સાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ

સાવરકુંડલા, છે ગુરુવંદનાની આમ અલગ પ્રણાલી, જોને આ પરોઢિયા કાળે છે અચાનક ત્રાટકી, સ્નેહ પૂર્વક વંદન કરે છે આજે વર્ષારાણી.
  આમ તો અષાઢી માસ એટલે જ વર્ષારાણી માટેનો શ્રેષ્ઠ મહિનો અને તેમાં પણ રવિવાર અને ગુરુપૂર્ણિમાનું પર્વ એટલે તો પૂછવું જ શું? એક તો ટોડલે મોર ગહેકતાં હોય અને દાદુરનાં ડ્રાઉં ડ્રાઉંનાં વાતાવરણ વચ્ચે વિહ્વળ બનીને વર્ષારાણીનું ધરાંને મળવાનું  નક્કી કર્યું હોય તેમ વરસાદી આગમન થયું.
આમ તો વાતાવરણમાં છેલ્લા બે ત્રણ દિવસથી અહીં સાવરકુંડલા ખાતે વાદળો વચ્ચે વર્ષારાણી સંતાકૂકડી રમતાં હતાં પણ કાલ રાતથી એવા અણસાર જોવા મળતાં હતાં કે ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે વર્ષારાણી પધારશે. અને વ્હેલી સવારે જ આપણી ભારતીય પરંપરા મુજબ આભમાંથી ધીમી ધારે વરસાદનું આગમન થયું. લગભગ દોઢેક કલાક સુધી વરસાદ વરસતાં લોકોને ગરમીથી થોડે ઘણે અંશે રાહત મળી છે. જો કે હજુ પણ વાતાવરણ વાદળછાયું છે. લગભગ એકાદ ઈંચ વરસાદથી ખેડૂતોને હૈયે થોડી ટાઢક વળતી જોવા મળી હતી. આજે રવિવાર હોવાથી બાળકો પણ વરસાદની મજા માણતાં જોવા મળ્યાં હતાં. આમ આજના વરસાદે લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. જો કે માસ્ક પહેરીને નિકળતાં લોકોએ  છત્રી લઈને નીકળતાં સોશ્યલ ડિસ્ટન્સીંગ પણ જળવાતું જોવા મળતું હતું. પણ દ્વિચક્રી વાહનો સાથે નીકળતાં લોકોને પણ માસ્ક પલળી જતાં મૂંઝવણ પણ અનુભવતાં જોવા મળે છે.