દસેક હજાર લોકોની અવરજવર રહેતી હોય છે. વળી ભારે વરસાદને કારણે આ વિસ્તારમાં રોડ ઉપર ગોઠણ સમાણા પાણી ભરાઈ જતાં હોય નાનાં બાળકો અને મહિલાઓ પણ રસ્તો પસાર કરવામાં મુશ્કેલી અનુભવતાં જોવા મળે છે. વળી  ચાર પાંચ ગામના લોકો પણ શહેરમાં અવરજવર માટે આ રસ્તાનો જ  ઉપયોગ કરે છે. જો કે ગત વર્ષે નગરપાલિકાએ આ નાળાંની રોડની એક સાઇડમાં પણ આ વિસ્તારના  પાણીનાં નિકાલ માટે આર સી. સી. ની  ઊંડી અને લગભગ  ત્રણ થી ચાર ફૂટ પહોળાઈ અને અંદાજે પચાસ થી સાંઈઠ ફૂટની લંબાઈ ધરાવતી બંધ ગટરની પણ વ્યવસ્થા કરી છે. અને આ કામગીરી નગરપાલિકા સદસ્ય અશોકભાઈ ખુમાણની અંગત દેખરેખ હેઠળ કરવામાં આવી હતી..જો કે આ બંધ ગટરની સફાઈ પણ સમયાંતરે જરૂરી છે અને ખાસ તો આ પ્રિમોન્સૂન સમયમાં.