સાવરકુંડલાના નેસડીમાં 8 વર્ષની માસુમ બાળકીને દીપડાએ ફાડી ખાધી

સાવરકુંડલાના નેસડી ગામે મધરાત્રે દીપડાએ 8 વર્ષની બાળકીને ઝુંપડામાંથી ઊઠાવી જઈને ફાડી ખાતા તેને ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મૃત્યુ થયું છે. જિલ્લામાં સતત બીજા દિવસે દીપડા દ્વારા હુમલાની ઘટના બની છે.

ધારી નજીક ખેતરમાં કામ કરતી મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યાની ઘટનાના બીજા જ દિવસે સાવરકુંડલાના નેસડીમાં 8 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધાની ઘટના બની છે. ધારી ગીર પુર્વમાં સાવરકુંડલા રેન્જ અને રાઉન્ડની નીચે આવતા નેસડી ગામમાં શનિવારની રાત્રીના પાયલ કમલેશભાઈ દેવકા (ઉ.વ.8) નામની બાળકી પોતાના પરિવારની સાથે ગામમાં આવેલા ગોબરભાઈ દૂધાતના ખેતરમાં બનાવવામાં આવેલા ઝુંપડામાં સુતી હતી. દરમિયાન રાત્રીના એક વાગ્યાના અરસામાં અચાનક જ દિપડો આવ્યો હતો અને પાયલ ઉપર હુમલો કરીને તેને ઢસડીને લઈ ગયો હતો. પાયલ આ ઝુંપડાથી 80 મીટર દૂરથી મળી આવી હતી અને તેની હાલત ગંભીર હતી. તેને સારવાર માટે સાવરકુંડલાની હાસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પણ ત્યાં સારવાર દરમીયાન તેનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમો દોડી ગઈ હતી અને આ નરભક્ષી બનેલા દીપડાને પકડવા માટે પીંજરાઓ ગોઠવવામાં આવ્યા છે. ઘટનાના પગલે અસુરક્ષા મુદ્દે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.