સાવરકુંડલામાં ગટર ઉભરાતાં લોકોનાં આરોગ્યને ખતરો

સાવરકુંડલા,સાવરકુંડલા શહેરનાં મહુવા રોડ ખાતે શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર પણ આવેલાં છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી સમયાંતરે ગટર ઉભરાતાં ગટરનાં ગંદા પાણી રસ્તા પર ફરી વળતાં જોવા મળે છે. આવા ગટરનાં દુર્ગંધયુક્ત ગંદા પાણીથી અહીં આવતાં દર્દીઓ અને તેનાં સગાવહાલાઓને પણ ભારે પરેશાની ભોગવવી પડે છે. ઘણીવાર તો આ ગંદા પાણીનાં હિસાબે સિનિયર સિટીઝન લપસી જતાં પણ જોવા મળે છે. અને આવી ઘટના લગભગ એકાદ અઠવાડિયામાં બનતી જોવા મળે છે. અને આવી ગંદકીને કારણે સાજા થવા આવતાં દર્દીઓ માંદા પણ પડી શકે છે.! આમ પણ આ કોરોનાએ જ લોકોને આરોગ્યનું મહત્ત્વ સમજાવ્યું છે. સરકાર પણ આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સંવેદનશીલ હોય લોકોનું આરોગ્ય જોખમાવતી આવી ગંદા પાણીથી ઉભરાતી ગટરોની સ્વચ્છતા માટે તેનું કાયમી ધોરણે નિવારણ લાવવું જોઈએ તેવી પ્રબળ માંગ આ વિસ્તારમાં આવેલાં તમામ લોકો અને દર્દીઓ દ્વારા કરવામાં આવી છે. તો શહેરનાં નગરપાલિકા દ્વારા યુધ્ધના ધોરણે આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ કરવાનો આ યોગ્ય સમય છે. આમ પણ આરોગ્ય ક્ષેત્રે કોઈ પણ પ્રકારની ઉપેક્ષા હવે આપણાં રાજ્યમાં પોસાય તેમ નથી. માત્ર નારા નહીં પણ આ સમય છે કોંક્રીટ કાર્ય કરવાનો એ બાબત તંત્રએ પણ ધ્યાને લેવી જોઈએ.. તો આ વારંવાર ઉભરાતી ગટરોના ગંદા પાણીથી કાયમી મુક્તિ મળે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.