અમરેલી,
સાવરકુંડલામાં છેલ્લા 3 દિવસમાં આવેલા બે કોરોનાના પોઝિટિવ કેસને કારણે કુંડલામાં ફફડાટ ફેલાયો છે સાવરકુંડલના અગ્રણી વેપારીનો રિપોર્ટ 20 તારીખે પોઝિટિવ આવ્યો હતો તેમણે 18 મી તારીખે અસંખ્ય લોકોના એક ફંકશનમાં હાજરી આપી હતી અને તેની સાથે જ રહેલા સાવરકુંડલાની વિશાળ સેવાભાવી સંસ્થાના મોભીને પણ પોતાની તબીયતમાં શંકા જતા શનિવારે દાખલ થઇ ગયા હતા અને આજે સોમવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આ બંને સાવરકુંડલામાં સંખ્યાબંધ લોકોના સંપર્કમાં આવ્યા હોય તંત્ર દ્વારા શનિવાર સુધીમાં વેપારીના સંપર્કમાં આવેલ 250 થી 300 લોકોનું લીસ્ટ તૈયાર કરાયુ હતુ તે હજુ લંબાયુ છે અને આ સેવાભાવી આગેવાનનું લીસ્ટ પણ મોટુ હોય આ બંને વેપારીઓના સંપર્કમાં આવેલ એક ધાર્મિક સ્થળના વૃધ્ધ સંતને પણ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે કારણકે સાવરકુંડલામાં અનેક લોકો આ સંતના આશીર્વાદ મેળવવા માટે ગયા હતા.દરમિયાન સાવરકુંડલામાં મોબાઇલ એસો. દ્વારા આઠ દિવસ માટે સાવરકુંડલાની તમામ મોબાઇલ શોપ બંધ રાખવાનો મોટો નિર્ણય લેવાયો છે રવિાર સુધી કુંડલામાં મોબાઇલની તમામ દુકાનો બંધ રહેશે.